નિષ્ણાતો સ્કિનને શરીરની આંતરિક હેલ્થનો અરીસો માનતા હોય છે. સામાન્ય રીતે આંખ નીચે કાળાં કૂંડાળાં સ્ટ્રેસ, અનિદ્રા કે વિટામિનની ઊણપ સૂચવે છે પરંતુ કિડની અને લિવરના રોગોમાં પણ સ્કિનટોનમાં બદલાવ દેખાતો હોય છે. ક્યારે ચેતવું એ વિશે નિષ્ણાત સાથે વાત કરીએ
પ્રતિકાત્મક તસવીર
આજના ભાગદોડભર્યા યુગમાં આપણી ત્વચા માત્ર સુંદરતાનું પ્રતીક નથી પણ શરીરની આંતરિક તંદુરસ્તીનો એક ‘લાઇવ રિપોર્ટ’ પણ છે. નિષ્ણાતો માને છે કે શરીરનાં અંદરનાં અંગોમાં જ્યારે કોઈ ગરબડ શરૂ થાય ત્યારે એના સંકેતો સૌથી પહેલાં આપણી સ્કિન પર દેખાવા લાગે છે. લિવર આપણા શરીરનું પાવરહાઉસ છે જે લોહીને શુદ્ધ કરવાનું અને ઝેરી તત્ત્વોને બહાર કાઢવાનું કામ કરે છે. પરંતુ જ્યારે આ પાવરહાઉસ નબળું પડે ત્યારે એની અસર સ્કિન પર પણ જોવા મળી શકે છે. સામાન્ય રીતે આપણે આંખો નીચેનાં કાળાં કૂંડાળાં એટલે કે ડાર્ક સર્કલને માત્ર મોડી રાત સુધી જાગવા કે મોબાઇલના વધુપડતા વપરાશ સાથે જોડીએ છીએ. પરંતુ ક્યારેક એ શરીરમાં પનપી રહેલી કોઈ ગંભીર બીમારીનું પરિણામ પણ હોઈ શકે. દુનિયામાં દર વર્ષે વીસ લાખ લોકો લિવરની બીમારીને કારણે મૃત્યુ પામે છે. જાણી લો ભારતમાં આંખ નીચે કાળાં કૂંડાળાં અને લિવર વચ્ચે કેટલું કનેક્શન છે અને કયા સંજોગોમાં ચેતી જવું હિતાવહ છે.
ડાર્ક સર્કલ થવાનાં મુખ્ય કારણો
ADVERTISEMENT
સામાન્ય રીતે ડાર્ક સર્કલ થવા પાછળ લિવર સિવાયનાં અનેક સામાન્ય કારણો જવાબદાર હોઈ શકે છે. જેમ કે વારસાગત રીતે પરિવારમાં વડીલોને ડાર્ક સર્કલ હોય તો તમને પણ હોઈ શકે છે. ઉંમર સાથે આંખ નીચેની ત્વચા પાતળી થાય છે, જેનાથી નીચેની રક્તવાહિનીઓ દેખાવા લાગે છે. એ સિવાય પૂરતી ઊંઘ ન લેવી, સતત સ્ટ્રેસ, ધૂમ્રપાન અને આલ્કોહોલનું સેવન ત્વચાને નુકસાન પહોંચાડે છે. શરીરમાં પાણીની કમી હોય ત્યારે આંખ નીચે પિગમેન્ટેશન વધી જાય છે. શરદી કે સાઇનસના કારણે આંખ નીચે સોજો અને કાળાશ આવી શકે છે. જોકે કેટલાક નિષ્ણાતો માને છે કે શરીરનાં ઝેરી તત્ત્વોને બહાર કાઢવાનું કામ કરતા લિવરનું કામકાજ ખોરવાય ત્યારે પણ આંખો અને ત્વચા પીળી પડવી, આખા શરીરે ખંજવાળ આવવી, કપાળ અને શરીર પર કાળા ડાઘા પડવા જેવી સમસ્યાઓ સાથે આંખ નીચે કાળાં કૂંડાળાં પણ આવી શકે છે.
આ યાદ રહે
ડાર્ક સર્કલ હંમેશાં બીમારીનું લક્ષણ નથી હોતું પરંતુ એ શરીરમાં કંઈક બરાબર નથી એનો સંકેત ચોક્કસ હોઈ શકે છે. ડૉ. હાર્દિક શાહ કહે છે, ‘જેમ કે ડાયાબિટીઝમાં ગળા પાસે પિગમેન્ટેશન થાય છે તેમ લિવર કે કિડનીની સમસ્યા સ્કિન દ્વારા રિફ્લેક્ટ થઈ શકે છે. જો ડાર્ક સર્કલ સતત વધતાં હોય અને સાથે અન્ય તકલીફ હોય તો સમય બગાડ્યા વિના તાત્કાલિક એની તપાસ કરવી જરૂરી છે.’
એક્સપર્ટ શું કહે છે?
નાણાવટી હૉસ્પિટલના લિવર સ્પેશ્યલિસ્ટ અને ગૅસ્ટ્રોએન્ટરોલૉજિસ્ટ ડૉ. હાર્દિક શાહ આ ડાર્ક સર્કલ અને લિવરના જોડાણ વિશે સ્પષ્ટતા કરતાં કહે છે, ‘ડાયરેક્ટ રીતે લિવરને અને ડાર્ક સર્કલને કોઈ લેવાદેવા નથી, પરંતુ યસ જો લિવર કે કિડનીમાં પ્રૉબ્લેમ હોય તો એનાં વિવિધ લક્ષણોમાંથી અમુક લક્ષણો સ્કિન પર પણ દેખા દે છે. આંખ નીચેની સ્કિન કમ્પૅરેટિવલી પાતળી હોય છે અને ત્યાં લચીલાપણું પણ ઓછું હોય છે એટલે ત્યાં તરત જ કોઈ પણ પ્રૉબ્લેમની અસર દેખાઈ શકે છે. લિવર કે કિડનીની સમસ્યામાં સ્કિનમાં ડ્રાયનેસ વધે, કરચલીઓ આવે અને સ્કિનનું ટોનિંગ ખરાબ થાય એવું થઈ શકે. આખા શરીરમાં ઠેર-ઠેર ડાર્ક સ્પૉટ થઈ શકે છે.’
