નરેન્દ્ર મોદીએ આ મુદ્દા તરફ લોકોનું ધ્યાન દોર્યું હતું કારણ કે આપણી કેટલીક ભૂલોને કારણે આ રેઝિસ્ટન્સ ખૂબ જલદી આવી રહ્યું છે. આ પરિસ્થિતિમાં આપણી ફરજ શું છે એ સમજીએ...
પ્રતીકાત્મક તસવીર
પહેલાંના સમયના લોકો કરતાં આજે લોકો લાંબું અને નીરોગી જીવન જીવી શકવા સમર્થ બન્યા છે એની પાછળ ઍન્ટિબાયોટિક દવાઓનો ઘણો મોટો ફાળો છે. પરંતુ આ દવાઓ ધીમે-ધીમે ઓછી અસર કરી રહી છે અને કદાચ એક સમય એવો આવશે કે આ દવાઓ સદંતર અસર કરતી બંધ થઈ જશે એ ડર એટલે ઍન્ટિબાયોટિક રેઝિસ્ટન્સ. હાલમાં ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચના રિપોર્ટ અનુસાર નરેન્દ્ર મોદીએ આ મુદ્દા તરફ લોકોનું ધ્યાન દોર્યું હતું કારણ કે આપણી કેટલીક ભૂલોને કારણે આ રેઝિસ્ટન્સ ખૂબ જલદી આવી રહ્યું છે. આ પરિસ્થિતિમાં આપણી ફરજ શું છે એ સમજીએ...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં મન કી બાતમાં સમગ્ર દેશવાસીઓને ઍન્ટિબાયોટિકના દુરુપયોગને કારણે આવનારા એક-એક મોટા હેલ્થ પ્રૉબ્લેમ વિશે ચેતવણી આપી ચિંતા વ્યક્ત કરી હતી. ICMR-ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ - ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદની હાલમાં બહાર પાડેલી રિપોર્ટ અનુસાર ભારતમાં ન્યુમોનિયા જેવી જીવલેણ બીમારી અને યુરિનરી ટ્રૅક્ટ ઇન્ફેક્શન (UTI) અથવા મૂત્રમાર્ગનું સંક્રમણ જેવા સામાન્ય રોગમાં ઍન્ટિબાયોટિક દવાઓની અસર ઓછી થઈ રહી છે. એટલે કે રોગ તો થઈ જ રહ્યા છે પણ એ રોગ સામે લડનારી દવાઓની શક્તિ ઓછી થઈ રહી છે, જેનું કારણ છે ઍન્ટિબાયોટિક રેઝિસ્ટન્સ. આ પરિસ્થિતિના એકમાત્ર ઉપાયરૂપ મોદીસાહેબે કોઈ પણ ઍન્ટિબાયોટિક દવાઓ વગર વિચાર્યે ખાવાની માની કરી છે. કોઈ પણ ઍન્ટિબાયોટિક દવા જ્યાં સુધી ડૉક્ટર કહે નહીં ત્યાં સુધી લેવી નહીં અને જેટલા દિવસ ડૉક્ટરે કહ્યું હોય એટલે દિવસ આ દવાઓ ખાવી ખૂબ જ જરૂરી છે. આ રેઝિસ્ટન્સ શું છે અને કેવી રીતે ડેવલપ થાય એ આજે સમજવાની કોશિશ કરીએ.
