સ્ત્રીઓને થતા કૅન્સરમાં સ્તન કૅન્સર સૌથી સામાન્ય ગણાતું કૅન્સર છે. જો સમયસર નિદાન અને સારવાર કરાવવામાં આવે તો સ્તન કૅન્સરમાંથી સંપૂર્ણપણે સાજા થઈ શકાય છે.
ડૉ. રુચા કૌશિક હિન્દુજા હૉસ્પિટલ ખાર અને માહિમ મોબાઇલ નંબર – 9619207427
સ્ત્રીઓને થતા કૅન્સરમાં સ્તન કૅન્સર સૌથી સામાન્ય ગણાતું કૅન્સર છે. જો સમયસર નિદાન અને સારવાર કરાવવામાં આવે તો સ્તન કૅન્સરમાંથી સંપૂર્ણપણે સાજા થઈ શકાય છે. ૪૦ વર્ષથી વધુ ઉંમરની દરેક સ્ત્રીએ સ્તન કૅન્સરના પ્રારંભિક તબક્કાનાં ચિહ્નો અને લક્ષણો વિશે જાણી લેવું જોઈએ અને એ બાબતે સજાગ રહેવું જોઈએ.
સ્તન કૅન્સરના ચાર તબક્કા છે : સ્ટેજ-1 અને સ્ટેજ-2 અર્લી સ્ટેજિસ ગણાય છે અને સ્ટેજ-3 તથા સ્ટેજ-4ને ઍડ્વાન્સ સ્ટેજ તરીકે ગણવામાં આવે છે. સ્તન કૅન્સરના નિષ્ણાત દ્વારા કરાયેલી શારીરિક તપાસ તેમ જ મેમોગ્રામ, કોર નીડલ બાયોપ્સી (core needle biopsy) અને PET સીટી સ્કૅન જેવી ટેસ્ટની મદદથી કૅન્સર કયા સ્ટેજમાં છે એ ડાયગ્નોસ કરવામાં મદદ મળે છે. કોર બાયોપ્સી એટલે કે હિસ્ટોપેથોલૉજી રિપોર્ટની મદદથી સ્તનમાં થયેલી ગાંઠ (ટ્યુમર)ના ટાઇપ અને નેચરનો ખ્યાલ આવે છે. અહીં ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે કોર બાયોપ્સી રિપોર્ટ ટ્યુમરના સ્ટેજનું નિદાન કરતું નથી. ટેસ્ટ રિપોર્ટ્સના આધારે ડૉક્ટર કયું સ્ટેજ છે એ વિશે જાણ કરે એ પછીનું મહત્ત્વનું પગલું ટ્રીટમેન્ટ પ્લાન છે. આ રોગની ટ્રીટમેન્ટનાં મલ્ટિપલ ફૅક્ટર્સ છે. સૌપ્રથમ એ સમજવાની જરૂર છે.
ADVERTISEMENT
સ્તન કૅન્સરની સારવારના ચાર પ્રકાર છે
૧. સર્જરી : જો ગાંઠ સ્ટેજ-1 અને સ્ટેજ-2માં હોય તો શસ્ત્રક્રિયા પ્રથમ પસંદગી ગણાય છે. સ્તનમાં જો એકાદ જગ્યાએ ગાંઠ હોય અને બાકીનાં સ્તન બરાબર હોય તો બ્રેસ્ટ સેવિંગ સર્જરી કરી શકાય. એ સર્જરીમાં આખું સ્તન કાઢવામાં નથી આવતું, પણ માત્ર ગાંઠ કાઢીને બાકીના સ્તનને સલામત રીતે બચાવી લેવાય છે. બ્રેસ્ટ સેવિંગ સર્જરી ડે કેર પ્રોસીજર તરીકે કરવામાં આવે છે જેમાં દરદીને સર્જરીના બીજા દિવસે હૉસ્પિટલમાંથી રજા આપી શકાય છે અને દરદી બીજા દિવસથી પોતાની બધી રૂટીન પ્રવૃત્તિઓ કરી શકે છે. જો કુશળ સર્જ્યન દ્વારા કરવામાં આવે તો આ બ્રેસ્ટ સેવિંગ સર્જરી જેમાં કૅન્સરવાળું સ્તન પૂર્ણપણે દૂર કરવામાં આવે એના જેટલી જ સલામત છે. સામાન્ય રીતે દરદી અને એના સ્વજનોને એવી શંકા રહેતી હોય છે કે બ્રેસ્ટ સેવિંગ સર્જરી પછી રોગ ફરી પાછો આવવાની શક્યતા રહે છે, પરંતુ એ સાચું નથી. બ્રેસ્ટ સેવિંગ સર્જરી કર્યા પછી રેડિયેશન ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. જેમને સ્તનમાં એકાદ ગાંઠ હોય અને આ રીતે બ્રેસ્ટ સેવિંગ સર્જરીનો ઑપ્શન લઈ શકાય એમ હોય એવા દરદી માટે આ સલામત વિકલ્પ છે.
૨. કીમો થેરપી : ઍડ્વાન્સ સ્ટેજમાં કૅન્સર પહોંચી ગયું હોય એવા કેસ માટે કીમો થેરપી એ સારવારનો પ્રથમમ તબક્કો છે. કીમો થેરપીની સાઇકલ્સ અને ફ્રીક્વન્સીની સંખ્યા ગાંઠના પ્રકાર પર નિર્ભર કરે છે. સારવાર માટે અપાતાં ઇન્જેક્શનની સંખ્યા પ્રત્યેક કીમો થેરપી પછી એની કેવી અસર થાય છે એના પર આધારિત હોય છે. જો ગાંઠ સારવારને સારી રીતે પ્રતિસાદ આપતી હોય તો શસ્ત્રક્રિયા પહેલાં કીમો થેરપી સારવાર પૂર્ણ કરી શકાય છે, પરંતુ દરદી જો યુવાન મહિલા હોય અને આગળ ટ્રીટમેન્ટ પૂરી થયા બાદ જો માતા બનવા માગતી હોય તો તેણે ડૉક્ટર સાથે અગાઉથી જ ફર્ટિલિટી પ્રિઝર્વેશન ઑપ્શન્સ વિશે વાત કરી લેવી જોઈએ.
૩. રેડિયેશન થેરપી : જે દરદીઓએ બ્રેસ્ટ સેવિંગ સર્જરી કરાવી હોય તેમને રેડિયેશન થેરપી ટ્રીટમેન્ટ આપવી જ જોઈએ. એ ઉપરાંત એ તમામ કેસ જેમાં કૅન્સર ઍડ્વાન્સ સ્ટેજમાં પહોંચી ગયું હોય એવા કેસમાં પણ રેડિયેશન થેરપી ટ્રીટમેન્ટ ચોક્કસપણે આપવી જોઈએ.
૪. હૉર્મોન થેરપી : સેન્સિટિવ ટ્યુમર્સને હૉર્મોન થેરપી આપવામાં આવે છે. આ ટ્રીટમેન્ટ ટૅબ્લેટના રૂપમાં હોય છે. કઈ દવા આપવી એ દરદીના મેનોપૉઝલ સ્ટેટસ પર નક્કી કરવામાં આવે છે. આ થેરપી ચોક્કસ પ્રકારના દરદીઓને આપવામાં આવે છે જેમની ચોક્કસ પ્રકારની જીન એમ્પ્લીફિકેશન હોય છે. દરેક સારવારના પોતાના નિશ્ચિત સંકેત હોય છે એથી દરેક દરદીએ એ વિશે પોતાના ડૉક્ટર સાથે ચર્ચા કરવી જોઈએ. દરેક ટ્યુમરના સંકેત દરદીએ-દરદીએ જુદા પડે છે અને એ મુજબ એની સારવાર પણ જુદી હોવાની. સારવાર દરમ્યાન જો જરૂરી હોય તો કુટુંબીજનો અને નજીકના મિત્રોની મદદ લેવી જોઈએ અને કોઈ ને કોઈ પ્રવૃત્તિઓમાં જોડાઈ રહેવું જોઈએ જેથી સારવારના દરેક તબક્કા દરમ્યાન શાંત અને મોટિવેટેડ રહેવામાં મદદ મળશે અને બધાં જ સારાં વાનાં થઈ જશે એવી હિંમત રહેશે.
ડિસિપ્લિન્ડ અને હેલ્ધી લાઇફસ્ટાઇલ હોય તો બ્રેસ્ટ કૅન્સરનું જોખમ ઓછું થાય છે એવું અભ્યાસ કહે છે. અઠવાડિયામાં ઍટ લીસ્ટ પાંચેક દિવસ એક્સરસાઇઝ કરવી અથવા બ્રિસ્ક વૉકિંગ કરવું અને હેલ્ધી ખાવું તેમ જ સાકરનો સદંતર ત્યાગ કરવો. આ બધી વાતોનું ધ્યાન રાખવામાં આવે તો બ્રેસ્ટ કૅન્સરનું જોખમ ઘણે અંશે ઓછું થઈ જાય છે.


