ખાલી પેટે ખાખરા ખાઓ છો એ ખોટું છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
મારી ઉંમર ૪૪ વર્ષ છે. કંઈ પણ ખાઉં પછી પેટ ખૂબ ભારે-ભારે લાગ્યા કરે છે. વચ્ચે બ્રેકફાસ્ટનો ટાઇમ ન હોય એટલે બે ખાખરા માંડ ખાઉં. એ પછી પણ આ સીઝનમાં તો પિત્તને કારણે ઊબકા અને ખટાશ મોઢામાં આવ્યા જ કરતી હોય છે. મારી ઑફિસની શિફ્ટ મૉર્નિંગની છે એટલે સવારે ૭ વાગ્યે દૂધ પીને ઘરેથી નીકળી જાઉં એ પછી ગરમી એટલી વધી ગઈ હોય છે કે ખાવાનું મન જ નથી થતું. બપોરે એક વાગ્યે જેમતેમ લંચ કરું. ખૂબ થોડું ખાઉં છતાં પેટ ભારે લાગે. બપોરે ૪ વાગ્યે ઘરે પહોંચું ત્યારે તરસ અને ગરમીને કારણે એક-બે ગ્લાસ કોકમનું શરબત પી લઉં ત્યારે રાહત થાય. જોકે એ પછી ફરી રાતે જાણે ભૂખ જ નથી લાગતી. મારું વજન વધારે છે, પણ આટલું ઓછું ખાવા છતાં વજન ઊતરતું નથી.
ગરમીની સીઝનમાં પિત્ત ચડવાનાં અનેક કારણો હોય છે. તમે કંઈ નથી ખાતાં એ પણ અને જ્યારે તમે જે થોડું ખાઓ છો એની પસંદગી બરાબર ન હોય તો એ પણ પિત્ત કરે. તમે સવારે દૂધ જ પીઓ છો એવું ન થવું જોઈએ. કંઈક નાસ્તો કરવો જરૂરી છે. નાસ્તામાં પણ હેલ્ધી આઇટમ હોય એ જરૂરી છે. ખાલી પેટે ખાખરા ખાઓ છો એ ખોટું છે. ખાખરા આખરે તો મેંદો અથવા ઘઉંનું ગ્લુટન જ છે. નાસ્તામાં ઇડલી, ઉપમા કે વેજિટેબલ નાખેલા પૌંઆ જેવી ચીજ લઈ શકો.
ઘણી વાર વ્યક્તિ જમવાના ટાણે ભૂખી નથી હોતી, પણ વચ્ચે ન જમવાના સમયે થોડું-થોડું આચરકૂચર ખાઈ લેતી હોય છે. તેને લાગે કે ચાર બિસ્કિટ જ તો ખાધાં છે કે શરબત જ તો પીધું છે, પણ આ અનહેલ્ધી ચૉઇસ છે જે અગેઇન પેટને ખરાબ કરે છે.
જ્યારે લાંબા સમયથી પિત્તની તકલીફ રહેતી હોય તો પહેલાં સ્ટમકને ડીટૉક્સિફાય કરવાની જરૂર છે. એમાં સાવ ભૂખ્યા રહેવાનું નથી, પણ જ્યારે ખાઓ ત્યારે શું ખાઓ છો એ બાબતે સભાન થવાનું છે. રાતે પલાળીને રાખેલી કાળી દ્રાક્ષ સવારે ચાવી-ચાવીને ખાવાનું રાખશો તો પિત્તમાં ફરક પડશે.
બીજું, ભૂખ લાગે એ માટે પેટ સાફ આવે એ પણ જરૂરી છે. રાતે પૂરતી ઊંઘ મળે અને સૂતાં પહેલાં તેમ જ ઊઠીને હૂંફાળું ગરમ પાણી પીવાનું રાખો અને પાચન સુધરે એ માટે રોજની અડધો કલાકની એક્સરસાઇઝ ઇઝ મસ્ટ.