ADVERTISEMENT
ઘરમાં મચ્છર મારવા માટે તમે મૉસ્કિટો રેપેલન્ટ કૉઇલ કે લિક્વિડ લગભગ બધાએ વાપર્યું જ હશે. એ લિક્વિડ જ્યારે માર્કેટમાં નવું-નવું આવ્યા હતા ત્યારે આપણે એને વાપરીએ કે તરત મચ્છર ભાગી જતા કે મરી જતા. પરંતુ ૨-૪ મહિનામાં બધાને એ અહેસાસ થયો હતો કે પહેલાં મચ્છર જે રીતે ભાગતા હતા, હવે જતા નથી. ૨-૪ બચી જાય છે. એ પછી એક સમય એવો આવે કે એ મૉસ્કિટો રેપેલન્ટ લિક્વિડના મશીનની ઉપર જ મચ્છરો બેઠાં-બેઠાં પાર્ટી કરતા હોય અને એની કોઈ અસર મચ્છરો પર હોય નહીં. એટલે આપણે મસ્તીમાં કહેતા હોઈએ છીએ કે મચ્છરો ઇમ્યુન થઈ ગયા છે. કૉઇલ કે લિક્વિડ કંઈ કામ કરતું નથી તેમના પર. લિક્વિડ તો એ જ છે પણ મચ્છરો પર એની અસર ખતમ થઈ ગઈ છે. એના ઉપાયરૂપે એ પછી માર્કેટમાં સરખી જ બ્રૅન્ડનું નવું લિક્વિડ આવે જેનું પ્રમોશન એમ કરવામાં આવે કે એમાં વધુ પાવર છે. આપણે એ ખરીદી લાવીએ અને ચલાવીએ તો આપણને લાગે કે હા, આ સારું છે. આનાથી બધા મચ્છર જવા લાગ્યા. આ ઉદાહરણ વિશે વાત કરતા ફૅમિલી ફિઝિશ્યન ડૉ. સુશીલ શાહ કહે છે, ‘જ્યારે એ દવા મચ્છરો પર પ્રયોગ કરવામાં આવે ત્યારે પહેલી વારમાં એ મરી જાય, પણ કારણ કે દરેક જીવમાં સર્વાઇવલ ઇન્સ્ટિન્ક્ટ એટલે કે જીવન ટકાવી રાખવાની વૃત્તિ હોય છે એટલે એ આ દવા સામે જીવવા માટે રેઝિસ્ટન્સ ઊભું કરે છે. એટલે કે મચ્છર એટલું સ્ટ્રૉન્ગ થાય છે કે એક સમયે એ મચ્છર મારવાની દવા એના પર કામ કરતી બંધ થઈ જાય છે. એવું જ બૅક્ટેરિયા સાથે થાય છે. બૅક્ટેરિયલ ઇન્ફેક્શન સામે લડવા માટે અમુક દવાઓ છે આપણી પાસે. એ દવાઓ બૅક્ટેરિયા પર ખૂબ સારી રીતે કામ કરી રહી હતી પણ એની સામે જીવન ટકાવી રાખવાનો પ્રયત્ન બૅક્ટેરિયા પણ કરશે જ. એટલે બૅક્ટેરિયાની એક પેઢી એવી આવશે કે જેના પર આ દવા બિલકુલ કામ નહીં કરે. એટલે આપણને દવામાં બદલાવ કરવો પડે છે. ઍન્ટિબાયોટિક દવાઓમાં સમયાંતરે બદલાવ આવ્યા જ કરે છે કારણ કે વધુ ને વધુ સ્ટ્રૉન્ગ બૅક્ટેરિયાની જાત સામે આવતી રહે છે અને તેમની સામે લડવા માટે આપણને સ્ટ્રૉન્ગ દવાઓની સતત જરૂરત પડતી જ રહે છે. પણ એક સમય એવો આવશે કે દવાઓનું લિમિટેશન આવી જશે અને બૅક્ટેરિયા પર કોઈ પણ પ્રકારની દવાઓ કામ નહીં કરે કારણ કે દવાઓ લિમિટેડ છે. આ એક ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે. માનવજાતના અસ્તિત્વ પર પ્રશ્ન ઊભો થઈ શકે આ એટલી ગંભીર પરિસ્થિતિ છે, જેને ઍન્ટિબાયોટિક રેઝિસ્ટન્સ કહેવામાં આવે છે.’
આ જ વાતને વધુ સારી રીતે સમજાવતાં ડૉ. સુશીલ શાહ કહે છે, ‘માની લઈએ કે ન્યુમોનિયાના બૅક્ટેરિયા પર એક પ્રકારની દવા કામ કરી રહી છે. એટલે કે એ દવાથી એના બૅક્ટેરિયા મરી રહ્યા છે. હવે ધીમે-ધીમે જે મરી રહ્યા છે એ બૅક્ટેરિયામાંથી અમુક સશક્ત બૅક્ટેરિયા છે જે-તે દવા સામે લડશે અને જીવતા રહેવાની કોશિશ કરશે અને ધીમે-ધીમે એ દવા સાથે સાનુકૂળતા સ્થાપશે. એ બૅક્ટેરિયામાંથી જે બીજા બૅક્ટેરિયા જન્મશે એ આ શક્તિ સાથે જ જન્મ લેશે અને વધુ પ્રબળતાથી એ દવા સામે લડશે અને અંતે રેઝિસ્ટન્સ પેદા કરશે એટલે કે પછીથી એ દવાની અસર એ બૅક્ટેરિયા પર થશે જ નહીં. આમ એ બૅક્ટેરિયા વધુ શક્તિશાળી બની જશે. વળી મહત્ત્વની વાત એ છે કે આ કોઈ એક બૅક્ટેરિયાની વાત નથી. બૅક્ટેરિયાનો સમગ્ર સમૂહ એ દવા માટે રેઝિસ્ટન્સ ડેવલપ કરશે અને એને કારણે શક્તિશાળી બનેલા આ બૅક્ટેરિયા હવે જે-જે વ્યક્તિ પર અટૅક કરશે તેને એ જૂની દવા લાગુ નહીં જ પડે અને તેના માટે નવી દવાની જરૂર પડશે જે વધુ હાઈ પાવરવાળી હોવી જરૂરી છે. આ સમગ્ર પ્રક્રિયા બીજી દવાઓમાં પણ લાગુ પડે જ છે જે રીતે ઍન્ટિબાયોટિક દવાઓમાં લાગુ પડે છે.’
