ચૂંટણી, ક્રિકેટ મૅચ, બૉલીવુડ, સેલિબ્રિટીઝનું આડુંઅવળું પ્રકરણ, ધર્મના નામે થતા વિવાદ કે રાજકારણ, સેક્સ-હિંસાની ઘટનાઓ વગેરે જેવા વિષયોમાં તો લોકો પોતાના મત એવી રીતે આપવા લાગે છે
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
આજના સમયના નવા માનસિક રોગોમાં અગ્રક્રમે કયાં નામ આવે? આપણને પહેલાં નામોમાં સ્ટ્રેસ, ટેન્શન અને ડિપ્રેશનની યાદ આવે પણ દોસ્તો, આ તો હવે બહુ કૉમન થઈ ગયા છે. જેથી કેટલાંક જુદાં નામો પર નજર કરવી જરૂરી, મોટા ભાગે આ ત્રણ કૉમન થઈ ગયેલા રોગો સાથે આમને સંબંધ છે. આ નામો છે ઍન્ગ્ઝાયટી, જજમેન્ટલ, જડતા, ઉતાવળ અને નેગેટિવ માનસિકતા.
આ સીધી વાતને સાવ સીધેસીધી સમજીએ, તાજેતરમાં ભારત-પાક તનાવ-યુદ્ધના માહોલમાં આપણે ન્યુઝ ચૅનલ્સથી માંડી સોશ્યલ મીડિયા પર ચાલેલા સમાચારો, અહેવાલો અને અભિપ્રાયો જોઈએ-સાંભળીએ તો આપણને ખ્યાલ આવે કે આમાંના બધા કેટલી ઉતાવળમાં છે, કેટલી બધી ઍન્ગ્ઝાયટી ધરાવે છે, સમાચારની સચ્ચાઈ જાણ્યા-સમજ્યા વિના ઉત્તેજના ફેલાવવા કે પછી બ્રેકિંગ ન્યુઝની હરીફાઈમાં આગળ નીકળી જવા કેટલી હદ સુધી જુઠ્ઠાણાં પણ ચલાવાય છે, જેમાં લોકો ગેરમાર્ગે દોરાય છે. અલબત્ત, મોટા ભાગની ન્યુઝ ચૅનલ્સને તો TRP વધારવા કે લોકોને પોતાના તરફ ખેંચવા-આકર્ષવા આવી આદત પડી ગઈ છે, પરંતુ હવે તો પ્રજાઓનાં ટોળાનાં ટોળાં કોઈ પણ સંવેદનશીલ કે વિવાદાસ્પદ મામલાઓમાં ઉપાડો લે છે જેમાં તેમની પોતાની વ્યક્તિગત અને સામૂહિક જડતા, વ્યગ્રતા, આક્રોશ વ્યક્ત થયા કરે છે. આમાં ઘણા લોકો જજમેન્ટલ હોવાથી પોતાને જે સત્ય લાગ્યું એનો ચુકાદો પણ આપી દે છે. અનેક લોકોની નકારાત્મકતાના અસંખ્ય પુરાવા પણ આમાં છતા થયા કરે છે. વડા પ્રધાને, ગૃહપ્રધાને અને સંરક્ષણપ્રધાને, સરકારે શું કરવું જોઈએ યા કરવું જોઈતું હતું એવી સલાહોના વરસાદ સોશ્યલ મીડિયા પર છવાઈ જાય છે જેને પરિણામે પણ આવી વાતો અને અભિપ્રાયો ગાંડપણની હદે વાઇરલ થાય છે.
ADVERTISEMENT
આ માનસિક રોગો કે એનાં લક્ષણો માટે યુદ્ધ સિવાયનાં પણ ઘણાં ઉદાહરણો જોવા-સાંભળવા મળે છે. ચૂંટણી, ક્રિકેટ મૅચ, બૉલીવુડ, સેલિબ્રિટીઝનું આડુંઅવળું પ્રકરણ, ધર્મના નામે થતા વિવાદ કે રાજકારણ, સેક્સ-હિંસાની ઘટનાઓ વગેરે જેવા વિષયોમાં તો લોકો પોતાના મત એવી રીતે આપવા લાગે છે જાણે પોતે એકેક જણ ન્યાયાધીશ હોય જેમાં બોલી કે લખીને અભિપ્રાય આપવાની ઉતાવળ તેમના જજમેન્ટલ કે જડ સ્વભાવની વરવી માનસિકતા પ્રગટ થાય છે. જૂઠ સાથે જૂઠનું મિશ્રણ થયા કરે છે.
કેટલાક અપવાદ સિવાય મોટા ભાગનું પ્રિન્ટ મીડિયા તુલનાત્મક રીતે બહેતર ગણાય બાકી મોટા ભાગની ટીવી ચૅનલ્સ બેફામ બિહેવ કરે છે, જ્યારે સોશ્યલ મીડિયામાં તો કરોડો બેજવાબદાર લેખકો, વક્તાઓ, પ્રવક્તાઓ, ઇન્ફ્લુઅન્સર્સ, સ્વયં બની બેઠેલા વકીલો, જજ લોકોની ફોજ હોય જેનું કોઈ નિયંત્રણ કે નિયમન નહીં. આ લોકોને ખબર નથી કે તેમની બેજવાબદારી દેશને અને પ્રજાને હાનિ પહોંચાડે છે, જો તમે આવી ફોજમાં હો તો વિચારી લો કે તમારે શું કરવું? આ ભયાનક માનસિક રોગોથી બચીને સમાજનું સ્વાસ્થ્ય જાળવવામાં સહાય કરાય તો એ પણ રાષ્ટ્રસેવા જ ગણાય.

