શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે દવા ડૉક્ટરને પૂછ્યા વગર જાતે લેવા કરતાં તાંબાને ઉકાળીને પી જવું યોગ્ય છે
પ્રતીકાત્મક તસવીર
ઘણા લોકો હજમાહજમ, જલજીરા, જીરાગોળી, હિંગાષ્ટક, હિમેજ, અજમો, હિંગ, એરંડિયું, જાતજાતના ચૂર્ણને પોતાના પાચન સંબંધિત સમસ્યાઓ માટે બેફામ વાપરતા હોય છે. ઘણા લોકો વર્ષો સુધી એ નિયમિતપણે એ લીધા જ કરે છે તો ઘણા જુદી-જુદી વસ્તુઓ ટ્રાય કરીને પોતાના પાચન પર પ્રયોગો કર્યા કરતા હોય છે. ભારતમાં દરેક વ્યક્તિ બીજી કોઈ બાબતે ચિંતા કરે કે ન કરે એના પાચન સંબંધિત ચિંતાઓ તેને થયા કરતી હોય છે. દરેક ઘરમાં પાચન માટેનું હિંગાષ્ટક કે હિમેજના ઉપયોગનું કે બીજા ઘણા રેચક પદાર્થોના મિશ્રણવાળું ચૂર્ણ મળી જ આવશે જેનો પ્રયોગ લોકો મનફાવે એમ કરતા હોય છે. ઘણા આયુર્વેદિક સ્ટોરમાં એ દુકાનદારે પોતાનાં બનાવેલાં ચૂર્ણ પણ મળતાં હોય છે. તમે તેને જઈને કહો કે ભાઈ ગૅસની તકલીફ છે કે અપચો અને કબજિયાત લાગે છે તો તે તેની રીતે ચૂર્ણ આપે છે.
ઘણા લોકો તો શોખ માટે જીરાવટી, હજમાહજમની ગોળીઓ, જલજીરા ખાતા હોય છે. ખાટી અને ખારી આ ગોળીઓ ખાવામાં મજેદાર હોય છે અને લોકો માને છે કે પાચન માટે એ બેસ્ટ છે. એ ખાઈને એક ઓડકાર આવી જાય તો માને છે કે વાહ, પાચનમાં મદદ મળી રહી છે. આ આદતો, પાચનને સારું નથી કરતા; ઊલટું એ પાચન બગાડે છે. મહત્ત્વનું એ છે કે નાનપણથી ખાતા હોવાથી અને ખાવામાં મજા આવતી હોવાથી લોકો એને વગર રોકટોકે ખાય છે જે બિલકુલ યોગ્ય નથી.
ADVERTISEMENT
ચૂર્ણ, ગોળીઓ કે સીધા પદાર્થો કોઈ નુકસાન કરતાં નથી; એની કોઈ સાઇડ ઇફેક્ટ નથી એવું લોકો માને છે અને એટલે જ એ વગર કોઈ ડરે પોતાની રીતે લેવા લગતા હોય છે. મોટા ભાગનાં કબજિયાતનાં ચૂર્ણમાં સોનામુખી નામનો પદાર્થ વાપરવામાં આવે છે જેનો લાંબા ગાળાનો ઉપયોગ વ્યક્તિનાં આંતરડાંને ઢીલાં કરી નાખે છે. રેચક પદાર્થોનો લાંબા સમય સુધી ઉપયોગ હાનિકારક નીવડવાનો જ છે. આ સિવાય જો તમારી પ્રકૃતિને આ દવાઓ માફક ન આવી તો ચોક્કસ તમને એનાથી નુકસાન થવાનું જ છે. હકીકતે નિષ્ણાતની સલાહ વગર લીધેલી આ દેશી દવાઓ લાંબા ગાળે આંતરડાંને મોટું નુકસાન પહોંચાડતી હોય છે. પાચન સાથે કરવામાં આવતાં આ ચેડાં ભારે પડી શકે છે. શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે દવા ડૉક્ટરને પૂછ્યા વગર જાતે લેવા કરતાં તાંબાને ઉકાળીને પી જવું યોગ્ય છે, કારણ કે એનાથી ગૅરન્ટી છે કે તમારું મૃત્યુ થશે જ. તમને પાચનમાં તકલીફ હોય એમ લાગે તો એક વખત નિષ્ણાતને મળો. તેમની સલાહ મુજબનું અનુસરણ કરો.