પરિણામ
દુનિયા ફરીથી એ સમયમાં જઈ રહી છે જ્યાં ઍન્ટિબાયોટિક હતી જ નહીં અને એક સામાન્ય ઇન્ફેક્શન કે નાનકડી ઇન્જરીથી પણ લોકો મરી જતા હતા. ઍન્ટિબાયોટિક એવી દવાઓ છે જેના થકી લોકો લાંબું અને સ્વસ્થ જીવન જીવી શકવા સક્ષમ બન્યા હતા. પરંતુ ફરીથી દુનિયા એ દિશામાં જઈ રહી છે જ્યાં આ દવાઓ કામ નહીં કરે જેનાથી જે વિનાશ સર્જાશે એની તો કલ્પના કરવી પણ મુશ્કેલ છે. આ રેઝિસ્ટન્સને રોકવું તો શક્ય નથી પરંતુ અમુક સામાન્ય બાબતોથી આપણે એને ધીમું પાડી શકીએ છીએ. આ દિશામાં પ્રયત્નશીલ બનીએ.
આપણી ભૂલ શું?
ઍન્ટિબાયોટિક રેઝિસ્ટન્સ થવા પાછળ અમુક ભૂલો આપણી છે.
સામાન્ય શરદી થઈ કે જરાક તાવ આવ્યો કે નૉર્મલ ગળું દુખે છે તો તમે જૂના પ્રિસ્ક્રિપ્શન શોધો છો. એ સમયે ઍન્ટિબાયોટિક લીધેલી તો આ વખતે પણ ઍન્ટિબાયોટિક લેવી જ પડશે એમ ધારીને તમે ડૉક્ટરને પૂછ્યા વગર દવા જાતે શરૂ કરી દો છો?
કોઈ પણ તકલીફ થાય તો ડૉક્ટર પાસે ગયા વગર મેડિકલ સ્ટોરવાળા જે દવા આપે એ દવા તમે લઈ લો છો?
તમને ૫ દિવસની દવા ડૉક્ટરે આપી હોય, પણ ત્રીજા દિવસે સારું લાગે એટલે પછીની બચેલી ૨ દિવસની દવા તમે લેતા નથી?
ડૉક્ટર, કંઈ પણ કરીને બે દિવસમાં મને ઠીક થવું જરૂરી છે. તમે મને હાઈ પાવરની દવા આપી દો એવી આજીજી ડૉક્ટરને કરવી નહીં.
જ્યારે આ પ્રકારની લાપરવાહી થાય છે ત્યારે વ્યક્તિ પોતાને જ નહીં, સમગ્ર કમ્યુનિટીને મુશ્કેલીમાં મુકે છે. ખુદ માટે નહીં તો માનવજાત માટે વિચારો. આ ભૂલો ન કરો કારણ કે આ દરેક કારણ ઍન્ટિબાયોટિક રેઝિસ્ટન્સ તરફ આપણને ધકેલી રહ્યું છે.
શું ન કરવું?
જ્યાં સુધી ડૉક્ટર ન કહે કે આ દવાઓ લેવી જરૂરી છે ત્યાં સુધી ઍન્ટિબાયોટિક દવાઓ ન જ લો. અતિ જરૂરી હોય ત્યારે જ એ દવાઓ લેવી.
ઍન્ટિબાયોટિક દવાઓનો કોર્સ ૩ દિવસનો હોય કે ૫ દિવસનો, એ પૂરો કરવો જરૂરી છે. એને અધૂરો ન છોડો.
મને જલદી ઠીક કરી જ દો. એ માટે હેવી દવાઓ આપો એવી આજીજી ડૉક્ટરને કરવી નહીં.


