પાંચ ચોમાસુ ફળના હેલ્થ બેનિફિટ્સ

જિગીષા જૈન
પીચ
પીળા ચમકતા રંગના ઑરેન્જિસ લાલિમા ધરાવતાં ખરબચડી વેલ્વેટી સપાટી ધરાવતાં પીચ એ ચોમાસામાં મળતું એ ફ્રૂટ છે જેની સુગંધ એટલી સ્ટ્રૉન્ગ છે કે દૂરથી એને ઓળખી શકાય છે. પીચને હંમેશાં એકદમ પાકું થાય ત્યારે આખે-આખું ખાવું વધુ બેનિફિશ્યલ ગણાય છે. સો ગ્રામ પીચમાં ૫૦ કૅલરી હોય છે, જ્યારે બે ગ્રામ જેટલું ફાઇબર હોય છે. વિટામિન C ૧૫૦થી ૨૦૦ મિલીગ્રામ જેટલું હોવાથી એ સ્કિન માટે બેસ્ટ ગણાય છે. વળી એમાં વિટામિન E પણ બહોળા પ્રમાણમાં મળે છે. એમાં ફિનોલિફ ગ્રુપ્સ હોય છે, જે ખરાબ કૉલેસ્ટરોલને ઓછું કરવામાં મદદરૂપ છે, જેથી હાર્ટ પેશન્ટ માટે એ ઘણું ઉપયોગી છે. આ ઉપરાંત લો કૅલરી અને હાઇ ફાઇબરને કારણે ઓબેસિટી ધરાવનારા માટે ઉપયોગી કહી શકાય છે. આ ઉપરાંત એમાં સોડિયમની માત્રા ઓછી છે તેથી બ્લડપ્રેશર કે કિડની પેશન્ટ્સ માટે એ ઉપયોગી છે. એનું ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઘણું ઓછું છે એટલે કે એનું પાચન ધીરે ધીરે થાય છે તેથી ડાયાબિટીઝના પેશન્ટ પણ એને ખાઈ શકે છે. વળી, તેનાથી શરીરનું મેટાબોલિઝમ સુધરે છે.
ચેરી
લાલ ચટાકેદાર દળવાળી ચેરીને જોઈને ફક્ત બાળકો નહીં, મોટેરાઓ પણ લલચાઈ જાય છે. મોટા ભાગના ડિઝર્ટમાં યુઝ થતા આ ફ્રૂટનો દેખાવ અને સ્વાદ બન્ને ખૂબ જ આકર્ષક છે એની સાથે-સાથે એની ન્યુટ્રિશનલ વૅલ્યુ પણ ઘણી વધારે છે. સો ગ્રામ ચેરીમાં ૬૦ કૅલરી અને ૨ ગ્રામ ફાઇબર મળે છે. ચેરીમાં ભરપૂર માત્રામાં પોટૅશિયમ મળે છે અને સોડિયમની માત્રા ઘણી ઓછી છે, જેથી હાર્ટ-રેટ કન્ટ્રોલમાં રહે છે. વૉટર રિટેન્શન થતું નથી અને સોજા આવતા હોય તો નીકળી જાય છે. વળી, એમાં એન્ટો સાથે નીન નામનું તત્વ હોય છે જેને કારણે ઇન્ફ્લેમેશન આવતું નથી અને કોઈ પણ પ્રકારનું પેઇન દૂર થાય છે. ચેરીના રેડ કલર માટે જવાબદાર મેલેટોનિન બ્રેઇન માટે ખૂબ જ સારું છે. મૂડ સ્વિંગ્સ કે હાઇપર મૂડને કન્ટ્રોલ કરવામાં એ મદદરૂપ છે. વળી, એમાં વિટામિન C અને ઍન્ટિ-ઑક્સિડન્ટ ભરપૂર માત્રામાં મળી રહે છે.
પેર
દેખાવમાં આછાં લીલાં, ખૂબ રસાળ મીઠાં ફળ ગણાતાં પેર એ ચોમાસાનું સૌથી મીઠું ફળ ગણી શકાય. પેરમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે. વળી, એ બ્લડપ્રેશરને કન્ટ્રોલમાં રાખવાનું કામ પણ કરે છે. વિટામિન Cની સાથે-સાથે કાર્સિનોજેનિક એટલે કે કૅન્સરથી બચવા માટે જરૂરી તત્વોપણ એમાં સમાયેલાં છે. પેરમાં પેક્ટિન નામક સોલિવિલ ફાઇબર રહેલ છે, જે ઍસિડિટી અને કૉન્સ્ટિપેશન જેવા પ્રૉબ્લેમ્સને દૂર કરે છે. વળી, એમાં રહેલા ભરપૂર ઍન્ટિ-ઑક્સિડન્ટ ઇમ્યુનિટી વધારે છે અને હાડકાંને મજબૂત કરે છે.
પ્લમ્સ
ADVERTISEMENT
લાલ મરૂનીશ કલરના આકર્ષક દેખાતાં અત્યંત ખટમીઠાં પ્લમ્સ જેને ઘણા લોકો આલુ કે આલુ બુખારા તરીકે ઓળખે છે એને પીચના ભાઈ તરીકે પણ ઓળખવામાં આવે છે. જે શરીર માટે ખૂબ ઉપયોગી ફ્રૂટ છે. પ્લમ્સમાં વિટામિન C ભરપૂર માત્રામાં હોય છે તેથી એ સ્કિન માટે ખૂબ ઉપયોગી છે. આ ઉપરાંત ચોમાસામાં જ્યારે ઇમ્યુનિટી ઘટી જાય ત્યારે એ રેઝિસ્ટન્સ વધારવામાં ખૂબ મદદરૂપ થાય છે જેથી ઇન્ફેક્શન જલદીથી લાગતું અટકાવી શકાય છે. વળી, વિટામિન C આયર્ન ઍબ્ઝોપ્ર્શન માટે જરૂરી છે. પ્લમ્સમાં વિટામિન A પણ બહોળા પ્રમાણમાં મળે છે, જે આંખો માટે ગુણકારી છે. વળી પ્લમ્સમાં કૅલરી ઘણી ઓછી અને ફાઇબરનું પ્રમાણ ઘણું વધારે જોવા મળે છે તેથી ડાયટ પ્લાન માટે પણ એ અનુકૂળ વસ્તુ છે. વળી, ચેરીની જેમ લાલ રંગ માટે જવાબદાર એન્ઝાઇમ મેલેટોનિન પણ એમાં રહેલું છે, જે બ્રેઇન માટે સારું ગણાય છે. વળી, કૅન્સરથી બચવા માટે પણ એ ઉપયોગી સાબિત થાય છે.
લિચી
ખૂબ જ રસાળ અને પોતાનો અનોખો ટેસ્ટ ધરાવતી લિચીના ચાહકોનો વર્ગ ઘણો મોટો છે. લિચીમાં વૉટર કન્ટેન્ટ ઘણું વધારે હોય છે તેથી એ સ્કિન માટે ઘણી ઉપયોગી છે. બ્લડપ્રેશરના પેશન્ટ માટે એ ઘણી ઉપયોગી છે. કૅન્સર જેવા રોગ સામે પ્રતિકાર કરી શકે એવી ઍન્ટિ-કૅન્સેરિયસ પ્રૉપર્ટી ધરાવે છે. વળી, એમાં ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ ઘણી માત્રામાં છે, જે ઇમ્યુનિટી વધારે છે. એમાં રહેલા સૉલ્યુબલ ફાઇબર પાચન-પ્રક્રિયાને સુધારે છે અને ઍસિડિટી જેવા પ્રૉબ્લેમ્સને દૂર રાખે છે. વળી, એમાં ફૉસ્ફરસ અને મૅગ્નેશિયમ પણ વધુ માત્રામાં જોવા મળે છે, જે હાડકાંની તંદુરસ્તી માટે ઉપયોગી છે. વળી, એ વિટામિન Dના ઍબ્ઝોપ્ર્શન માટે પણ ઉપયોગી છે. વિટામિન Cની સાથે-સાથે વિટામિન B કૉમ્પ્લેક્સ પણ એમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. એમાં રહેલા ઓલિગોનોલ નામક તત્વને કારણે બ્લડ સરક્યુલેશન સુધરે છે અને વાઇરલ ઇન્ફેક્શનથી પણ બચી શકાય છે, કારણ કે એ બૉડીનું રેઝિસ્ટન્સ વધારવામાં ઉપયોગી છે.
આટલું ધ્યાન રાખવું
ચોમાસામાં ઘણા ડૉક્ટર્સ ફળો અવૉઇડ કરવાની સલાહ આપતા હોય છે, કારણ કે વૉટર કન્ટેમિનેશનને કારણે કાચાં ફળો બીમારી જન્માવી શકે છે. તેનાથી બચવા માટે જ્યારે ફળ ખરીદો ત્યારે ઘરે લાવીને એને નવશેકા પાણીમાં નાખી થોડી વાર રહેવા દો અને પછી ઠંડા પાણીમાં નાખી ધોઈ નાખો, જેથી ઉપર રહેલા બૅક્ટેરિયા નાશ પામશે અને બીમારી થવાની સંભાવના ઓછી રહેશે.


