બજારમાં કેમિકલ તેમ જ ભેળસેળયુક્ત રંગોનો ઉપયોગ કરવાને બદલે સ્કિન-ફ્રેન્ડ્લી હોળી રમવા ઘરે જાતે કઈ રીતે રંગ બનાવશો એ જાણી લો
હોળીનો તહેવાર
ફ્રેન્ડ્સ અને ફૅમિલી સાથે મન મૂકીને રંગથી હોળી રમ્યા બાદ આતુરતાથી ફરી એક વાર આ તહેવાર ક્યારે સેલિબ્રેટ કરવા મળે એની રાહ જોવાતી હોય છે. હોળીનો તહેવાર જ એવો છે કે એ બધાને ગમે. હોળી નજીક આવે એટલે માર્કેટમાં વિવિધ રંગોની ભરમાર જોવા મળે. જોકે આ રંગ બનાવવામાં કેમિકલનો વપરાશ થતો હોવાથી ઘણી વાર સ્કિન પર રીઍક્શન આવતું હોય છે અને પરિણામે ઘણી વાર સ્કિન પર રૅશિસ, બળતરા, ખંજવાળ અને સ્કિન-ઇરિટેશન જેવી સમસ્યા સર્જાય છે. એની સાથોસાથ વાળને પણ ડૅમેજ કરે છે. આવું ન થાય એ માટે સ્કિન-ફ્રેન્ડ્લીની સાથે ઇકો-ફ્રેન્ડ્લી હોળી રમવાનો આગ્રહ રાખવો જોઈએ. ઘરે પડેલી ચીજોમાંથી કલર્સ બનાવીને એનાથી જ હોળી રમવી જોઈએ.
હોળીમાં રાસાયણિક રંગોથી સ્વાસ્થ્યને થતા નુકસાનને રોકવા માટે હર્બલ રંગોથી હોળી રમવાનો આગ્રહ એટલા માટે રાખવામાં આવે છે કારણ કે એ સ્વાસ્થ્યની સાથે પર્યાવરણને નુકસાન પહોંચાડતા નથી. એમાં કોઈ પણ પ્રકારનાં કેમિકલનો ઉપયોગ થતો ન હોવાથી એની આડઅસર નથી થતી. કેમિકલયુક્ત રંગો લાંબા સમય સુધી સ્કિન પર રહે છે ત્યારે એ ત્વચાનાં છિદ્રોથી શરીરમાં પ્રવેશે છે અને સ્કિનસંબંધી સમસ્યા ઊભી કરે છે ત્યારે હર્બલ કોઈ પણ રીતે નુકસાન પહોંચાડતા નથી કે એનાથી આંખોને નુકસાન થતું નથી અને વાળ પણ ડૅમેજ થતા નથી એટલું જ નહીં, એ પર્યાવરણ માટે પણ સેફ ગણાય છે.
ADVERTISEMENT
ચોખાના લોટથી બનાવો પીળો રંગ
વસંતઋતુમાં આવતા હોળીના તહેવારમાં પીળા અને લીલા રંગનું મહત્ત્વ વધુ હોય છે. એને ઘરે બનાવવાની રીત પણ એકદમ સરળ છે. પીળો રંગ બનાવવા માટે ત્રણ ચમચી હળદર, એક ચમચી ચંદનનો પાઉડર અને બે ચમચી ચોખાનો લોટ લેવો. આ બધી સામગ્રીને બરાબર મિક્સ કરશો તો ઑર્ગેનિક પીળો કલર બનશે.
