Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > કઈ રીતે માંદા પાડી શકે છે ફ્રિજમાં રાખેલું ભોજન?

કઈ રીતે માંદા પાડી શકે છે ફ્રિજમાં રાખેલું ભોજન?

Published : 25 July, 2025 01:02 PM | Modified : 26 July, 2025 06:44 AM | IST | Mumbai
Heena Patel | feedbackgmd@mid-day.com

બધાને જ ફ્રિજમાં રાખેલું વધેલું-ઘટેલું ખાવાની આદત હોય છે, પણ જેમને હિસ્ટમીન ઇન્ટૉલરન્સ હોય તેમના માટે એ સમસ્યા સર્જી શકે છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઘણી વાર એવું થતું હોય છે કે સ્વસ્થ જીવનશૈલી અપનાવ્યા પછી પણ વારંવાર માંદગી રહેતી હોય. એનું કારણ એ છે કે આપણને કોઈ વસ્તુનું ઇન્ટૉલરન્સ હોય અને આપણા ખાનપાનને કારણે એ ટ્રિગર થતું હોય. બધાને જ ફ્રિજમાં રાખેલું વધેલું-ઘટેલું ખાવાની આદત હોય છે, પણ જેમને હિસ્ટમીન ઇન્ટૉલરન્સ હોય તેમના માટે એ સમસ્યા સર્જી શકે છે

તાજેતરમાં જ એક ડૉક્ટરે પોતાના પેશન્ટનો કેસ-સ્ટડી શૅર કર્યો હતો. એ દરદીએ હેલ્ધી ડાયટ અને લાઇફસ્ટાઇલ અપનાવી એમ છતાં તે વારંવાર માંદો પડી રહ્યો હતો. દરદીનો વિગતવાર અભ્યાસ કરતાં ડૉક્ટરને ખબર પડી કે દરદીને હિસ્ટમીન ઇન્ટૉલરન્સ છે અને ફ્રિજમાં મૂકેલું વાસી ખાવાનું ખાવાને કારણે તે વારંવાર બીમાર પડતો હતો. એવામાં આજે આપણે ડાયટિશ્યન અપેક્ષા ઠક્કર પાસેથી જાણી લઈએ કે હિસ્ટમીન શું છે? ફ્રિજમાં રાખી મૂકેલા ભોજન સાથે એનો શું સંબંધ છે? કઈ રીતે એ વ્યક્તિને માંદા પાડી શકે છે?



હિસ્ટમીન એટલે શું?


આ એક પ્રકારનું નૅચરલ કેમિકલ છે જે બધાના જ શરીરમાં હોય છે. ઇન્ફેક્શન સામે લડવામાં, ઇમ્યુનિટીને મજબૂત કરવામાં, ડાઇજેશનમાં તેમ જ એક ન્યુરોટ્રાન્સમિટર તરીકે કામ કરીને બ્રેઇનના કામકાજમાં મદદ કરે છે. હિસ્ટમીનનો રોલ ઍલર્જી-રીઍક્શનમાં એક અલાર્મ-સિસ્ટમની જેમ હોય છે. એ ઇમ્યુન-સિસ્ટમનો હિસ્સો છે અને જ્યારે શરીરને કોઈ ઍલર્જનથી ખતરાનો અનુભવ થાય ત્યારે હિસ્ટમીન રિલીઝ થઈને પ્રતિક્રિયા શરૂ કરે છે. પાચનની દૃષ્ટિએ જોઈએ તો આપણા પેટમાં સૌથી વધુ ઍસિડિટી પેટમાં હોય છે. જો પેટમાં સરખા પ્રમાણમાં ઍસિડ ન હોય તો ખોરાકનું પાચન સરખી રીતે થતું નથી. હિસ્ટમીન સ્ટમક ઍસિડને રિલીઝ કરવામાં મદદ કરે છે. જેવો ખોરાક મોઢામાં જાય એટલે દિમાગ સંકેત મોકલે છે અને પેટમાં ઍસિડ રિલીઝ થવાનું શરૂ થાય છે. હિસ્ટમીનનું કામ એ છે કે એ સ્ટકમ ઍસિડને સમયસર રિલીઝ કરે જેથી પાચનમાં કોઈ સમસ્યા ન આવે.


ઇન્ટૉલરન્સ એટલે શું?

હિસ્ટમીન ઇન્ટૉલરન્સ એ લોકોને થાય જેમની બૉડી હિસ્ટમીનને બ્રેક ન કરી શકતી હોય. DAO (ડાયમાઇન ઑક્સિડેઝ) નામનું એક એન્ઝાઇમ હોય છે જેનું કામ હિસ્ટમીનને બ્રેકડાઉન કરવાનું હોય. શરીરમાં જો તેનું પ્રમાણ ઓછું હોય તો હિસ્ટમીન બ્રેકડાઉન થતું નથી. એને કારણે પાચનની પ્રક્રિયા સરખી રીતે થતી નથી. જો તમારા શરીરમાં DAO એન્ઝાઇમનું પ્રમાણ ઓછું છે એનો મતલબ કે તમને હિસ્ટમીન ઇન્ટૉલરન્સ છે. એને કારણે સમસ્યા એ થાય છે કે તમે જ્યારે હિસ્ટમીનનું પ્રમાણ વધુ હોય એવું ફૂડ લો ત્યારે શરીર એને પચાવી શકતું નથી. એટલે આપણે ખોરાકમાં જે હિસ્ટમીન લીધું હોય એ લોહીમાં જમા થતું જાય છે. એને કારણે ઇમ્યુન-સિસ્ટમના એક રિસ્પૉન્સ તરીકે ઍલર્જી જેવું રીઍક્શન થાય.

