ટ્રાન્સપ્લાન્ટ ખૂબ જ ખર્ચાળ હોય છે એટલે જાણવું છે કે શું ઍક્યુટ લિવર ડિસીઝમાં ટ્રાન્સપ્લાન્ટ જ છેલ્લો ઉપાય છે? કે બીજું કંઈ પણ થઈ શકે છે?

પ્રતીકાત્મક તસવીર
મારા પિતા ૫૫ વર્ષના છે અને એમને ૮ વર્ષ પહેલાં ટીબી થયો હતો, જેનો ઇલાજ લાંબો ચાલ્યો. એમાંથી માંડ બહાર આવ્યા કે હવે ખબર પડી છે કે એમના લિવરમાં પ્રૉબ્લેમ છે અને તેમને ઍક્યુટ લિવર ફેલ્યર થઈ ગયું છે. હાલમાં હૉસ્પિટલમાં ઇલાજ ચાલે છે અને એમની હજી અમુક ટેસ્ટ બાકી છે. ટ્રાન્સપ્લાન્ટ ખૂબ જ ખર્ચાળ હોય હોય છે એટલે જાણવું છે કે શું ઍક્યુટ લિવર ડિસીઝમાં ટ્રાન્સપ્લાન્ટ જ છેલ્લો ઉપાય છે? કે બીજું કંઈ પણ થઈ શકે છે?
જવાબ : ટીબીના ઇલાજ પછી તમારા પિતાને ઍક્યુટ લિવર ફેલ્યર થયું છે. જે બાબતે હું માનું છું કે ટીબીનો ઇલાજ જ જવાબદાર હશે. ટીબીને કારણે અમુક ખાસ કેસમાં (બધાને નહીં જ) ઍક્યુટ લિવર ફેલ્યર થઈ શકે છે, કારણકે ટીબીની દવા લેવાથી અમુક દરદીને આ તકલીફ થઈ આવે છે. એ વાત સાચી છે કે લિવર ફેલ્યર થાય તો અંતમાં ઇલાજ ટ્રાન્સપ્લાન્ટ જ માનવામાં આવે છે, પરંતુ દરેક કેસમાં એવું હોતું નથી. છતાં ટ્રાન્સપ્લાન્ટ માટે માનસિક અને આર્થિક રીતે તમે તૈયારી કરી શકો છો, કારણકે એ માટેનો સમય મળે કે ન પણ મળે. જો જરૂરત પડે તો ઘરમાંથી કોણ એમને લિવર ડૉનેટ કરી શકશે એ બાબતે પણ તૈયારી જરૂરી છે.
દરેક ઍક્યુટ લિવર ફેલ્યરના દરદીનો ઇલાજ લિવર ટ્રાન્સપ્લાન્ટ જ હોય એવું નથી. એક રેશિયો મુજબ આ દરદીઓમાંના ૨૫ ટકા દરદીને જ ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડે છે. ૫૦ ટકા દરદી તાત્કાલિક ઇન્ટેન્સિવ કૅર યુનિટમાં થતાં ઇલાજ દ્વારા સાજા થઈ જાય છે. એટલે કે વગર ટ્રાન્સપ્લાન્ટે દવાઓ અને મેડિકલ કૅર દ્વારા એમના લિવરને રિકવર કરવામાં આવે છે. આ કૅરમાં મગજમાં આવી ગયેલા સોજાને ઉતારવામાં આવે છે. જો સોજાને કારણે મગજમાં પાણી ભરાઈ ગયું હોય તો એ પાણીને પણ કાઢવામાં આવે. વ્યક્તિની બધી જ સિસ્ટમ પર લિવર ફેલ થવાને કારણે જે નાની-મોટી અસર થઈ હોય છે એને દૂર કરવામાં આવે અને શરીરની અંદર લિવર ખરાબ થવાને કારણે ટોક્સિનનું પ્રમાણ જે વધી ગયું હોય એને પણ ઓછું કરવામાં આવે છે. આમ ધીમે-ધીમે લિવર રિકવર થાય છે. દરદીને ટ્રાન્સપ્લાન્ટ જ કરવું પડશે કે ઇલાજ દ્વારા એ ઠીક થઈ શકશે એનો નિર્ણય તો ડૉક્ટર જ એમને તપાસીને લઈ શકશે.