Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > બાળકને મારવામાં આવેલી થપ્પડ કેમ હળવાશમાં ન લેવી? જાણો ફિઝિકલ પનિશમેન્ટનાં મગજ અને મન પર થતાં ગંભીર પરિણામો

બાળકને મારવામાં આવેલી થપ્પડ કેમ હળવાશમાં ન લેવી? જાણો ફિઝિકલ પનિશમેન્ટનાં મગજ અને મન પર થતાં ગંભીર પરિણામો

Published : 09 September, 2026 01:47 PM | IST | Mumbai
Heena Patel | feedbackgmd@mid-day.com

થોડા દિવસ પહેલાં આંધ્ર પ્રદેશમાં ટીચરના હાથથી થપ્પડ ખાધા પછી બાળકની તબિયત લથડી અને હૉસ્પિટલમાં લઈ ગયા બાદ તેનું મૃત્યુ થયું. થપ્પડને ન્યુરોલૉજિકલ અને સાઇકોલૉજિકલ શૉકના સંદર્ભમાં સમજીએ તો ખબર પડે છે કે એક થપ્પડ બાળક માટે કેટલી ગંભીર બની શકે છે

 થપ્પડ કેમ હળવાશમાં ન લેવી?

થપ્પડ કેમ હળવાશમાં ન લેવી?


થોડા દિવસ પહેલાં આંધ્ર પ્રદેશમાં બનેલી એક ઘટનાએ વાલીઓ અને શિક્ષણજગતને હચમચાવી દીધું. હોમવર્ક ન કરવા બદલ શિક્ષકે ૬ વર્ષના પ્રણય તેજા નામના બાળકને કથિત રીતે થપ્પડ મારી એના થોડા સમય પછી બાળકની તબિયત લથડી. તેને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યું, પરંતુ તેનું મૃત્યુ થયું. તપાસમાં બાળકના મૃત્યુ પાછળનું ચોક્કસ કારણ હજી સામે આવ્યું નથી, પણ આ ઘટનાએ એક સવાલ જરૂર ઊભો કર્યો છે કે શું ખરેખર એક થપ્પડ આટલી ગંભીર બની શકે? સામાન્ય રીતે થપ્પડને આપણે ક્ષણિક પીડા કે બહારથી દેખાતી નાની ઈજા તરીકે જ જોઈએ છીએ, પરંતુ બાળકનાં શરીર અને મગજ પુખ્ત વ્યક્તિ કરતાં અલગ રીતે વિકસિત થઈ રહ્યાં હોય છે. માથા, ચહેરા કે ગરદન પર લાગેલો આઘાત કેટલીક પરિસ્થિતિમાં અંદરથી ગંભીર અસર કરી શકે છે, જ્યારે બહારથી કોઈ મોટી ઇજા દેખાતી પણ ન હોય. બીજી તરફ અચાનક લાગેલો ડર કે ભારે ભાવનાત્મક આઘાત પણ બાળકના શરીરમાં તીવ્ર શારીરિક પ્રતિક્રિયા પેદા કરી શકે છે. આનો અર્થ એ નથી કે દરેક થપ્પડ ગંભીર ઈજા કે મૃત્યુનું કારણ બની શકે છે, પરંતુ બાળકને માર મારવાની ઘટનાને ‘માત્ર એક થપ્પડ’ કહીને હળવાશથી લેવી પણ યોગ્ય નથી. શારીરિક આઘાત બાળકના મગજ અને શરીર પર કેવી અસર કરી શકે છે? કયાં લક્ષણો જોખમની નિશાની છે? આવી ઘટનામાં બાળકના મન પર પડતી અસર કેટલી ઊંડી હોઈ શકે છે? નિષ્ણાતો પાસેથી સમજીએ કે બાળક માટે શારીરિક સજા ખરેખર કેટલી ગંભીર બની શકે છે.

થપ્પડથી થતો ગંભીર ટ્રૉમા



અચાનક મારેલી થપ્પડ નાનાં બાળકોમાં કઈ રીતે ગંભીર માનસિક આઘાત પેદા કરી શકે એ વિશે માહિતી આપતાં ક્લિનિકલ સાઇકોલૉજિસ્ટ જેનિતા નંદુ કહે છે, ‘અચાનક મળેલી ફિઝિકલ પનિશમેન્ટ નાના બાળક માટે અત્યંત ડરામણી સાબિત થઈ શકે છે. આ ઉંમરે બાળકની ઇમોશનલ અને ન્યુરોલૉજિકલ સિસ્ટમ હજી વિકાસના તબક્કામાં હોય છે એટલે તેઓ પોતાની સાથે શું બની રહ્યું છે એ પૂરેપૂરું સમજવા કે શબ્દોમાં વ્યક્ત કરવા સક્ષમ નથી હોતાં. બાળક માટે આ અનુભવ ફક્ત ‘મને થપ્પડ મારી’ પૂરતો સીમિત નથી રહેતો. તેઓ એને ‘હું સુરક્ષિત નથી’ એ રીતે અનુભવી શકે છે. ખાસ કરીને જ્યારે તેમને નુકસાન પહોંચાડનાર વ્યક્તિ શિક્ષક કે કોઈ વિશ્વાસપાત્ર વડીલ હોય. આનાથી બાળકના મનમાં ભય, લાચારી, મૂંઝવણ અને વિશ્વાસઘાતની તીવ્ર લાગણી જન્મી શકે છે. સાથે જ બાળકના આ રિસ્પૉન્સને તેના સમગ્ર ઇમોશનલ વર્લ્ડના સંદર્ભમાં પણ જોવો જરૂરી છે. બાળકો કોઈ પણ ઘટના વખતે કોરી સ્લેટ જેવાં નથી હોતાં. તેમના મનમાં અગાઉના એવા અનુભવો, ડર, તનાવ કે સંવેદનશીલતાઓ હોઈ શકે છે જેનાથી વડીલો કદાચ અજાણ હોય. આપણે એવું ન માની શકીએ કે આ બાળકના કિસ્સામાં પણ આવું જ 
હતું, પરંતુ સાઇકોલૉજીની દૃષ્ટિએ જે બાળક પહેલેથી જ કોઈ અન્ય માનસિક તનાવ વેઠી રહ્યું હોય તેના માટે આવી કોઈ નવી ડરામણી ઘટના અત્યંત અસહ્ય અને આઘાતજનક બની શકે છે.’


ફિઝિકલ-ઇમોશનલ રિસ્પૉન્સ

આવી ઘટના પછી ડર, આઘાત કે ગભરાટ બાળકના શારીરિક અને ભાવનાત્મક પ્રતિભાવ પર કેવી અસર કરી શકે છે એ વિશે સમજાવતાં જેનિતા નંદુ કહે છે, ‘જ્યારે નાનું બાળક કોઈ બાબતને પોતાના માટે જોખમી કે ડરામણી અનુભવે છે ત્યારે તેના મગજની સર્વાઇવલ સિસ્ટમ ખૂબ ઝડપથી સક્રિય થઈ જાય છે. બાળક ‘ફાઇટ, ફ્લાઇટ કે ફ્રીઝ’ એટલે કે સામનો કરવો, ભાગી જવું કે સ્તબ્ધ થઈ જવું જેવી સ્થિતિમાં આવી શકે છે. આવા સમયે બાળકમાં રડવું, ધ્રૂજવું, ઝડપી શ્વાસોચ્છ્વાસ, હૃદયના તેજ ધબકારા, અકળામણ કે ત્યાંથી ભાગવાનો પ્રયાસ જોવા મળી શકે છે; પરંતુ કેટલાંક બાળકો ફ્રીઝ થઈને પ્રતિસાદ આપે છે. એટલે કે તેઓ સાવ શાંત, સ્થિર, ગુમસૂમ કે ભાવનાત્મક રીતે અળગાં થઈ જાય છે. નાનાં બાળકો ઘણી વાર એવું બોલી નથી શકતાં કે ‘મને ડર લાગે છે’ કે ‘હું તનાવનો અનુભવ કરું છું’. તેમનું શરીર અને વર્તન જ તેમની આ સ્થિતિ વ્યક્ત કરે છે. તેથી કોઈ બાળક અસામાન્ય રીતે શાંત કે ગુમસૂમ થઈ જાય તો એનો અર્થ એવો ન કાઢી શકાય કે તે એકદમ સામાન્ય કે ઠીક છે.’


સાઇકોલૉજિકલ ઇફેક્ટ

શિક્ષક કે અન્ય વડીલ દ્વારા અપાતી શારીરિક સજાની બાળકના માનસ પર કેવી શૉર્ટ ટર્મ અને લૉન્ગ ટર્મ સંભવિત સાઇકોલૉજિકલ અસરો પડી શકે એ વિશે વાત કરતાં જેનિતા નંદુ કહે છે, શૉર્ટ ટર્મમાં નાનું બાળક ડર લાગવો, રડવું, ગુમસૂમ થઈ જવું, સતત વળગી રહેવું, ઊંઘમાં ખલેલ થવી, ખરાબ સપનાં આવવાં, એકાગ્રતામાં મુશ્કેલી થવી, ચીડિયાપણું કે આક્રમકતા આવવી અથવા ફરી સ્કૂલમાં જવાનો ઇનકાર કરવો જેવાં લક્ષણો દર્શાવી શકે છે. ઘણી વાર આ સંકેતો ખૂબ જ સૂક્ષ્મ હોય છે. બાળક અસામાન્ય રીતે શાંત થઈ જાય, રમવામાંથી રસ ગુમાવી દે, નાની-નાની ભૂલ કરવાથી પણ ડરવા લાગે અથવા વડીલો પાસેથી વારંવાર સુરક્ષા અને ખાતરી માગવા લાગે. વર્તનમાં આવતા આ ફેરફારો બાળકની એ વાત વ્યક્ત કરવાની રીત હોઈ શકે કે તેની સુરક્ષાની ભાવના ડગમગી ગઈ છે. જો ફિઝિકલ પનિશમેન્ટ વારંવાર આપવામાં આવે તો ચિંતા માત્ર એ એક ઘટના પૂરતી સીમિત નથી રહેતી. ડર, શારીરિક પીડા કે અપમાનના વારંવાર થતા અનુભવો બાળકના આત્મસન્માન, ભાવનાત્મક નિયંત્રણ, વડીલો પરના વિશ્વાસ અને સત્તા કે અધિકાર ધરાવતી વ્યક્તિઓ સાથેના સંબંધો પર ઊંડી નકારાત્મક અસર પાડી શકે છે. આનાથી બાળકમાં ઍન્ગ્ઝાઇટી, વર્તણૂક સંબંધિત સમસ્યાઓ અને ટ્રૉમા સંબંધિત લક્ષણો પણ ઊભાં થઈ શકે છે. નાનાં બાળકો માટે વડીલો સાથેનો સંબંધ ખૂબ સંવેદનશીલ અને મહત્ત્વનો હોય છે. શિક્ષક પાસેથી એવી અપેક્ષા હોય છે કે તેઓ બાળકને સુરક્ષા, યોગ્ય વાતાવરણ અને માર્ગદર્શન પૂરું પાડે. જ્યારે આ સંબંધ ડર સાથે જોડાઈ જાય છે ત્યારે એ સ્કૂલ પ્રત્યેના બાળકના સમગ્ર દૃષ્ટિકોણને પ્રભાવિત કરી શકે છે. કેટલીક વાર કોઈ ચોક્કસ ઘટના એવો વળાંક બની જાય છે જ્યાં પહેલેથી જ માનસિક રીતે ગભરાઈ ગયેલું બાળક ખૂબ જ તીવ્ર પ્રતિક્રિયા આપી બેસે છે. શારીરિક સજાને ક્યારેય શિસ્તના નામે સામાન્ય ન ગણવી જોઈએ. નાનાં બાળકો માટે તમાચો કદાચ થોડી સેકન્ડોનો જ હોઈ શકે છે; પરંતુ એનાથી પેદા થયેલો ડર, અપમાન કે અસુરક્ષાની લાગણી બાળકના મનમાં ઘણા લાંબા સમય સુધી ઘર કરી જાય છે.

શિસ્ત અને સજા એક નથી

બાળકને શિસ્ત શીખવવાનો હેતુ તેને ડરાવવાનો કે પીડા આપવાનો નહીં પરંતુ યોગ્ય અને અયોગ્ય વર્તન વચ્ચેનો તફાવત સમજાવવાનો હોવો જોઈએ. થપ્પડ, માર કે અપમાનથી બાળક કદાચ ક્ષણ પૂરતું ચૂપ થઈ જાય, પરંતુ એનાથી યોગ્ય વર્તન શીખે એવું જરૂરી નથી. એને બદલે સ્પષ્ટ નિયમો નક્કી કરવા, ભૂલનું કારણ સમજાવવું, યોગ્ય વર્તન માટે પ્રશંસા કરવી અને જરૂર પડે ત્યારે ઉંમરને અનુરૂપ પરિણામો નક્કી કરવાં જેવી પદ્ધતિઓ અપનાવી શકાય. સંશોધન પણ સૂચવે છે કે શારીરિક સજા બાળકના વર્તનને લાંબા ગાળે સુધારતી નથી અને તેના શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે. 

તીવ્ર શૉક અને બ્રેઇન-હૅમરેજ

બાળકના ચહેરા કે માથા પર પડેલી માત્ર એક થપ્પડથી કોઈ ગંભીર ન્યુરોલૉજિકલ (મગજને લગતી) સમસ્યા થઈ શકે છે, પછી ભલે બહાર કોઈ ઈજા ન દેખાતી હોય. આ વિશે માહિતી આપતાં ન્યુરોલૉજિસ્ટ ડૉ. શ્રુતિ અગ્રવાલ કહે છે, ‘નાનાં બાળકોના ગળાના સ્નાયુઓ ખૂબ નબળા હોય છે. જ્યારે અચાનક જોરથી થપ્પડ પડે છે ત્યારે માથું અત્યંત ઝડપથી એક તરફ ઝટકો ખાઈને ફરે છે. આ જોરદાર ઝટકાને કારણે ખોપરીની અંદર રહેલા મગજના અત્યંત નાજુક ચેતાતંતુઓ (નર્વ ફાઇબર્સ) ખેંચાઈને તૂટી જાય છે અને અંદરની લોહીની સૂક્ષ્મ નસો ફાટી શકે છે.’
અચાનક વાગ્યા પછી બાળકના મગજ અને નર્વસ સિસ્ટમમાં શું થાય છે અને આ ઈજા કેટલી ગંભીર બની શકે એ વિશે માહિતી આપતાં ડૉ. શ્રુતિ અગ્રવાલ કહે છે, ‘જ્યારે કોઈ બાળક પર અચાનક શારીરિક પ્રહાર થાય છે ત્યારે તેનું શરીર બે ગંભીર સ્થિતિમાંથી પસાર થાય છે. થપ્પડને કારણે બાળકમાં તીવ્ર માનસિક ડર, આંચકો અને સ્ટ્રેસ પેદા થાય છે. આ અતિશય આઘાતને કારણે શરીરની નર્વસ સિસ્ટમ ખોરવાઈ જાય છે અને હૃદયના ધબકારા અચાનક થંભી શકે છે. ખૂબ જ દુર્લભ કિસ્સાઓમાં બાળકના મગજમાં પહેલેથી જન્મજાત લોહીની કોઈ નબળી નસ હોઈ શકે છે જે સામાન્ય રીતે ખબર નથી હોતી. થપ્પડના આંચકા કે બ્લડ-પ્રેશરના ઉછાળાથી આ નસ ફાટી જાય છે, જેનાથી મગજમાં હૅમરેજ થઈ જાય છે.’
થપ્પડ કે માથાની ઈજા પછી કયાં ચેતવણીરૂપ લક્ષણો દેખાય તો તરત જ ડૉક્ટર પાસે પહોંચવું જોઈએ એ વિશે વાત કરતાં ડૉ. શ્રુતિ અગ્રવાલ કહે છે,  ‘ઈજા થયા પછીના ૪૮ કલાક ખૂબ જ મહત્ત્વના હોય છે, કારણ કે આંતરિક નુકસાનનાં લક્ષણો ઘણી વાર તરત નહીં પણ ધીમે-ધીમે સામે આવે છે. એટલે બાળક બેભાન થઈ જાય, ચક્કર ખાઈને પડી જાય કે બહુ વધારે પડતી સુસ્તીમાં રહે, બાળકને વારંવાર ઊલટી થાય કે સતત ઊબકા આવે કે પછી આંખની બન્ને કીકીઓનું કદ અસમાન દેખાય તો જરાય બેદરકારી ન રાખવી.’

Whatsapp-channel Whatsapp-channel

09 September, 2026 01:47 PM IST | Mumbai | Heena Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK