Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > તમને ઊંઘ સિવાય બીજા કેટલા પ્રકારના આરામની જરૂર છે?

તમને ઊંઘ સિવાય બીજા કેટલા પ્રકારના આરામની જરૂર છે?

05 April, 2024 08:15 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આજના સમયમાં યુવાનો બધું જ નાની ઉંમરે મેળવી લેવા, બધું જ ઝડપથી જીવી લેવા માટે એક્સ્ટ્રા માઇલ દોડે છે, જેને કારણે પરિવાર અને કામ વચ્ચે સંતુલન નથી રહેતું અને એમાંથી સર્જાય છે બર્નઆઉટની ફીલ.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઘણી વાર સાત કલાક સૂતાં પછી પણ સ્ફૂર્તિ અનુભવાતી નથી. મન ક્યાંક વિચર્યા જ કરે છે અને જીવનમાં જાણે કંઈક ખૂટતું હોય એવું લાગ્યા કરે છે. આજની યંગ પેઢી મોડી રાતના ઉજાગરા કરીને સવારે મોડી ઊઠે છે એને કારણે જ તેઓ સ્લીપ ડિપ્રાઇવ્ડ છે એવું નથી, આપણા શરીરને નીંદર સિવાય પણ કેટલાક અલગ પ્રકારના આરામની જરૂર પડે છે એ વિશે જાણીએ

સૂવું એટલે આરામ એ વ્યાખ્યા બદલી નાખવાની જરૂર છે, કારણ કે ખરો આરામ ત્યારે જ મળે છે જ્યારે શરીરની કેટલીક સિસ્ટમ્સ શટ ઑફ થાય અને કેટલીક સિસ્ટમ ખીલી ઊઠે. આ બન્નેનું સંતુલન જરૂરી છે. ખાસ કરીને યંગ જનરેશનમાં બર્નઆઉટની સમસ્યા વધી રહી હોવાનાં કારણોની તપાસરૂપે કેટલાક અભ્યાસો થયા છે. શા માટે પૂરતું સૂઈ ગયા પછી પણ ઍન્ગ્ઝાયટી, બોરડમ, એનર્જી અને ઉત્સાહનો અભાવ જોવા મળે છે? આવું થવાનાં કારણોમાં સૌથી મોખરે કહેવાય છે વર્ક-લાઇફ બૅલૅન્સ. આજના સમયમાં યુવાનો બધું જ નાની ઉંમરે મેળવી લેવા, બધું જ ઝડપથી જીવી લેવા માટે એક્સ્ટ્રા માઇલ દોડે છે, જેને કારણે પરિવાર અને કામ વચ્ચે સંતુલન નથી રહેતું અને એમાંથી સર્જાય છે બર્નઆઉટની ફીલ. જાણે બધું જ કર્યા પછી પણ તમે ક્યાંય પહોંચતા જ નથી એવું લાગે અને તમે જે કામ પહેલાં પૅશનને કારણે શરૂ કરેલું એ જ કામ બર્ડન લાગવવા લાગે ત્યારે સમજી લેવું કે ભાઈસાહેબ, બર્નઆઉટ થવાની શરૂઆત થઈ ચૂકી છે. 
બર્નઆઉટના કારણે વ્યક્તિ જ્યારે ડિપ્રેશનની કગાર પર આવી જાય ત્યારે જ તે પ્રોફેશનલ હેલ્પ માટે જાય છે, પણ જો તમને પણ આવાં લક્ષણો હોય તો સાઇકોલૉજિસ્ટ ડૉ. સૉન્ડ્રા ડૅલ્ટન-સ્મિથે લખેલી ‘સેક્રેડ રેસ્ટ ઃ રિકવર યૉર લાઇફ, રિન્યુ યૉર એનર્જી, રીસ્ટોર યૉર સૅનિટી’ નામનું પુસ્તક વાંચી જવું. આ પુસ્તકમાં આપણા શરીર અને મનને સાત પ્રકારના રેસ્ટની જરૂર વિશે જણાવાયું છે. સાત રેસ્ટ કઈ રીતે જીવનમાં શરીર-મન બન્નેને પ્રફુલ્લિત રાખવાનું અને સંતોષની લાગણી જન્માવવાનું કામ કરે છે એ સમજવાનું સહેલું છે. કયા સાત આરામ જોઈએ?૧) શારીરિક રેસ્ટ

