આવો જોઈએ એકંદર સ્વાસ્થ્ય અને સુખાકારી માટે તમારા શરીરની ડીટૉક્સ સ્વિચ કઈ રીતે ચાલુ કરી શકાય
પ્રતીકાત્મક તસવીર
નવ વાગ્યા પહેલાં શરીરને ડીટૉક્સ અને રીચાર્જ કરવા માટે સવારની આ પાંચ આદતો કેળવો અને તમારા દિવસની શરૂઆત સક્રિય અને ઊર્જામયી બનાવો. સરળ પરંતુ અસરકારક આદતોને અપનાવી હાઇડ્રેશનની પરંપરાથી લઈને વિચારશીલ પ્રવૃત્તિ સુધી, સવારની આ ક્રિયાઓ તમારા શરીરના પ્રાકૃતિક ડીટૉક્સને પ્રેરી શકે છે. આવો જોઈએ એકંદર સ્વાસ્થ્ય અને સુખાકારી માટે તમારા શરીરની ડીટૉક્સ સ્વિચ કઈ રીતે ચાલુ કરી શકાય...
જ્યોતિષવિદ્યા જાણ્યા વગર કોઈનો આખો દિવસ કેવો જશે એ ભાખવું હોય તો તેની સવાર કઈ રીતે ઊગી છે એના આધારે કહી શકાય. જે લોકોની સવાર સારી ઊગે છે તેમનો આખો દિવસ પણ સારો જાય છે. દિવસની યોગ્ય શરૂઆત કરવાથી આખો દિવસ ઊર્જાવાન અને ઉત્પાદક બની રહે છે. ખાસ કરીને એવી સવાર જે શરીરની કુદરતી ડીટૉક્સ પ્રક્રિયાને વેગ આપતી હોય. સવાર એ નિર્ણાયક સમય છે જ્યાં તમારું શરીર આરામ અને સમારકામ મોડમાંથી ‘વર્કિંગ મોડ’માં સ્વિચ કરી રહ્યું હોય છે. તો કુદરતી ડીટૉક્સને વેગ આપવામાં માટે સવારમાં અમુક રૂટીન અપનાવી લઈએ તો આરામથી આનો ફાયદો લણી શકાય.
ADVERTISEMENT
‘કુદરતી ડીટૉક્સ’ કઈ રીતે?
શરીરની ડીટૉક્સિફિકેશન સિસ્ટમ એટલે લિવર, કિડની, લસિકા તંત્ર, ફેફસાં, ત્વચા અને આંતરડાનો સમાવેશ કરતું જટિલ નેટવર્ક. રાત્રે લિવર શરીરમાંથી ટૉક્સિક દ્રવ્યોની સફાઈ કરે છે અને કચરો મળ કે મૂત્ર વાટે ઉત્સર્જિત થાય છે. સવારે કેટલાક એન્ઝાઇમ્સ સૌથી વધુ માત્રામાં ઝરે છે જે બૉડીના ડીટૉક્સિફિકેશન માટે ખૂબ મદદરૂપ હોય છે. એટલા માટે જ કહેવાય છે કે શરીરમાં શુદ્ધીકરણ કરવું હોય કે કાયાકલ્પ કરવો હોય તો દિવસની શરૂઆત માઇન્ડફુલ પ્રવૃત્તિઓ સાથે કરવી જોઈએ. આ નાના ફેરફારો જીવનમાં મોટો ફરક પાડે છે. ડીટૉક્સનો આયુર્વેદિક દૃષ્ટિકોણ સમજાવતાં ૪૦ વર્ષનો અનુભવ ધરાવતા આયુર્વેદિક નિષ્ણાત ડૉ. મહેશ સંઘવી કહે છે, ‘આની શરૂઆત આગલા દિવસે સૂતાં પહેલાં આપણું મન શાંત થયું છે કે નહીં, એની અંદર કેવા તરંગો ચાલે છે એના પર છે. તમે રાતે જે ભાવથી સૂઓ છો એ સવારે ક્લિયર થવો જરૂરી છે. તમે ફિલ્મ કે વિડિયો કે એવું કશુંક જોતાં સૂઓ છો ત્યારે રાતે મનમાં અંત:સ્રાવી ગ્રંથિથી જે દુષ્પ્રભાવ પેદા થાય છે એ રાત દરમિયાન અને સવારની ડીટૉક્સ પ્રક્રિયાથી દૂર થાય છે. આ અને ડીટૉક્સ સિસ્ટમને લગતી આવી કેટલીક બાબતો માટે બીજા દિવસે પાંચ બાબતો ધ્યાનમાં રાખી શકાય.’
