Health Funda: ન્યુ યર શરુ થઈ જાય ત્યારે બધા હેલ્થ ગોલ્સ સેટ તો કરી લે છે પરંતુ તેને પહોંચી વળવાનું મુશ્કેલ બને છે; જોષમાં લીધેલા સંકલ્પ માત્ર શરુઆતમાં જ અમલમાં મુકાય છે… ત્યારે ડૉ. રિશિતા બોચિયા જોષી સમજાવે છે કે આ હેલ્થ ગોલ્સ કઈ રીતે સાકાર કરવા
તસવીર ડિઝાઇનઃ કિશોર સોસા
સુંદર અને ટકાઉ ઘર બનાવવા મજબૂત પાયો, સારી અને યોગ્ય સામગ્રી તેમજ કુશળ કામદારોની જરૂર પડે છે તેમ આપણા શરીરનું સર્વાંગી સ્વાસ્થ્ય જળવાય તે માટે ખોરાક, કસરત અને મનની સ્વસ્થતા જરૂરી છે. ખોરાક આપણા શરીરને ઊર્જા આપે છે. નિયમિત કસરત શરીરને મજબૂત બનાવે છે, સાથે સાથે મનને તેજ અને તણાવમુક્ત રાખે છે. આમ સર્વાંગી સ્વાસ્થ્ય માટે તન અને મન બન્ને સ્વસ્થ હોવા ખૂબ જરુરી છે. સોશ્યલ મીડિયા જ્યારે આંગળીના ટેરવે છે ત્યારે સરળતાથી માહિતી મળી જાય કે, સર્વાંગી સ્વાસ્થ્ય માટે શું ખાવું જોઈએ? ડાયટિંગમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું? કઈ કસરત કરવી જોઈએ? માનસિક શાંતિ માટે શું જરુરી છે? વગેરે વગેરે બધી જ માહિતી મળી જાય છે. પરંતુ વ્યક્તિ દીઠ દરેક બાબત જુદી-જુદી હોય છે. પણ સર્વાંગી સ્વાસ્થ્યને લગતી કેટલીક બાબતો બહુ કૉમન હોય છે. તમને મૂંઝવણ થતી હોય કે સુખાકારી અને સર્વાંગી સ્વાસ્થ્ય માટે શું કરવું તો ગુજરાતી મિડ-ડે ડોટ કોમ તમારી માટે લઈને આવ્યું છે – ‘હેલ્થ ફંડા’ (Health Funda). જેમાં દર શનિવારે ‘હેલ્થ એન ફૂડવિલા’ (Health n Foodvilla)નાં ડાયટિશન અને ફૂડ ન્યુટ્રિશનિસ્ટ, હોલિસ્ટિક ફંક્શનલ હેલ્થ કૉચ ડૉ. રિશિતા બોચિયા જોષી (Dr. Rishita Bochia Joshi) ખોરાક, શારિરીક સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્યને લગતા વિષયો પર આપણી સાથે વાત કરશે.
ન્યુ યર ૨૦૨૬ શરુ થઈ ગયું છે ત્યારે આજના ‘હેલ્થ ફંડા’ના એપિસોડમાં ડૉ. રિશિતા બોચિયા જોષી વાત કરે છે કે, નવા વર્ષે લીધેલા હેલ્થ ગોલ્સ કઈ રીતે પુર્ણ કરશો?
ADVERTISEMENT
ન્યુ યરની શરુઆત થઈ ગઈ છે. ૨૦૨૬ માટેના તમારા ગોલ્સ (New Year 2026 Resolution) તમે નક્કી કરી જ લીધા હશે! ૨૦૨૬ માટે તમે તમારા સ્વાસ્થ્ય માટે કોઈ ગોલ સેટ કર્યો છે કે નહીં?! દર વર્ષે લોકો વજન ઘટાડવાના, સ્વચ્છ અને સ્વસ્થ ખોરાક ખાવાનો અથવા તો એકદમ ફિટ રહેવાના સ્વાસ્થ્ય સંકલ્પ (New Year 2026 Health Resolution) લે છે. પરંતુ હકીકતમાં, આમાંના મોટાભાગના સંકલ્પોનું માત્ર અમુક દિવસો કે કેટલાક અઠવાડિયા સુધી જ પાલન થાય છે અને પછી તો લોકો તે ભુલી જ જાય છે. તેનું સૌથી મોટું કારણ છે કે, આ સંકલ્પ તાત્કાલિક લેવાયેલા હોય છે; તે લક્ષ્ય આધારિત નથી હોતા. જે સંકલ્પ લક્ષ્ય આધારિત ન હોય તે બહુ લાંબો સમય સુધી ટકતા નથી.
