જ્યારે કોઈ વ્યક્તિ ખૂબ ઊંચાઈ પરથી પડે કે તેનો કોઈ કારણસર ઍક્સિડન્ટ થાય તો તેને ચેસ્ટ ટ્રૉમા થવાની શક્યતા ઘણી વધારે રહે છે
પ્રતીકાત્મક તસવીર
કોઈ વ્યક્તિ ઊંચાઈએથી પડે કે કોઈ પણ રીતે ઍક્સિડન્ટ થાય એમાં માથામાં વાગે એટલે કે હેડ-ઇન્જરી થાય કે કરોડરજ્જુ ભાંગે એટલે કે સ્પાઇન-ઇન્જરી થાય એ વિશે ઘણા લોકોને માહિતી હશે, પરંતુ ત્રીજી સામાન્ય ઇન્જરી જે થાય છે એ ચેસ્ટ કે ફેફસાંની ઇન્જરી હોય છે. ઍક્સિડન્ટમાં થતાં મૃત્યુ પાછળ જવાબદાર કારણોમાં આ ત્રીજું સામાન્ય કારણ છે.
જ્યારે કોઈ વ્યક્તિ ખૂબ ઊંચાઈ પરથી પડે કે તેનો કોઈ કારણસર ઍક્સિડન્ટ થાય તો તેને ચેસ્ટ ટ્રૉમા થવાની શક્યતા ઘણી વધારે રહે છે. જરૂરી નથી કે એ ખૂબ વધારે હાઇટ હોય. ઘણી વાર એકાદ માળ જેટલી ઊંચાઈમાં પણ લોકોને ચેસ્ટ ટ્રૉમા થઈ જતો હોય છે. મોટા ભાગે મોટર-વ્હીકલ ઍક્સિડન્ટને કારણે ચેસ્ટ ટ્રૉમા થઈ શકે છે. કારમાં જ્યારે ઍરબૅગ વ્યવસ્થિત ન હોય ત્યારે ઍક્સિડન્ટ થાય અને સ્ટિયરિંગ આખું છાતીમાં ઘૂસી જાય છે અથવા છાતી સાથે સ્ટિયરિંગ જોરથી ભટકાય છે જેને કારણે ચેસ્ટ ટ્રૉમા થવાની શક્યતા ઘણી વધારે રહે છે. ઘણી વાર વાહનનો ઍક્સિડન્ટ થાય અને વ્યક્તિ ફેંકાઈને કોઈ દૂર જગ્યાએ પડે તો પણ ચેસ્ટ ટ્રૉમા થઈ શકે છે. આ સિવાય જો છાતીમાં ગોળી વાગે કે છરી ભોંકાય તો પણ ચેસ્ટ ટ્રૉમા જ ગણાય છે. ઘણી વખત એવું થાય છે કે રમતાં-રમતાં વ્યક્તિને આવી કોઈ સિવિયર ઇન્જરી થવાની શક્યતા રહે છે. રમતાં-રમતાં તે પડી જાય કે સીધું છાતી પર જ બળ આવે તો એ ઇન્જરી ચેસ્ટ ટ્રૉમા સાબિત થઈ શકે છે.
ADVERTISEMENT
ચેસ્ટ ટ્રૉમામાં ફેફસાં ઍક્સિડન્ટ કે બીજાં કોઈ કારણોસર ડૅમેજ થાય છે. ફેફસાં બહાર કે અંદરની તરફથી ડૅમેજ થાય એટલે શ્વાસ સંબંધિત તકલીફો ઊભી થવાની જ છે. ઘણી વાર બહારથી દેખાઈ આવે કે છાતી પર જ ભાર આવી ગયો છે અને ઘણી વાર ત્યાંથી બ્લીડિંગ થતું હોય તો નિદાન સરળ બને. જોકે મોટા ભાગે એ અંદરની જ ઇન્જરી હોય એટલે એને ઓળખવી અઘરી પડે છે. જો વ્યક્તિને બહાર પણ ઇન્જરી થઈ હોય - ચેસ્ટ પર - તો કદાચ સમજી પણ શકાય છે કે અંદરથી ઇન્જરી થઈ હોવાનું રિસ્ક વધુ છે; પરંતુ જે દરદીઓને આ બહારની ઇન્જરી થઈ જ નથી, અંદરથી જ ડૅમેજ થયું છે તેમનું નિદાન તરત કરવું અઘરું છે. ચેસ્ટ ટ્રૉમાનો ઇલાજ અશક્ય નથી, પણ જો વ્યક્તિને તાત્કાલિક સારવાર મળી જાય તો એ શક્ય છે અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ પણ હાદસા પછી વ્યક્તિને તાત્કાલિક ઇમર્જન્સી વિભાગમાં પહોંચાડવામાં આવી હોય. જો હૉસ્પિટલ પહોંચવામાં મોડું થાય તો વ્યક્તિને બચાવવી અઘરી પડી જાય છે.
-ડૉ અમિતા દોશી નેને