પહેલું – ઊઠવાની પદ્ધતિ
આયુર્વેદ ચિકિત્સા-પદ્ધતિ ઓછી અને જીવનવિજ્ઞાનની પદ્ધતિ વધુ છે. એટલે જ આયુર્વેદ મુજબ અમુક રીતની આદતો જીવનમાં વણી લઈએ તો એના ફાયદા અનેક છે એમ જણાવતાં ડૉ. મહેશ સંઘવી કહે છે, ‘રોજ એક જ સમયે ઊઠવાનો નિયમ રાખવો. સ્મિત સાથે ઈશ્વરનો આભાર માનો. જાગ્યા પછી મધુર ભક્તિગીત અથવા તમને જે સંગીત પ્રિય છે એ સાંભળી કર્ણેન્દ્રિયોને મધુર ભાવોથી જગાડો ને ઊઠો. સૂતી વખતે પંચેન્દ્રિયની ક્રિયાઓ ઓછી થઈ હોય એટલે કોઈ પરાણે કે ક્રોધથી જગાડે ત્યારે મનોભાવ બદલાઈ જાય છે. સૂઓ ત્યારે ડાબી બાજુએ સૂઓ એટલે ઊઠો ત્યારે જમણી બાજુએથી ઊઠો. એનાથી આંતરડાંની મૂવમેન્ટ શરૂ થાય છે.’
નેચરોથેરપી મુજબ સવારના ઊઠવાની પ્રક્રિયામાં શું કરવું જોઈએ એની વાત કરતાં ૧૮ વર્ષનાં અનુભવી નેચરોપથિસ્ટ ડૉ. સવિતા પોટભારે કહે છે, ‘સવારમાં બૉડીમાં ગરમી આવવી જરૂરી છે. આ કામ હળવું સ્ટ્રેચિંગ કરીને થઈ શકે. સવારમાં હાથ ચોળીને મોઢે ફેરવવાથી પાચનપ્રકિયા ઝડપી બને છે. બન્ને હથેળીઓને ઘસો અને આંખો પર લગાડો. હથેળી ઘસવાથી હાથમાં લોહીનું પરિભ્રમણ થઈ જે ઉષ્મા કે થર્મલ હીટ આવે છે એ આંખો પર લગાડવાથી ચક્ષેન્દ્રિય ચોખ્ખી થાય છે, મગજની અંદરની નસો પર એ અલાર્મની જેમ કામ કરે છે ને શરીર આખાને મેસેજ મળે છે કે નિદ્રા પૂરી થઈ, તમે પૂરી રીતે જાગી જાઓ. આંખો બંધ રાખી પાણીની છાલક મારવાથી પણ ફ્રેશનેસ આવે છે.’
બીજું - હાઇડ્રેશન
આયુર્વેદ મુજબ સવારે ઊઠી કોગળા કરી ૧૦૦થી ૪૦૦ મિલીલીટર તાંબાના પાત્રમાં ભરેલું પાણી અથવા નવસેકું ગરમ પાણી એક ચપટી સૂંઠ નાખીને લેવું જોઈએ. આવું જણાવતાં ડૉ. મહેશ સંઘવી કહે છે, ‘રાતે સૂઓ ત્યારે આખી રાત શરીરની અંદર રહેલું ઍસિડ હજારથી પંદરસો ગણું સેક્રેડ થઈને હોજરીમાં જમા થાય છે. એને ફ્લશ કરવા ઉંમર મુજબ પાણી પીવું. ૪૦૦ મિલીલીટર પાણી બહુ થઈ જાય. પાણી બેસીને ઘૂંટડે-ઘૂંટડે પીવું. એનાથી ભેગું થયેલું પિત્ત ફ્લશ થાય. હોજરીના વજનથી મોટા આંતરડાને ધક્કો લાગી મળ પ્રકૃતિ સાફ થાય.’
