જેમ વજન ઘટાડવું હોય તો હેલ્ધી રસ્તો અપનાવવાનો હોય, એમ વજન વધારવું હોય તો પણ હેલ્ધી રીતે જ વજન વધારવું જોઈએ.
પ્રતીકાત્મક તસવીર
હું પચીસ વર્ષનો છું. મારાં લગ્નની વાતો શરૂ થઈ છે. હાઇટ ૫.૧૧ છે, પરંતુ વજન ફક્ત ૫૫ કિલો છે. વજન ઓછું છે એવું નથી, પણ હું થાકી જાઉં છું. લોકો આજકાલ વજન કેમ ઊતરશે એની ચિંતામાં જોવા મળે છે, પરંતુ મને ચિંતા છે કે વજન વધશે કઈ રીતે? ઍલોપથી દવાઓ લઈ શરીરને કોઈ ડૅમેજ થાય એવું હું ઇચ્છતો નથી. ખૂબ બધું જન્ક ખાઈને પણ મેં જોઈ લીધું. લાગે છે કે મારો બાંધો જ એવો છે કે એનાથી વજન વધતું નથી.
અંધાધૂંધ જન્ક ફૂડ ખાઈ વજન વધારવાની કોશિશ ખોટી જ છે. જેમ વજન ઘટાડવું હોય તો હેલ્ધી રસ્તો અપનાવવાનો હોય, એમ વજન વધારવું હોય તો પણ હેલ્ધી રીતે જ વજન વધારવું જોઈએ. ખોટી વસ્તુ ખાઈને ચરબી વધારવાનો કોઈ અર્થ નથી. શરીરનું વજન એટલું હોવું જોઈએ કે તમે આખો દિવસ એનર્જેટિક રહી શકો. વજન વધુ કે ઓછું હોય ત્યારે થાક લાગે છે. પહેલી વાત તો એ કે તમે કોઈ આયુર્વેદિક પ્રૅક્ટિશનરને સાક્ષાત મળો અને તમારી પ્રકૃતિ અને વિકૃતિઓ જણાવીને સ્વસ્થ રહેવા માટે યોગ્ય માર્ગદર્શન મેળવો.
ADVERTISEMENT
બીજું એ કે ખોરાકમાં અમુક વસ્તુઓ તમને મદદરૂપ થઈ શકે છે. પલાળેલી બદામ અને અખરોટ ખાવી. ખજૂરને ઘી સાથે ખાવું. ઘીનો ઉપયોગ રોજિંદા ખોરાકમાં રાખો જ. બપોરે જમવાનું શરૂ કરતાં પહેલાં ઘી-ગોળ ખાઓ. રાત્રે સૂતા પહેલાં દૂધમાં ઘી ઉમેરીને પીવું. જમ્યા પછી તરત જ પાણી ન પીવું અને રાત્રે ખૂબ મોડા ન જમવું. રાતની ૭-૮ કલાકની પૂરતી ઊંઘ મળવી જરૂરી છે અને ફરજિયાત ૧ કલાક દરરોજ એક્સરસાઇઝ કરવી જ. ઘણા લોકો માને છે કે એક્સરસાઇઝ દુબળા લોકોએ ન કરવી, વજન ઊતરી જશે, પણ એવું નથી. આયુર્વેદમાં વજન વધારવા માટે છોકરાઓને અશ્વગંધા અને છોકરીઓને શતાવરી ઉપયોગી ઔષધ છે. વસંતકલ્પ પણ અત્યંત ઉપયોગી ઔષધ છે. સુવર્ણમાલિની વસંત કે વસંત કુસુમાકરની ૧ ગોળી દરરોજ તમને ફાયદાકારક રહેશે. આ સિવાય દરરોજ ૩૦ ગ્રામ જેટલું ચ્યવનપ્રાશ ખાવું જોઈએ, એની પછી ૧ કપ અશ્વગંધાવાળું હુંફાળું દૂધ પી શકો છો. સમજો કે આ જ તમારો સવારનો નાસ્તો છે, પછી ત્યારે જ જમો જ્યારે તમને ભૂખ લાગી હોય. હુંફાળું તલનું તેલ કે નારિયેળનું તેલ વાપરી શકો છો, જેનાથી તાકાત પણ વધશે અને શરીરને પણ પોષણ મળશે.
ડૉ. સંજય છાજેડ