લીલો રંગ બનાવવાની બે રીત
ગ્રીન કલર બનાવવા માટેની રીત એકદમ જ સરળ છે. જો તમને સુગંધિત રંગ બનાવવો હોય તો આઠથી ૧૦ ચમચી ટૅલકમ પાઉડર લેવો અને રસોડામાં વપરાતા વેજિટેબલ ગ્રીન કલરની એક ચમચી એમાં નાખીને બરાબર મિક્સ કરવું. પછી થોડા સમય સુધી એને પંખા નીચે સેટ થવા રાખી દેવું. અડધાએક કલાક બાદ એમાંથી ફ્રૅગ્રન્સ આવશે ત્યારે સમજી લેવું કે એ હવે વાપરી શકાશે. લીલા રંગને બીજી રીતે પણ સહેલાઈથી બનાવી શકાય. એ માટે સૌથી પહેલાં પાલકને સૂકવી નાખવી. પછી એમાં વરિયાળી અને ધાણાજીરું નાખીને મિક્સરમાં પીસી લેવું. બની ગયો તમારો હર્બલ ગ્રીન કલર. જો કલર વધુ ડાર્ક કરવો હોય તો રસોડામાં વપરાતો ફૂડ કલર ઍડ કરી શકાય.
મેંદાથી બનાવો લાલ કલર
બજારમાં મળતા ઑર્ગેનિક કંકુમાં ચંદન પાઉડર અને મેંદો મિક્સ કરીને લાલ કલર બનાવી શકાય. જો બજારમાંથી કંકુ પણ ખરીદવાની ઇચ્છા ન હોય તો ઘરે એક બાઉલમાં બે ચમકી હળદર, પા ચમચી લીંબુ અને ચૂનો નાખવો. જો એને ખુશબૂદાર બનાવવો હોય તો આ મિશ્રણમાં એક ચમચી ઘી સાથે મનપસંદ ફ્રૅગ્રન્સ પણ મિક્સ કરી શકાય. ઘરે બનેલા કંકુને એક બાઉલમાં ત્રણ ચમચી જેટલું લેવું. એમાં એક ચમચી ચંદન પાઉડર અને પાંચ ચમચી મેંદો નાખીને સારી રીતે મિક્સ કરવું. આ રીતે લાલ ગુલાલ બનાવી શકાય. ગુલાબની પાંખડીઓમાંથી લાલ, પીળો અને ગુલાબી રંગ બની શકે. ફૂલની પાંખડીઓને અલગ કરીને તડકામાં સૂકવી નાખો અને પછી એને પીસીને પાઉડર બનાવીને ડાયરેક્ટ યુઝ કરી શકાય.
ચણાના લોટથી બને કેસરિયો રંગ
કેસરી રંગ બનાવવા માટે માર્કેટમાં હનુમાનદાદાને ચડતો કેસરિયો સિંદૂર ખરીદવો. ત્રણ ચમચી સિંદૂરને એક ચમચી ચંદનના પાઉડર અને પાંચ ચમચી ચણાના લોટમાં મિક્સ કરીને કેસરી રંગ બની શકે. ગાજરમાંથી પણ કેસરી રંગ બનાવવો સરળ છે. ગાજર છીણીને એને તડકામાં સૂકવી નાખો અને પછી એને પીસીને પાઉડર બનાવી એમાં ચોખાનો લોટ ઍડ કરીને કેસરી કલર બનાવી શકાય છે. ગલગોટાનાં ફૂલને પણ સૂકવીને અને પીસીને ઑર્ગેનિક કેસરી કલર બનાવી શકાય.
બીટથી બનાવો ગુલાબી રંગ
બીટનો ઉપયોગ કરીને ગુલાબી રંગ બની શકે. એ માટે બીટને ધોઈને એના નાના ટુકડા કરીને ક્રશ કરી લો. એનો રસ કાઢીને એક કૉટનના કપડામાં બાંધીને તડકામાં સૂકવી નાખો. સુકાઈ ગયા બાદ એમાં ત્રણથી ચાર ચમચી ચોખાનો લોટ ઉમેરી લેવો. બની ગયો તમારો ગુલાબી હર્બલ કલર. જો ડાર્ક વાઇન કલર જોઈતો હોય તો એમાં ચોખાનો લોટ ન નાખવો.