આંતરડાના શુદ્ધીકરણ માટે નેચરોપથીમાં શંખપ્રક્ષાલનની ક્રિયા કરાવવામાં આવે છે. પંદર દિવસે કે મહિને આ ક્રિયા કરવી જોઈએ. એ વિશે ડૉ. સવિતા પોટભારે કહે છે, ‘શંખપ્રક્ષાલન (ધૌતિ) યોગિક શુદ્ધીકરણ ટેક્નિકમાંની એક છે જે ‘આંતરડાનું શુદ્ધીકરણ’ અથવા ‘આંતરડાનું ધોવાણ’ તરીકે પણ ઓળખાય છે. એમાં હઠયોગની પ્રૅક્ટિસ થાય છે. એમાં પાચનતંત્રને ઉત્તેજિત કરવા અને ઝેરને દૂર કરવા માટે મોટી માત્રામાં ખારું પાણી પીને અને યોગનાં શ્રેણીબદ્ધ આસનો સાથે આંતરડાની સફાઈને પ્રેરવામાં આવે છે. દરેકે પોતાની તાસીર મુજબ આ કામ નિષ્ણાતોની સલાહ મુજબ જ કરવું. નાસ્તા પહેલાં વૉર્મ વૉટર અથવા આલ્કલાઇન વૉટર પી શકાય. બે આમળાં, બીટ, ગાજર, આદું, બ્લૅક પેપર, કઢીપત્તા, ફુદીનાનાં નાખીને એનો જૂસ તૈયાર કરવો. એનાથી શરીરમાં ડીટૉક્સને વેગ મળે છે, ત્વચા સારી થાય છે, ભૂખ ઊઘડે છે. એક કાચના ગ્લાસમાં કાકડી, કોથમીર, ફુદીનો, મીઠો લીમડો, ગાજર, મૂળા, આમળાં, લીંબુ નાખી ૧૨ કલાક એ પાણી રાખી આલ્કલાઇન વૉટર પીવું. રાતનો શરીરમાં જમા થયેલું ઍસિડ ભગાડવા શરીરને આલ્કલાઇન બનાવવા આલ્કલાઇન વૉટર લઈ શકાય. દિવસ દરમિયાન ગમે ત્યારે લેવાય.’
ત્રીજું – યોગ અને કસરત
યોગ-પ્રયોગ પર ભાર મૂકતાં ડૉ. સવિતા પોટભારે કહે છે, ‘રાતે આંતરડાં સુષુપ્ત થઈને પડ્યાં હોવાથી સવારે એને ગતિ આપવા શરીરમાં વૉર્મઅપ જરૂરી છે. વડીલો અને ઈશ્વરને યાદ કરીને દિવસનો આરંભ કરો. પ્રણામ કરવાથી અહંકારનો નાશ થાય છે, જે એક રીતનું મૉરલ ડીટૉક્સ છે. પ્રાણાયામ, ઓમકાર, કપાલભાતિ, અનુલોમ-વિલોમ વગેરે કરવાથી લિવર ડીટૉક્સ થાય છે. સૂર્ય નમસ્કાર અને મૉર્નિંગ વૉક પણ કરી શકાય. એનાથી પેટ સાફ થાય, શરીરમાં પૉઝિટિવ ઊર્જા આવે. કસરત રક્તસંચાર વધારે, થાક્યા વગર કામ કરી શકાય.’
ચોથું – નિત્ય રસાયણ
આયુર્વેદમાં નિત્ય રસાયણ લેવાની સલાહ આપી છે. આપણે ત્યાં કહેવત છે, શ્રીયતે ઇતિ શરીરમ્. એટલે કે આપણું શરીર પ્રતિક્ષણ નવા સેલ બનાવે છે અને જૂના સેલ મારે છે. એવું જણાવતાં ડૉ. મહેશ સંઘવી કહે છે, ‘શરીરને ટૉનિક માટે રોજ કશુંક આપવું જોઈએ. જેમ કે વિટામિન D3, B12 જેવાં તત્ત્વો. આપણા શરીરમાં ડેફિશિયન્સી થવાનું કારણ પાચનથી સંકળાયેલું છે. એ જો સુધરે તો ડીટૉક્સિફિકેશન થાય. દરેક રીતનું પોષણ મળે. ઉંમર વધતાં રોગપ્રતિકારક શક્તિ વધારવા સવારના પહોરમાં એકથી ત્રણ ગ્રામની સૂંઠ, ગોળ અને ઘીની ગોળી બનાવી ખાવી. કાયમ ચૂર્ણનું સેવન ખડી સાકર સાથે કરવું. પણ આ બધું સલાહ વગર ન કરવું.’
પાંચમું – સવારનો નાસ્તો
તમારો દિવસ અને સ્વાસ્થ્ય સારું રહે એના માટે આગલી રાતનાં ટૉક્સિન કે વિષ કે જેને આયુર્વેદ આમ કહે છે એના માટે સવારે સીઝન પ્રમાણે અલગ-અલગ વસ્તુઓ ખાવાની હોય છે. આ વિશે ડૉ. મહેશ સંઘવી કહે છે, ‘સૂર્યોદય પછી દોઢ કલાકે નાસ્તો લેવો. આગલા દિવસે સાંજના સાત પહેલાં જમ્યા હોય તો બ્રેકફાસ્ટ આઠથી નવ વચ્ચે કરવો. પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ લઈ શકો. પ્રોટીનમાં મગ કે ચણા, કાર્બમાં બાજરો, જુવાર, મિલેટ કે રોટલીનાં પરાઠાં ખાઓ. ફ્રૂટ અલગથી દોઢ કલાક બાદ ખાવાં જોઈએ. આપણે ત્યાં કાચાપાકા સંભારા કે વઘારિયો ખવાય છે. પપૈયાં, કોબી, કાંદા કે ગાજરનાં હોય છે. આ સિવાય પૌંઆ, ઇડલી, ઢોસા એવું પણ ખાઈ શકાય.’
નાસ્તાના વધુ વિકલ્પો વિશે ડૉ. સવિતા પોટભારે કહે છે, ‘નાસ્તામાં કાચા અંકુરિત સ્પ્રાઉટ લેવાના. એ પછી બે લવિંગ, ચાર બ્લૅક પેપર, એક ઇંચ તજ, થોડો ગોળ, બે એલચી, એમાં લેમન ગ્રાસ પણ નાખી કાઢો પીવાથી રક્તસંચાર સારો થાય, પાચન વધે, એનર્જી વધે.’
સવારે જાગીને આટલું તો ન જ કરવું : ડૉ. મહેશ સંઘવી, આયુર્વેદાચાર્ય
પરાણે કે હાંફળાફાંફળા ન ઊઠવું. કોઈને ધમકાવીને તો ન જ ઉઠાડવા. ઊઠવાની રીત આખા દિવસની ઊર્જા પર અસર કરે છે.
ઊઠીને મોબાઇલ સ્ક્રીન, લૅપટૉપ જોવાનું કે છાપું વાંચવાનું એવું ન કરવું. ખાટલેથી પાટલે, પાટલેથી ખાટલે ન કરવું.
લોકો ટૉઇલેટમાં મોબાઇલ કે છાપાં લઈ જાય છે. લાંબો સમય ટૉઇલેટમાં ન બેસવું. એનાથી પાચન ડિસ્ટર્બ થાય. મોટાં આંતરડાં ઢીલાં પડે. અમુક વર્ષો પછી બધા મસલ્સ, નર્વસ સિસ્ટમ અને અનાટમી ખરાબ થાય. આજની તારીખે પેલ્વિક ફ્લોર ડિસઑર્ડર્સનું પ્રમાણ વધી રહ્યું છે.
કોઈ પણ વસ્તુને પચાવવા માટે પૂરતો સમય આપો. દોઢ કલાકના અંતરે દરેક વસ્તુ ખાવાથી પાચન સરખું થાય છે.