જો મળ લાલ રંગનો હોય, કમોડમાં એકદમ લાલ લોહી દેખાય આવે, ટૉઇલેટ પેપર પર લોહી હાથમાં આવે તો મળમાં લોહી છે એ સરળતાથી સમજી શકાય છે
પ્રતીકાત્મક તસવીર
ઘણાં લક્ષણો એવાં હોય છે જે ખૂબ જ સામાન્ય ગણાય છે એટલે કે લક્ષણ એક હોય, પરંતુ એને લગતા રોગ ઘણાબધા હોઈ શકે છે. જેમ કે તાવ આવવો. કોઈ વ્યક્તિને તાવ આવતો હોય તો એને લગતી ઘણીબધી જુદી-જુદી બીમારી હોઈ શકે. તેને સામાન્ય વાઇરલ ઇન્ફેક્શન પણ હોય શકે છે અને મલેરિયા કે ટાઇફૉઇડ પણ હોઈ શકે છે. આ કન્ડિશનમાં જરૂરી એ છે કે વ્યક્તિ એ લક્ષણને બિલકુલ અવગણે નહીં અને તરત જ ઇલાજ કરાવડાવે. આવું જ એક સામાન્ય લક્ષણ છે મળમાં લોહીનું પડવું. આ એક એવું લક્ષણ છે કે જેને જોઈને કોઈ પણ વ્યક્તિ ગભરાઈ જાય કે તેની સાથે શું થઈ ગયું. પરંતુ ઘણી વાર એવું પણ થઈ શકે છે કે વ્યક્તિને ખબર જ ન પડે કે તેના મળમાં લોહી પડે છે. આ લક્ષણને ઓળખવું જરૂરી છે અને જેટલું વહેલું એને ઓળખી શકાય રોગનો ઇલાજ એટલો જ જલદી શરૂ થઈ શકે છે.
જો મળ લાલ રંગનો હોય, કમોડમાં એકદમ લાલ લોહી દેખાય આવે, ટૉઇલેટ પેપર પર લોહી હાથમાં આવે તો મળમાં લોહી છે એ સરળતાથી સમજી શકાય છે. પરંતુ બને કે એવું ન થાય તો? મળમાં લોહી પડે છે એ બિલકુલ જરૂરી નથી કે સરળતાથી ખબર પડે. આંતરડાથી ઉપરના ભાગમાં કોઈ તકલીફ હોય અને એ ઉપરના ભાગોમાંથી લોહી નીકળતું હોય તો એ લોહી જઠરમાં રહેલા પાચકરસો સાથે ભાળીને પોતાનો લાલ રંગ ગુમાવી બેસે છે. પછી એ કૉફી કે કથ્થઈ રંગ જેવું કે પછી કાળા રંગમાં પરિણામે છે અને મળનો રંગ કાળો કે કૉફી બની જાય છે. સામાન્ય રીતે કાળા રંગનો મળ હોય તો કોઈ વ્યક્તિ એ સમજી નથી શકતી કે એ મળમાં લોહી છે. પરંતુ એ લોહી જ હોય છે. આમ જો મળ કાળા રંગનો હોય અને ટેસ્ટમાં ખબર પડે કે મળમાં લોહી જ છે તો એનો અર્થ એ થાય કે જઠરની ઉપરના ભાગમાં તકલીફ છે, પરંતુ જો મળમાં લાલ રંગનું લોહી જોવા મળે તો સમજવું કે જઠરથી નીચેના ભાગમાં તકલીફ છે.
ADVERTISEMENT
ઘણી વાર લોહી મળમાં એટલી ઓછી માત્રામાં ભળેલું હોય છે કે એ નરી આંખે સમજી શકાતું નથી કે મળમાં લોહી છે. એટલે ટેસ્ટ જરૂરી છે. આદર્શ રીતે તો ૩૦ વર્ષની ઉંમર પછીથી દર વર્ષે વ્યક્તિએ સ્ટૂલ-ટેસ્ટ કરાવવી જરૂરી છે. મહત્ત્વની વાત એ છે કે જ્યારે આ લક્ષણ દેખાય ત્યારે તમે ડૉક્ટર પાસે જાઓ અને ડૉક્ટર જરૂરી ટેસ્ટ કરાવી એ તપાસે કે પાચનતંત્રના કયા ભાગમાં તકલીફ છે અને તમને ક્યાં ઇલાજની જરૂર છે.