જીવનશૈલીમાં ખરું પરિવર્તન ત્યારે જ આવે છે જ્યારે આપણે જે ખોરાક ખાઈએ છીએ તે આપણા શરીરને પોષણ આપે. પોષણ હોર્મોન્સને સંતુલિત કરવામાં, પાચનમાં સુધારો કરવામાં, સારી ઊંઘ લાવવામાં અને મનને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. ફક્ત ઝડપી વજન ઘટાડવાના પરિણામો પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે આ બધા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવું એટલું જ જરુરી છે. જ્યારે શરીરને પોષણ મળે અને તેની સંભાળ રાખવામાં આવે ત્યારે તે પોતાની જાતે જ કાર્ય કરવાનું શરુ કરે છે અને વજન કુદરતી રીતે સંતુલિત થવા લાગે છે, ત્વચા સ્વસ્થ અને તેજસ્વી બને છે તેમજ અતિશય આહાર કે દબાણ વિના શરીરના ઉર્જા સ્તરમાં સુધારો થાય છે.
નવા વર્ષે ખોરાક સાથે બાંધો નવો નાતો
આ વર્ષે તમારે હેલ્થને લગતો જે સંકલ્પ લેવાનો છે તેમા ઓછું ખાવાનો સંકલ્પ નહીં પણ વધુ સારું ખાવાનો સંકલ્પ કરો. તમારા શરીરને સજા આપવાનો નહીં, પરંતુ તેને સમજવાનો સંકલ્પ કરો. હેલ્થનું ધ્યાન ૨૧ દિવસ રાખવું પડે તેવું નથી એ તો લાઇફટાઇમ અપનાવવા જેવી બાબત છે.
૭ અસરકારક, વ્યવહારુ અને જીવન બદલી નાખનારી ટિપ્સ
જો આ વર્ષે તમે લીધેલા હેલ્થ ગોલ્સ હાંસલ કરવા હોય તો તમારે આ સાત ટિપ્સ ફૉલો કરવાની જરુર છે.
૧. જમવાનું નક્કી કરતા પહેલા તમારા જમવાનો સમય નક્કી કરો
તમારું પાચન, હોર્મોન્સ અને ઉર્જા એક જ સમયે ચાલે છે. અનિયમિત સમયે ખાવાથી આંતરડામાં મૂંઝવણ થાય છે અને ઇન્સ્યુલિન વધે છે.
ન્યુ યર રિઝોલ્યુશન: દરરોજ લગભગ એક જ સમયે જમવાનું જમી શકો એવું સમયપત્રક બનાવો. ઊંઘના ઓછામાં ઓછા ૨-૩ કલાક પહેલા રાત્રિભોજન પૂરું કરો અને ૧૨-૧૪ કલાકનું રાતનું ફાસ્ટિંગ કરો.
૨. બધા મીલમાં પ્રોટીનનો સમાવેશ કરો
પોષણ અસંતુલન મોટેભાગે પ્રોટીનની ઉણપથી શરૂ થાય છે. એટલે દરેક મીલમાં પ્રોટીનનો સમાવેશ કરો.
ન્યુ યર રિઝોલ્યુશન: કાર્બોહાઇડ્રેટ્સ ઉમેરતા પહેલા દરેક મીલમાં પ્રોટીન સ્ત્રોત જેમકે - દાળ, દહીં, પનીર, ટોફુ, બદામ, બીજ અથવા કઠોળ ઉમેરો.
૩. ગટ હેલ્થનું ધ્યાન રાખો
વજનમાં વધારો, ખીલ, ઓછી રોગપ્રતિકારક શક્તિ, પેટનું ફૂલવું અને મૂડ સ્વિંગ ઘણીવાર આંતરડામાં શરૂ થાય છે. એટલે ગટ હેલ્થનું ધ્યાન રાખવું ખુબ જરુરી છે.
