ECG શું છે? આ ટેસ્ટમાં શું તપાસવામાં આવે છે?
હેલ્થ-ડિક્શનરી
ADVERTISEMENT
નામ મુજબ આ ટેસ્ટમાં હૃદયમાં થતી ઇલેક્ટ્રિકલ ઍક્ટિવિટી માપવામાં આવે છે. હૃદય ચાર અલગ-અલગ ચેમ્બરનું બનેલું હોય છે. ઉપરની બે ચેમ્બર્સને ઍટ્રિઆ એટલે કે ગુજરાતીમાં કર્ણક કહેવાય અને નીચેની બન્ને ચેમ્બર્સને વેન્ટ્રિકલ્સ એટલે કે ક્ષેપક.
જમણા-ડાબા કર્ણકમાંથી ઇલેક્ટ્રિસિટીનું એક તરંગ પસાર થાય એને P વેવ કહે છે. આ વેવ ઉપરથી નીચેની ચેમ્બરમાં જાય છે. નીચેની ચેમ્બર એટલે કે ડાબા-જમણા ક્ષેપકમાં જે તરંગ પેદા થાય છે. આ બન્નેને કારણે હૃદયનું સંકોચન થાય છે. ફરીથી હૃદયની ચેમ્બર્સ પાછી ફૂલે એ માટે T વેવ પેદા થાય છે. આ તરંગો માપવાની ટેસ્ટ છે ECG. હજીયે સાદી ભાષામાં કહીએ તો હૃદય સંકોચન અને વિસ્તરણ કરે છે એ દરમ્યાન ચોક્કસ ઇલેક્ટ્રિકલ તરંગો હૃદયની ચારેય ચેમ્બર્સમાંથી પસાય થાય છે. આ તરંગો પસાર થાય છે તો જ હૃદયનું સંકોચન-વિસ્તરણ થાય છે અને લોહી હૃદયમાં અંદર ભરાવાનું અને શરીરમાં પમ્પની જેમ છૂટવાનું શરૂ થાય છે. વિવિધ વિદ્યુત તરંગોની ઇન્ટેન્સિટી અને સમયનું માપન ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામમાં થાય છે.
આ ટેસ્ટ ડૉક્ટરને બતાવે છે કે તમારું હૃદય નિયમિત ગતિ મુજબ ધડકે છે કે નહીં. વિદ્યુત તરંગોની ગતિ અને ઊંડાણ મશીન સાથે જોડાયેલા એક કાગળ પર શાર્પ ઊંચી-નીચી થતી રેખાઓ વડે પ્રિન્ટ થાય છે. રિપોર્ટમાં દેખાતી ઊંચીનીચી રેખાઓ હૃદયની વિવિધ ચેમ્બર્સમાંથી નીકળતા વિદ્યુત તરંગોની તીવ્રતા અને ગતિ બતાવે છે. ડૉક્ટરો એમાં રિધમ અને નિયમિતતા છે કે નહીં એ તપાસે છે.

