મેનોપૉઝ દરમ્યાન ક્યારેક હેવી બ્લીડિંગના બનાવ થાય છે,
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મારી ઉંમર ૪૭ વર્ષની છે. આમ તો મારી તબિયત ઘણી સારી રહે છે, પરંતુ છેલ્લા ૬ મહિનાથી પિરિયડ્સ સમયે મને સખત બ્લીડિંગ થાય છે. ગયા મહિને તો મને ૧૫ દિવસ સુધી સતત હેવી બ્લીડિંગ થયું. ૧-૧ કલાકે પૅડ બદલવા પડે એવી હાલત હોય છે. મને ક્યારેય પિરિયડ્સ વખતે કોઈ તકલીફ થઈ નથી, પણ હાલમાં જે થઈ રહ્યું છે એનાથી હું ખૂબ ત્રસ્ત છું. હું વર્કિંગ વુમન છું. આ રીતે હું કામ નથી કરી શકતી. મેં આજ પહેલાં પિરિયડ્સ માટે કોઈ દિવસ દવાઓ લીધી નથી અને અત્યારે લેવા પણ માગતી નથી. આનો શું ઉપાય હોઈ શકે?
તમારી ઉંમર સૂચવે છે કે મેનોપૉઝ નજીક છે. મેનોપૉઝ દરમ્યાન ક્યારેક હેવી બ્લીડિંગના બનાવ થાય છે, પરંતુ તમે કહો છો એ એમ જો ૧૫ દિવસથી તમને હેવી બ્લીડિંગ થતું હોય તો એ બિલકુલ નૉર્મલ તો ન જ કહી શકાય. તમે દવાઓ લીધી નથી, એ સારું છે. મનમાં આવે એ કે કેમિસ્ટ આપે એ દવાઓ લેવાને કારણે ઘણી છોકરીઓના હેલ્થ પર ઊંધી અસર થાય છે, પરંતુ દવા લેવી જ નહીં એ જક્કી વલણ પણ બરાબર નથી. સૌથી પહેલાં તો તમે તાત્કાલિક ગાયનેક પાસે જઈને ચેક-અપ કરાવો. ઘણી વખત એવું થાય કે ખૂબ હેવી બ્લીડિંગ થતું હોય અને ઘણા દિવસ સુધી એ લંબાઈ જાય તો સ્ત્રીઓને એનીમિયા થઈ જવાનો ભય રહે છે.
આદર્શ રીતે જો માસિક ૭ દિવસ જેટલું કે એનાથી પણ વધુ લંબાઈ જાય તો ડૉક્ટરને મળવું જરૂરી છે. આ બ્લીડિંગ થવા પાછળ ગર્ભાશયમાં ફાઇબ્રૉઇડ અને પોલીપ્સ હોઈ શકે છે, જે ટેસ્ટ દ્વારા સમજી શકાય છે. આ સિવાય બ્લડ રિપોર્ટ કઢાવવો પડશે જેનાથી સમજાઈ જશે કે હીમોગ્લોબિન કેટલું ઘટી ગયું છે. જો ગર્ભાશયની કોઈ તકલીફ ન હોય તો વગર કારણે પણ આ તકલીફ હોય છે જેને ઍબ્નૉર્મલ યુટરાઇન બ્લીડિંગ નામ આપવામાં આવ્યું છે. એ બંધ કરવું અત્યંત જરૂરી છે, જેના માટે ડૉક્ટર જો દવા આપે તો એ લઈ લેજો, નહીંતર ખૂબ નબળાઈ આવી જશે. શરીર પર જો એનીમિયાની અસર હોય તો એને ટ્રીટ કરવું પણ એટલું જ જરૂરી છે, જેના માટે બ્લીડિંગ બંધ કરવું જરૂરી છે. આ સિવાય ઘણી વાર હૉર્મોનલ ઇમ્બૅલૅન્સને કારણે પણ વધુ પડતું બ્લીડિંગ થાય છે તો આવા કેસમાં હૉર્મોન્સને બૅલૅન્સ કરવાના પ્રયાસ જરૂરી છે, જે દવાઓ દ્વારા, લાઇફસ્ટાઇલ બદલાવ દ્વારા પણ કરી શકાય છે. આમ, આટલા હેવી બ્લીડિંગને અવગણો નહીં અને તાત્કાલિક ગાયનેકોલૉજિસ્ટને મળો.