ન્યુ યર રિઝોલ્યુશન: દરરોજ તમારા ખોરાકમાં એક ગટ-ફ્રેન્ડલી ફૂડ આઇટમ ઉમેરો. જેમકે - દહીં, ફર્મેન્ટેડ શાકભાજી, જીરાનું પાણી, પલાળેલા બીજ અથવા છાશ.
૪. યોગ્ય સમયે પાણી પીઓ
મોટાભાગના લોકો ડિ-હાઇડ્રેશન અથવા તો કેફીનના ઓવરડોઝમાં હોય છે. ડિ-હાઇડ્રેશનને કારણે થાક, કબજિયાત અને નિસ્તેજ ત્વચા જેવી સમસ્યા થાય છે.
ન્યુ યર રિઝોલ્યુશન: દિવસમાં એકવાર નાળિયેર પાણી અથવા ચપટી મીઠું + લીંબુ જેવા ઇલેક્ટ્રોલાઇટ્સ ઉમેરો. દિવસની શરૂઆત એક ગ્લાસ ગરમ પાણીથી જ કરો.
૫. ઊંઘવાનો-ઉઠવાનો સમય નક્કી કરો
યોગ્ય ઊંઘ એ ઘણી બધી બાબતોને અસર કરે છે. સરખી ઊંઘ ફેટ-બર્નિંગ હોર્મોન્સ, ત્વચાનું સમારકામ અને ભાવનાત્મક સંતુલન પુનઃસ્થાપિત થાય છે.
ન્યુ યર રિઝોલ્યુશન: ઊંઘવાનો-ઉઠવાનો સમય નક્કી કરો. રાત્રે સ્ક્રીન એક્સપોઝર ઓછું કરો અને વધુ ઊંઘ કરતા ગુણવત્તાસભર ઊંઘ પર ધ્યાન કેન્દ્રિત કરો.
૬. વજન ઘટાડવા માટે નહીં પણ શરીરને ઊર્જા આપવા માટે ખાઓ
વધુ પડતું ડાયટિંગ ચયાપચયને ધીમું પાડે છે અને તણાવ હોર્મોન્સ વધારે છે.
ન્યુ યર રિઝોલ્યુશન: એવા ખોરાક ખાવાનું પસંદ કરો જે તમારા શરીરને ઉર્જા આપે. જટિલ કાર્બોહાઇડ્રેટ્સ, સારી ચરબી વધારવામાં મદદરુપ થાય.
૭. શિસ્તબદ્ધ રહો
સ્વાસ્થ્ય એટલે સંપૂર્ણ બનવું કે બધું એક જ સમયે કરવું નહીં. તે દરરોજ નાના નાના પ્રયત્નો કરવા વિશે છે, ભલે તમે બધું બરાબર ન કરો પણ શિસ્તબદ્ધ રહો. સૌથી મહત્વની બાબત એ છે કે નિયમિતતા જાળવો
ન્યુ યર રિઝોલ્યુશન: ૭૦-૩૦ નિયમનું પાલન કરો. ૭૦% પોષિત સંતુલિત ભોજન અને ૩૦% શારીરિક પ્રવૃત્તિઓ. કન્સિસ્ટન્સિ સાથે સંતુલન મુખ્ય છે.
ન્યુ યર, ન્યુ યુ
તમારા સ્વાસ્થ્યને સુધારવા માટે તમારે કઠોર ડિટોક્સ કે કડક આહારની જરૂર નથી. વાસ્તવિક પરિવર્તન સ્પષ્ટ વિચારસરણી અને સરળ, સંતુલિત ટેવોથી આવે છે જેને તમે દરરોજ અનુસરી શકો છો. જ્યારે તમારા સંકલ્પ તમારા શરીરની જરૂરિયાતો સાથે મેળ ખાય છે અને તમે સુસંગત રહો છો, ત્યારે વધુ સારું સ્વાસ્થ્ય બને છે.
(શબ્દાંકનઃ રચના જોષી)