ઇન્ટૉલરન્સનાં લક્ષણો

ત્વચા લાલ થઈ જાય, ખંજવાળ આવે, ડાયેરિયા, પેટમાં દુખાવો, છીંકો બહુ આવે, નાક વહેવું અથવા બંધ થવું, માથાનો દુખાવો, થાક લાગે, ચક્કર આવે, ગભરાટ થાય, લો બ્લડપ્રેશર થાય, હૃદયના ધબકારા વધી જાય. હિસ્ટમીન ઇન્ટૉલરન્સનાં લક્ષણો એ દર્શાવે છે કે શરીરમાં હિસ્ટમીનનું સ્તર વધી ગયું છે. એ શરીરનાં વિભિન્ન અંગોને પ્રભાવિત કરી શકે છે, જેને કારણે શરીર એ અતિરિક્ત હિસ્ટમીનથી લડવાનો પ્રયત્ન કરે છે.

હિસ્ટમીન રિચ ફૂડ?

એજેડ ફૂડ જેમ કે ચીઝ, વિનેગર, સોય સૉસ જેવી ફર્મેન્ટેડ પ્રોડક્ટ; રેડ વાઇન, બિઅર જેવાં આલ્કોહોલ; રીંગણાં, પાલક, ટમેટા જેવી શાકભાજી; સ્ટ્રૉબેરીઝ, સિટ્રસ એટલે કે સંતરાં, મોસંબી જેવાં ખાટાં ફળો; ચૉકલેટ, અખરોટ, બદામ જેવા નટ્સ.

રેફ્રિજરેટ કરેલું ફૂડ કેમ ખાવું?

સામાન્ય રીતે વાસી ખોરાક હોય એમાં હિસ્ટમીનનું પ્રમાણ વધુ હોય છે. આપણે કોઈ વધેલો ખોરાક જેટલા લાંબા સમય સુધી ફ્રિજમાં રાખીશું એમાં હિસ્ટમીનનું પ્રમાણ વધતું રહેશે. ઘણા લોકોને એવી ફરિયાદ રહેતી હોય કે અમને વાસી ખોરાક પચતો નથી તો એનું એક કારણ એ પણ હોઈ શકે કે તેમના શરીરમાં હિસ્ટમીનને બ્રેક કરવાની ક્ષમતા ઓછી છે. આપણે બધાને જ ખબર છે કે વાસી ખોરાકમાં બૅક્ટેરિયાનો લોડ વધતો હોય છે. આપણે ફ્રિજમાંથી ખોરાક કાઢીને એને ફરી ગરમ કરતા હોઈએ છીએ. જોકે એનાથી પણ ખોરાકમાં હિસ્ટમીનનું પ્રમાણ વધે છે.

શું કરી શકાય?

જો એવું લાગતું હોય કે તમને હિસ્ટમીન ઇન્ટૉલરન્સ હોઈ શકે તો તમે DAO ટેસ્ટ કરાવી શકો જે એક બ્લડ-ટેસ્ટ છે અને એનાથી ખબર પડે કે તમારામાં આ એન્ઝાઇમનું સ્તર કેટલું છે. જો લોહીમાં DAOનું પ્રમાણ ઓછું હોય તો એ હિસ્ટમીન ઇન્ટૉલરન્સ છે. એવી જ રીતે તમે કોઈ ખોરાક ખાઓ અને કોઈ એવું રીઍક્શન થાય તો એને એક બુકમાં લખતા જાઓ. એનાથી ફાયદો એ થશે કે તમને આઇડિયા આવી જશે કે કયું ફૂડ ખાવાથી કન્ડિશન ટ્રિગર થાય છે. એ પછી ડાયટમાં એ ફૂડ ખાવાનું અવૉઇડ કરો જે તમને તકલીફ આપે છે. એ સિવાય તમારે આથેલો, એજેડ કે વાસી ખોરાક ખાવાનું ટાળીને શક્ય હોય એટલું તાજું ખાવાનું ખાવું જોઈએ. એ સિવાય પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ જેથી શરીરમાં જે ટૉક્સિન્સ હોય એ નીકળી જાય. ઘણી વાર ડૉક્ટર્સ DAO એન્ઝાઇમનાં સપ્લિમેન્ટ પણ આપતા હોય છે.

Whatsapp-channel Whatsapp-channel

26 July, 2025 06:44 AM IST | Mumbai | Heena Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK