શહેરમાં ઠેર-ઠેર જે રીતે કન્સ્ટ્રક્શનનાં કામ ચાલી રહ્યાં છે એ જોતાં પાણી તો ભરાવાનાં જ છે અને એને કારણે પાણીજન્ય રોગોના કેસોમાં પણ ઉછાળો જોવા મળવાનો જ છે
પ્રતીકાત્મક તસવીર
એક ઋતુ જવાની હોય અને બીજીનું આગમન થવાનું હોય એ ટ્રાન્ઝિશનના સમયગાળામાં આપણા સ્વાસ્થ્ય સામે વધુ જોખમ ઊભું થતું હોય છે. એ દરમિયાન હાઇજીન અને ખાનપાનનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. હાલમાં ઉનાળો પૂરો થઈને ચોમાસાનું આગમન થવાનું છે ત્યારે બદલાવના આ સમયગાળામાં વાઇરલ ઇન્ફેક્શનના કારણે શરદી, ઉધરસ, તાવના કેસ વધી રહ્યા છે. આ બધી ફરિયાદોને લઈને મારા ક્લિનિકમાં દરદીઓ આવવાનું શરૂ થઈ ગયું છે એટલે વાઇરલ ઇન્ફેક્શનથી બચવા ઇમ્યુનિટી મજબૂત કરવાનું ચાલુ કરી દો. ખાસ કરીને ખાટાં ફળો ખાવાનું જોર રાખો જેમાં વિટામિન Cનું પ્રમાણ સારું હોય. જેમ બને એમ ગરમ અને તાજું બનાવેલું ખાવાનું ખાઓ. વાસી ખોરાક ખાવાનું ટાળો. આ સમયગાળા દરમિયાન માખીઓનો ત્રાસ પણ વધી જતો હોય છે. આપણા સ્વચ્છ ખોરાક પર બેસીને એને ગંદો કરવાનું કામ કરે છે. એવામાં ખુલ્લામાં મળતા નાસ્તાઓ ખાવાનું ટાળવું જોઈએ જેના પર માખીઓ બણબણતી હોય. દૂષિત પાણી અને ખોરાકથી ટાઇફૉઇડ, કમળો થવાનું જોખમ પણ વધુ હોય છે. વાઇરલ ઇનફેક્શન ન થાય એટલે હાઇજીનનું પણ એટલું જ ધ્યાન રાખવું જોઈએ. બહારથી આવ્યા બાદ હાથ-પગ સ્વચ્છ કરવાનું રાખો. તમે સૅનિટાઇઝરનો ઉપયોગ ન કરો અને ફક્ત સાબુ-પાણીથી ધોઈ લો તો પણ ચાલે. એ સાથે જ બહારથી આવ્યા બાદ તરત કપડાં ચેન્જ કરવાં પણ એટલું જ જરૂરી છે. એ પછી જ ઘરનાં બીજાં કામ હાથમાં લેવાં જોઈએ. આ વસ્તુની કાળજી રાખવામાં ન આવે તો પણ ઇન્ફેક્શન તમારા ઘરમાં આવી જાય. આ સમયગાળામાં પેટ સંબંધિત અનેક સમસ્યા પણ થઈ જાય છે. ખાસ કરીને બહારનું દૂષિત ખાવાનું ખાવાથી જાડા-ઊલટીની સમસ્યા થઈ જાય છે. અત્યારે જે રીતે ચોમાસા પૂર્વેનો વરસાદ પડી રહ્યો છે એને કારણે વાતાવરણમાં ભેજ અને ગરમી બન્નેનું પ્રમાણ વધી રહ્યું છે. એટલે લોકો ગરમીથી રાહત મેળવવા કોલ્ડ ડ્રિન્ક્સ, શરબત પી રહ્યા છે. એને કારણે ગળું પકડાઈ જવાની સમસ્યા પણ જોવા મળી રહી છે. એમાં પણ પ્રૉપર વરસાદ શરૂ થશે અને ઠેકઠેકાણે પાણી ભરાવાનું શરૂ થશે એટલે ડેન્ગી, મલેરિયાના કેસમાં પણ ઉછાળો જોવા મળશે. આ વખતે તો અત્યારથી જ પ્રી-મૉન્સૂન શાવરને કારણે મલેરિયાના કેસ આવવાનું શરૂ થઈ ગયું છે. શહેરમાં ઠેર-ઠેર જે રીતે કન્સ્ટ્રક્શનનાં કામ ચાલી રહ્યાં છે એ જોતાં પાણી તો ભરાવાનાં જ છે અને એને કારણે પાણીજન્ય રોગોના કેસોમાં પણ ઉછાળો જોવા મળવાનો જ છે.
- ડૉ. ઈલા શાહ


