તીખું-તળેલું, મેંદાવાળું ખાવાની આદત પરિવારમાં બધાને અસર કરતી હોય છે
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
મારા પપ્પાને છેલ્લાં દસ વર્ષથી હરસની તકલીફ છે. એમાંથી તેમને ભગંદર પણ થયેલું અને પીડા આકરી થઈ જતાં બે વર્ષ પહેલાં જ ઑપરેશન કરીને ભગંદર કપાવી કાઢ્યું. જોકે હમણાં ફરીથી મળમાર્ગ પાસે બૉઇલ જેવું થયું છે. તેમને ટૉઇલેટમાં બહુ લાંબો સમય લાગે છે. જોકે હમણાંથી મને પણ કબજિયાત વધી છે અને મસા જેવું લાગે છે. વારંવાર મળમાર્ગ પર કાપા પડી ગયેલા હોય છે. પપ્પાએ તો સર્જરી કરાવી લીધી, પણ મારે પ્રિવેન્શન કરવું હોય તો આયુર્વેદમાં કોઈ દવા ખરી? શું આ વારસાગત રોગ છે?
ભગંદર અને મસા એ આમ તો વારસાગત રોગ જરાય નથી, પરંતુ એ પરિવારોમાં જોવા મળે છે એનું કારણ કદાચ એકસમાન લાઇફસ્ટાઇલ હોઈ શકે. તીખું-તળેલું, મેંદાવાળું ખાવાની આદત પરિવારમાં બધાને અસર કરતી હોય છે. બાકી. મસા-ભગંદર થવાનું મુખ્ય અને કૉમન કારણ છે કબજિયાત. ક્રોનિક કબજિયાતને કારણે મળ કઠણ થઈ જાય અને તમે લાંબો સમય પ્રેશર કરવા માટે ટૉઇલેટમાં બેઠા રહો ત્યારે આવું થાય. અતિસાર, ગ્રહણી, હરસ, ભગંદર આ તમામ દરદ મંદાગ્નિને કારણે થાય છે. મંદાગ્નિને કારણે ખોરાક બરાબર પચતો નથી અને એટલે મળનું સારણ પણ બરાબર થતું નથી. આ રોગમાં વાત, પિત્ત, કફ આ ત્રણેય દોષો તેમ જ રક્ત અને માંસધાતુની દુષ્ટિ થાય છે. અનિયમિત અને અયોગ્ય ખોરાકથી પાચન મંદ પડે છે.
આ પણ વાંચો: ડાયાબિટીઝને કારણે થાઇરૉઇડ પ્રૉબ્લેમ આવે ખરો?
ADVERTISEMENT
જેઠીમધ, ત્રિફળા, નાગકેસર, અવિપત્તિકર અને ઇન્દ્રજવ આ તમામ દ્રવ્યો ૨૦-૨૦ ગ્રામ લેવાં. ઍમાં પ્રવાળ પંચામૃત અને ત્રિકટુ આ બે દ્રવ્યો ૧૦-૧૦ ગ્રામ ઉમેરવાં અને બરાબર મિક્સ કરવાં. આ ચૂર્ણ એક ચમચી સવારે, બપોરે અને સાંજે ગાયના દૂધની તાજી છાશ સાથે લેવું.
દિવસમાં ઓછામાં ઓછા છથી સાત ગ્લાસ હળવું ગરમ પાણી પીવું. આહાર-વિહારનું ધ્યાન રાખવું. કબજિયાત ન થવા દેવી અને ગાયના દૂધની છાશનું નિયમિત સેવન કરવું. રોજ રાત્રે ત્રિફળા અથવા હરડે ગરમ પાણી સાથે સૂતાં પહેલાં લેવી.
ખોરાકમાં મગ-ભાત, ખીચડી-કઢી લેવાં. અઠવાડિયામાં બે વખત ગાયના ઘીમાં વઘારેલું અને બાફેલું સૂરણ તથા છાશ ખોરાકમાં લેવાં.
એમ છતાં જો કબજિયાત કન્ટિન્યુ રહેતી હોય તો તમારે નિષ્ણાતને બતાવી દેવું જરૂરી છે.