આ પ્રકારનો આરામ આપણે બધા જ કરતા આવ્યા છીએ, જેમાં કહેવાય છે કે છથી સાત કલાકની ઊંઘનો સમાવેશ થાય જ છે. જોકે માત્ર એટલું જ ફિઝિકલ રેસ્ટમાં નથી આવતું. જાગૃત અવસ્થામાં શરીરને રેસ્ટની જરૂર છે. અને એ મળે છે વિવિધ પ્રકારના હલનચલનથી. દિવસ દરમ્યાન દર થોડાક કલાકે સ્ટ્રેચિંગ, ઘર કે ઑફિસમાં ૨૦૦-૩૦૦ ડગલાં ચાલી લેવું જેવી ઍક્ટિવિટીઝ સમાવવી જોઈએ. હળવો મસાજ પણ ફિઝિકલ રેસ્ટ આપે છે. ૨) માનસિક રેસ્ટ 
આ માટે તમારે બીજું કંઈ જ કરવાની જરૂર નથી. જસ્ટ ટેક અ બ્રેક. લિટરલી બ્રેક લઈને કંઈ જ નથી કરવાનું. મોબાઇલ, સોશ્યલ મીડિયા, આમ-તેમ જેવું, પુસ્તક વાંચવું, કોઈની સાથે વાત કરવી જેવું કંઈ જ નહીં કરવાનું. મગજને વિચારવા માટેનું સ્ટિમ્યુલેશન મળે એવું કંઈ જ ન કરવું એટલે મેન્ટલ રેસ્ટ. આવું કરવાથી આપણે મગજમાં નાખેલી જૂની ઇન્ફર્મેશનને પ્રોસેસ કરીને એને ઑર્ગેનાઇઝ કરવાનો સમય આપીએ છીએ. એનાથી તમે ફરી જ્યારે કામ શરૂ કરો ત્યારે ફોકસ્ડ રહી શકો છો અને પ્રોડક્ટિવિટી સુધરે છે. 


૩) ઇમોશનલ રેસ્ટ 
આપણે કંઈ પણ કરીએ છીએ ત્યારે તરત જ કોઈક પ્રકારનું રીઍક્શન ઊઠે છે. કાં તો એ સારું લાગે છે, ખરાબ લાગે છે, ગમે છે, નથી ગમતું, ગુસ્સો લાવે છે, પ્રેમ પેદા કરે છે... વગેરે. મતલબ કે આપણી અંદર લાગણીઓના ઉછાળા સતત મારતા રહે છે. ઉફાન પર ચાલતી લાગણીઓને થોડીક વાર શાંત કરવી જરૂરી છે અને એ માટે સમયાંતરે તમારે એકલા રહેવું જરૂરી છે. સ્ટ્રેસફુલ પરિસ્થિતિઓથી દૂર થઈને માત્ર જાત સાથે સમય ગાળવો. કુદરતના ખોળે જઈને મૌન રહેવાની પ્રક્રિયા અંતરમાં ઊઠતી અનેક લાગણીઓને ઠરીઠામ કરી દે એવી છે. બહુ જ ઇમોશનલ આઉટબર્સ્ટ કરવાનું મન થતું હોય તો કોઈ વિશ્વાસુ દોસ્ત સામે દિલ ઠાલવી શકાય અને જો એવું ન કરવું હોય તો લાગણીઓને ડાયરીમાં લખીને વ્યક્ત કરી શકાય. ડાયરી લખવી એ પણ સભાનતા લાવે છે અને અનેક બિનજરૂરી લાગણીઓનાં ગૂંચળાં ઉકેલી શકે છે. 

