ટીવી પર ઘણા કાર્યક્રમો એવા છે જેને ખાસ વર્ગ ધંધાની જેમ ચલાવે છે. વાત કરવી છે ટીવી પર આવતી ક્રાઇમની સિરિયલોની.
પ્રતીકાત્મક તસવીર
ક્રિક્રેટરસિકો ટીવી પર ક્રિકેટ જુએ એ મનોરંજન માટે હોય છે પણ કેટલાક એના આધારે ધંધો પણ કરે છે. તેમ ટીવી પર ઘણા કાર્યક્રમો એવા છે જેને ખાસ વર્ગ ધંધાની જેમ ચલાવે છે. વાત કરવી છે ટીવી પર આવતી ક્રાઇમની સિરિયલોની.
ઘણાં વર્ષાથી આવા સળંગ એપિસોડની શ્રેણીબદ્ધ રજૂઆત કરતી સિરિયલો જોનારામાંથી એક નાનકડો પણ ચોક્કસ વર્ગ એવો છે કે જે માત્ર મનોરંજન ખાતર આ શો જોતા નથી. એ લોકો એટલા માટે આ શો જોતા હોય છે કે પોલીસ તપાસમાં કઈ-કઈ નવી ટેક્નિકો ઉપયોગમાં લેવાઈ રહી છે એનાથી માહિતગાર થઈ શકાય અને એ માહિતીનો ભવિષ્યમાં ન સપડાવા માટે ઉપયોગ કરી શકાય. આવા શોમાં હકીકતે નજીકના ભૂતકાળમાં બનેલા રસપ્રદ અને ચકચારી કિસ્સાઓ ઉઠાવવામાં આવે છે. એમાં કઈ રીતે તપાસ થઈ, આવેલા અવરોધો કેવી રીતે દૂર કરવામાં આવ્યા, કયા-કયા મુદ્દા ગુનેગારને ગુનેગાર તરીકે સાબિત કરવા ઉપયોગમાં લેવાયા, ગુનેગાર ક્યાં ફસાયો, તેને કયા પ્રશ્નો પૂછીને કઈ રીતે જવાબો મેળવાયા વગેરે બાબતોનું ડીટેલિંગ હોય છે. ભૂતકાળમાં પોલીસ ખાતાને એવા અનુભવ થયા છે કે ગુનેગાર ગુનો કરવા જાય ત્યારે મોબાઇલ ઘરે રાખીને જાય છે કારણ કે ગુનાના સમયે પોલીસ દ્વારા તે ક્યાં હતો એ શોધવા તેના મોબાઇલને ટ્રૅક કરવામાં આવે છે એ વાત કોઈ એપિસોડમાં જોયેલી. ગુના વખતે તે વ્યક્તિ તે સ્થળે હાજર નહોતો એ પુરવાર કરી શકાય. એટલી હદે ગુનાખોરીનું શિક્ષણ આ શો માંથી મળી રહે છે. ક્યારેક તો ગુનો આચરવાની નવી અને ફુલપ્રૂફ ટેક્નિક પણ આમાંથી શીખવા મળી જાય છે.
ADVERTISEMENT
આ વિશે કાયદેસર મર્યાદા બંધાવી જોઈએ એવું નથી લાગતું? અબેટમેન્ટ ઑફ ક્રાઇમનો ઇરાદો ન હોય તો પણ બને છે એવું જ, તો ઉપાય શું? સેન્સરશિપ સર્વગ્રાહી હોવી જોઈએ. દેશની ડિફેન્સ સિસ્ટમ કેટલી પાવરફુલ છે, એ કઈ રીતે આતંકીઓને પકડે છે વગેરે બાબતો કાયમ ગુપ્ત જ રાખવામાં આવે છે. રજૂ થતી થિયરી કદાચ થોડી જુદી પણ હોય જેમાં મુખ્ય ટેક્નિક દર્શાવાઈ જ ન હોય. નૅશનલ સિક્યૉરિટીની જેમ જ આવું કંઈક નિયમન તો છેવટે હોવું જરૂરી નથી લાગતું? છેવટે સર્વહિત સર્વોપરી છે. અહીં વ્યવસાયી અભિગમથી નહીં, વિવેકભર્યા અભિગમથી વિચારણા થવી જરૂરી છે.
અત્યારે તો ક્રાઇમ હાઇટેક અને ફુલપ્રૂફ થઈ રહ્યો છે અને સામે ગુનાશોધક ટેક્નિકોમાં પણ અનેક ફેરફારો થઈ રહ્યા છે જે પાછા સ્ક્રીન પર દર્શાવાઈ પણ રહ્યા છે. વ્યક્તિ હિત અને સામાજિક હિત વચ્ચેની લડાઈમાં આપણે ઘણી જગ્યાએ હારતા આવ્યા છીએ. આમાં ફેરફાર ન થાય તો ક્રાઇમ સિરિયલ અને સિરિયલ ક્રાઇમ વચ્ચે મજબૂત કડી જામતી રહેશે.