૪) સેન્સરી રેસ્ટ 
માણસ પાંચ ઇન્દ્રિયોથી સંવેદનાઓ પારખી શકે છે. આંખ, કાન, નાક, જીભ અને ત્વચા એ પાંચ ઇન્દ્રિયોને આરામ આપો. ટીવી બંધ કરો. મોબાઇલમાં વેબ-સિરીઝો જોવાનું બંધ કરો. જ્યાં કાન અને આંખને આરામ મળે એવી જગ્યાએ બેસો. ગરમ પાણીમાં સૉલ્ટ નાખીને હાથને ત્વચા પર રગડી-રગડીને નહાઓ. ઊંડા શ્વાસ લો અને તમારા શરીરમાં શ્વાસ ક્યાં અને કેવી રીતે જાય છે અને કઈ રીતે બહાર નીકળે છે એના પર ધ્યાન કેન્દ્રિત કરો. સતત વપરાતી ઇન્દ્રિયોને આરામ મળે એ માટે શાંત અને મૌન અવસ્થામાં થોડોક સમય બેસવું બહુ જ જરૂરી છે. 

૫) ક્રીએટિવ રેસ્ટ 
અત્યાર સુધી જે પણ આરામની વાત કરી એમાં મોટા ભાગે આ ન કરવું અને તે ન કરવું એની જ વાત કરી. હવે શરીર-મનને એવું કંઈક કરાવવું જેનાથી એ રિફ્રેશ્ડ ફીલ કરે. આ માટે સર્જનાત્મકતાનો સહારો ઉત્તમ છે. રૂટીન કામથી બ્રેક લઈને તમને ગમતા શોખને પોષો. ડ્રૉઇંગ, ડાન્સ, પેઇન્ટિંગ, ભરતગૂંથણ, કુકિંગ જેવું કંઈ પણ તમને ગમતું હોય એ કરો. જ્યારે આવો ક્રીએટિવ રેસ્ટ કરીએ તો નવા વિચારોથી મન તાજગી અનુભવે છે. આ આરામ તમને મોટિવેટેડ રાખે છે. 


૬) સોશ્યલ રેસ્ટ 
માણસ આમ તો સામાજિક પ્રાણી છે અને સમાજ વિના એ રહી શકતો નથી, પરંતુ રોજેરોજ સતત સમાજની વચ્ચે રહેવાનું થતું હોય તો એ પણ તમને થકવી નાખી શકે છે. લોકોને હળવામળવાનું જરૂરી છે જ, પણ ક્યારે લોકોથી અળગા થઈને એકાંતમાં સમય ગાળીને સમૃદ્ધ થવાની જરૂર છે એ પણ સમજવું. બહુ જ ક્લોઝ મિત્રો કે પરિવારજનો સાથે સમય ગાળવો કે પછી સોલો પિકનિક પર નીકળી જવું એ પણ સોશ્યલ રેસ્ટ છે. અને હા, આ સમયમાં સોશ્યલ મીડિયાથી તો સો ગજની દૂરી જ કરી નાખવી. 

૭) સ્પિરિચ્યુઅલ રેસ્ટ 
દરેક વ્યક્તિના જીવનમાં ધર્મ અથવા તો કોઈક વિચારધારાની માન્યતાને અનુસરવી એ બહુ જ મોટો હિસ્સો રહ્યો છે. એમાં યોગ, મેડિટેશન પણ હોઈ શકે અને ધાર્મિક શ્રદ્ધા ધરાવતા ભગવાનની ભક્તિ કરવાની વાત પણ હોઈ શકે. પ્રાર્થના કરી, ધાર્મિક સ્થળની મુલાકાત લેવી, યોગ અને મેડિટેશન કરવું, કોઈ સામાજિક કે ધાર્મિક પ્રવૃત્તિમાં નિઃસ્વાર્થ સેવા આપવી જેવી પ્રવૃત્તિઓ મનને સંતોષ આપે છે અને એ પણ બર્નઆઉટમાંથી બહાર કાઢવામાં અકસીર છે.

Whatsapp-channel Whatsapp-channel

05 April, 2024 08:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK