આળસને માત્ર ઇચ્છાશક્તિની કમી ન માનતા કાઇઝેન, ઇકિગાઈ, હારા હાચી બુ, શોકુનિન, મોત્તૈનાઈ અને મા જેવી જૅપનીઝ વિચારસરણીથી કામમાં ફોકસ અને પ્રોડક્ટિવિટી વધારવાની રીત જાણો.
આળસ ખંખેરવા અપનાવી જુઓ આ ૭ જૅપનીઝ ફન્ડા
જ્યારે શું કામ કરવાનું છે એનું લિસ્ટ સામે હોય, સમય પણ હોય છતાં કામ શરૂ કરવાની ઇચ્છા જ ન થાય તો મોટા ભાગના લોકો એને લેઝીનેસ માની લે છે, પરંતુ આળસ કરવી એ જૅપનીઝ કલ્ચરમાં ઘોર ક્રાઇમ છે. જૅપનીઝ પ્રોડક્ટિવિટી ફિલોસૉફીમાં આળસને ક્લૅરિટી અને યોગ્ય સિસ્ટમના અભાવને કારણે થતા ડિસઑર્ડર સમાન માનવામાં આવે છે. તો આજે જાણીએ લેઝીનેસ ક્યાંથી જન્મે છે અને જૅપનીઝ માઇન્ડસેટ એને હરાવવામાં કેવી રીતે મદદરૂપ બની શકે છે
સવારે ૭ વાગ્યાનું અલાર્મ વાગે અને તમે સ્નૂઝ બટન દબાવીને હજી પાંચ મિનિટ ઊંઘી લઉં એવું કેટલા દિવસ વિચારો છો? લૅપટૉપની સ્ક્રીન સામે ખુલ્લી હોય, મહત્ત્વનું કામ બાકી હોય છતાં હાથ આપોઆપ ઇન્સ્ટાગ્રામ કે વૉટ્સઍપ પર સ્ક્રોલ કરવા લાગે. ઑફિસના અસાઇનમેન્ટની ડેડલાઇન નજીક આવી રહી હોય છતાં કામ શરૂ કરવાની ઇચ્છા જ ન થાય. આવી સ્થિતિ લગભગ દરેક વ્યક્તિએ ક્યારેક ને ક્યારેક અનુભવી જ હોય છે.
આપણે સામાન્ય રીતે એને લેઝીનેસ, આળસ અથવા કામચોરી કહીને નૉર્મલાઇઝ કરીએ છીએ; પણ જૅપનીઝ શિસ્ત અને પ્રોડક્ટિવિટી ફિલોસૉફી મુજબ સમસ્યા ઘણી વાર ઇચ્છાશક્તિની કમી કરતાં વધુ ક્લૅરિટી, રૂટીન અને યોગ્ય સિસ્ટમના અભાવ સાથે જોડાયેલી હોય છે. મૅનિફેસ્ટેશન અને હીલિંગ કોચ ગાયત્રી શિવરામે સોશ્યલ મીડિયા પર જૅપનીઝ પ્રોડક્ટિવિટી ફિલોસૉફી પર આધારિત કાઇઝેન, ઇકિગાઈ, હારા હાચી બુ, પોમોડોરો માઇન્ડસેટ, શોકુનિન, મોત્તૈનાઈ અને મા આ ૭ જૅપનીઝ ટેક્નિક્સનો ઉલ્લેખ કર્યો હતો. આ ટેક્નિક્સ શું છે અને એ લેઝીનેસને સમજવામાં તથા કામ કરવાની આદતો બદલવામાં કેવી રીતે મદદરૂપ બની શકે છે એ વિશે અનુભવી લાઇફકોચ શિલ્પા ચૌહાણ પાસેથી વિગતવાર જાણીએ અને સમજીએ.
ADVERTISEMENT
કાઇઝેન
કાઇઝેનનો સીધો અર્થ થાય છે સતત અને નાના ફેરફારો દ્વારા મોટું પરિણામ મેળવવું. આપણે ઘણી વાર એક જ દિવસમાં આખું રૂટીન બદલી નાખીશું એવા ભ્રમમાં રહીએ છીએ અને બે દિવસ પછી થાકીને એ રૂટીનને ફૉલો કરવાનું છોડી દઈએ છીએ. ઇન શૉર્ટ, આપણે કન્સિસ્ટન્ટ અને પોતે કરેલા ચેન્જિસ પર કમિટેડ નથી રહેતા. આવી સ્થિતિમાં કાઇઝેન આપણને શીખવે છે કે રાતોરાત મોટો ફેરફાર કરવાને બદલે દરરોજ માત્ર એક ટકો સુધારો કરવો. આ ટેક્નિકને ઉદાહરણ સાથે સમજીએ. જો તમારે પુસ્તક વાંચવાની ટેવ પાડવી હોય તો પહેલા જ દિવસે આખું પુસ્તક વાંચવાનો પ્રયત્ન કરવાને બદલે દરરોજ માત્ર બે પાનાં વાંચવાની શરૂઆત કરો. જો ફિટનેસ મેળવવી હોય તો પહેલા જ દિવસે એક કલાક જિમમાં પરસેવો પાડવાને બદલે દરરોજ ૧૦ મિનિટ ચાલવાનું રાખો. નાની અને સરળ શરૂઆત કરવાથી મગજમાં નિષ્ફળતાનો ડર રહેતો નથી અને કામ કરવાની આદત કેળવાય છે. પ્રેરણા આવે ત્યારે જ કામ શરૂ કરીશું એવી રાહ જોવાની જરૂર નથી, ઘણી વાર કામ શરૂ કર્યા પછી જ અંદરથી એમાંથી ઇન્સ્પિરેશન મળવા લાગે છે.
ઇકિગાઈ
જપાનના આ અભિગમ મુજબ જો કોઈ વ્યક્તિ સતત લેઝીનેસ અનુભવતી હોય તો ઘણી વાર એવું માનવામાં આવે છે કે તેને હજી સુધી પોતાનો ઇકિગાઈ એટલે કે જીવવાનો સાચો હેતુ સ્પષ્ટ થયો નથી. આપણને જ્યારે ખબર નથી હોતી કે આપણે કોઈ કામ શા માટે કરી રહ્યા છીએ ત્યારે ગમે એટલા મોટિવેશન વિડિયો જોશો તો પણ મોટિવેશન મળશે નહીં અને જો મળશે તો પણ ક્ષણભરનું હશે. જેમ કે એક વિદ્યાર્થી માટે જો ભણવાનો હેતુ માત્ર વાલીના ડરથી માર્ક્સ લાવવાનો હશે તો તેને ભણવામાં હંમેશાં આળસ જ આવશે અને તેનું મન નહીં લાગે. તે ફક્ત પેરન્ટ્સના ડરથી જ ભણતો હશે. જો તેને સમજાવવામાં આવે કે આ અભ્યાસ તેના સપનાની કરીઅર બનાવવા માટે કેટલો મહત્ત્વનો છે તો તેને કોઈના પુશ વગર જાતે જ કામ કરવાની પ્રેરણા મળશે. ઇકિગાઈ આપણને આપણી પસંદગી, આપણી કુશળતા અને દુનિયાની જરૂરિયાત વચ્ચેનો સમન્વય શોધવામાં મદદ કરે છે. જે દિવસે તમને કામ પાછળનું અર્થપૂર્ણ કારણ મળી જશે એ દિવસે લેઝીનેસનો સામનો કરવો વધુ સરળ બની શકશે.
હારા હાચી બુ
હારા હાચી બુ એ મૂળભૂત રીતે જપાનના ઓકિનાવા ટાપુમાં રહેતા લોકોની ૮૦ ટકા પેટ ભરીને જમવાની પ્રખ્યાત પરંપરા છે, પરંતુ જૅપનીઝો આ નિયમને પોતાની દૈનિક ઊર્જા અને કામ પર પણ લાગુ કરે છે. તેમનો મુખ્ય સિદ્ધાંત એ છે કે દરરોજ તમારી માનસિક અને શારીરિક ઊર્જાને ૧૦૦ ટકા સુધી વાપરીને પોતાને નિચોવી ન નાખો.
આજના સમયમાં આખો દિવસ સતત વ્યસ્ત રહેવું અને થાકી જવું એ સફળતાનું લક્ષણ માનવામાં આવે છે જે બિલકુલ ખોટું છે. જો તમે આજે જ તમારી ૧૦૦ ટકા ઊર્જા ખતમ કરી દેશો તો આવતી કાલે સવારે કામ કરવા માટે તમારી પાસે કોઈ ઊર્જા જ નહીં બચે. હંમેશાં ૨૦ ટકા ઊર્જા બાકી રાખો જેથી તમે બીજા દિવસે પણ એ જ ઉત્સાહથી કામ પર પાછા ફરી શકો. લાંબા ગાળાની સફળતા સતત દોડવાથી નથી મળતી, યોગ્ય એનર્જી મૅનેજમેન્ટથી મળે છે.
પોમોડોરો માઇન્ડસેટ
અત્યારે મોબાઇલ, સોશ્યલ મીડિયા, ઈ-મેઇલ અને મીટિંગ્સ વચ્ચે આપણે એકસાથે અનેક કામ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. આનાથી આપણું મગજ ખૂબ જ ઝડપથી થાકી જાય છે અને દિવસના અંતે એવું લાગે છે કે આખો દિવસ કામ કર્યું, પણ કોઈ પરિણામ ન મળ્યું. પોમોડોરો માઇન્ડસેટ આપણને એક સમયે માત્ર એક જ કામ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખવે છે. પોમોડોરો મૂળ જૅપનીઝ ટેક્નિક નથી, પરંતુ જૅપનીઝ શિસ્ત અને એકાગ્રતાના અભિગમ સાથે એને ઘણી વાર પ્રોડક્ટિવિટી ટેક્નિક તરીકે જોડીને સમજાવવામાં આવે છે. પોમોડોરો એ ટાઇમ મૅનેજમેન્ટ અને પ્રોડક્ટિવિટી વધારવાની લોકપ્રિય અને સરળ પદ્ધતિ છે. કામ કરતી વખતે ફોન દૂર રાખીને પચીસથી ૩૦ મિનિટ સુધી માત્ર એ જ કામ કરો. એ કામ પૂરું થાય એટલે નાનો વિરામ લો અને પછી જ બીજા કામ પર જાઓ. એક સમયે એક કામ કરવાથી કામની કવૉલિટી વધે છે, માનસિક તનાવ ઘટે છે અને આળસ કે ગૂંચવણનો અનુભવ થતો નથી.
શોકુનિન
શોકુનિનનો અર્થ થાય છે પોતાના કામ કે કૌશલ્ય પ્રત્યે સંપૂર્ણ સમર્પણ અને શ્રેષ્ઠતાનો ભાવ. જપાનમાં કામ નાનું છે કે મોટું એનો કોઈ ભેદભાવ નથી હોતો. ત્યાં એક સુશી શેફથી લઈને રસ્તાની સફાઈ કરનાર કર્મચારી સુધી દરેક વ્યક્તિ પોતાના કામને પૂરી નિષ્ઠા અને ગૌરવ સાથે કરે છે.
આપણે જ્યારે આપણા કામને બોજ કે નાનું માનવા લાગીએ છીએ ત્યારે આળસ જન્મે છે, પણ જ્યારે આપણે એ વિચારવા લાગીએ છીએ કે હું જે પણ કામ કરી રહ્યો છું એમાં મારી નિષ્ઠા અને શ્રેષ્ઠતા દેખાવી જોઈએ ત્યારે આળસ આપોઆપ મૂળમાંથી જ નાશ પામે છે. ગૃહિણી તરીકે ઘર સંભાળવું હોય, ઑફિસમાં રિપોર્ટ તૈયાર કરવો હોય કે કોઈ પ્રોજેક્ટ બનાવવો હોય; બધાં જ કામને ગર્વથી અને મનથી કરવાની ટેવ હંમેશાં ઉત્સાહી રાખશે.
મોત્તૈનાઈ
મોત્તૈનાઈ એ કુદરતી સંસાધનો કે વસ્તુઓનો બગાડ ન કરવાની જૅપનીઝ વિચારસરણી છે જેને જીવનમાં સમય અને શક્તિના બગાડ સાથે પણ જોડવામાં આવે છે. નકામા વિચારોમાં કે સોશ્યલ મીડિયાના બિનજરૂરી સ્ક્રોલિંગમાં સમય વિતાવવો એ પણ એક પ્રકારનો મોત્તૈનાઈ એટલે કે બગાડ જ છે. જપાનમાં નવરા બેસી રહેવાને આરામ નથી માનવામાં આવતો. આરામ પણ હંમેશાં ઇરાદાપૂર્વકનો હોવો જોઈએ, બિનજરૂરી આળસ નહીં. સમય નથી એવું કહેતાં પહેલાં આપણે જાતને પૂછવું જોઈએ કે આપણી ઊર્જા અને સમય ખરેખર ક્યાં વપરાઈ રહ્યાં છે. સમય અને શક્તિની કદર કરવાથી આપણું મગજ નકામી ગૉસિપ કે આળસમાં સમય બગાડવાને બદલે અર્થપૂર્ણ કામ તરફ વળે છે.
મા
જૅપનીઝ કલા અને જીવનશૈલીમાં મા એટલે બે વસ્તુઓ કે ક્ષણ વચ્ચેની અર્થપૂર્ણ જગ્યા. જીવનની સતત દોડધામ વચ્ચે વિરામ લેવો એ આળસ નથી પરંતુ આગળના કામ માટેનો એક જરૂરી રીસેટ છે. અહીં સૌથી મહત્ત્વનો તફાવત એ છે કે આરામ અને આળસ વચ્ચે ઇરાદો હોવો જોઈએ. તમે જ્યારે સતત કામ કરીને થાકી જાઓ ત્યારે કોઈ પણ પ્રકારના અપરાધભાવ વગર પ્રકૃતિ સાથે સમય વિતાવો, શાંતિથી બેસો કે ડિજિટલ ડીટૉક્સ કરો. આ ઇરાદાપૂર્વક લીધેલો વિરામ આપણને આગળના લક્ષ્ય માટે નવી ઊર્જા અને સ્પષ્ટતા આપે છે.
જો તમારી વર્ક-સ્પેસ કે રૂમમાં અસ્તવ્યસ્ત સામાન પડેલો હશે તો તમારું મગજ આપમેળે કંટાળો અને આળસ અનુભવશે. આસપાસની જગ્યાને સાફ અને વ્યવસ્થિત રાખવાથી તેમ જ કામનું લિસ્ટ આંખ સામે સ્પષ્ટ રાખવાથી મગજને ક્યાંથી શરૂઆત કરવી એનો સ્પષ્ટ સંદેશ મળે છે. યોગ્ય સિસ્ટમ હોવાથી નિર્ણય લેવાનો થાક ઘટશે અને તમે આળસ કર્યા વગર સીધા કામમાં લાગી શકશો. આળસનો વિરોધ સતત વગર વિચારે કામ કરતા રહેવું નથી, સમજણપૂર્વક અને ચોક્કસ દિશામાં કામ કરવું છે. પોતાને કે બાળકોને આળસુનું લેબલ લગાવવાને બદલે એ સમજવું જોઈએ કે આપણે ક્યાં અને શા માટે અટકી રહ્યા છીએ. જ્યારે જીવનમાં સ્પષ્ટ હેતુ, નાની શરૂઆત, એકાગ્ર પ્રયત્ન અને યોગ્ય સમયે આરામનો સમન્વય થાય છે ત્યારે આળસ ઓછી થવા લાગે છે અને લાંબા ગાળે સફળતાનો માર્ગ વધુ મજબૂત બને છે.
ડેઇલી લાઇફમાં આ ફિલોસૉફી કેવી રીતે અપનાવશો?
રોજ સવારે આખા દિવસનાં કામોનો પહાડ જોઈને મગજ થાકી જાય છે. મોટો ટાર્ગેટ બાજુ પર મૂકીને નાનાં કામ પૂરાં કરવાની ટેવ પાડવાથી કામ સરળતાથી શરૂ થઈ જશે.
આખો દિવસ મગજને સતત દોડાવવાને બદલે માત્ર ૨૫-૩૦ મિનિટ એકચિત્તે કામ કરીને પછી અચૂક પાંચ મિનિટનો બ્રેક લેવાથી સાંજ સુધી તમારી એનર્જી અને ફોકસ લેવલ એકસરખાં જળવાઈ રહેશે અને બ્રેઇન ડ્રેઇન થતું અટકશે.
દેખાદેખીવાળા સમયમાં હું આ કામ શા માટે કરું છું? એનો પર્સનલ હેતુ સ્પષ્ટ થવાથી બહારથી મોટિવેશન લેવાની કે ઇન્સ્પાયર કરે એવા વિડિયો જોવાની જરૂર નહીં પડે. અંદરથી જ સતત કામ કરવાનો ઉત્સાહ રહેશે.
પોતાની ૧૦૦ ટકા શક્તિ એક જ દિવસમાં નિચોવી દેવાને બદલે હંમેશાં ૨૦ ટકા એનર્જી બૅલૅન્સ રાખવાથી ડિપ્રેશન, તનાવ અને શારીરિક થાક જેવા પ્રશ્નોમાંથી કાયમી મુક્તિ મળશે. આનાથી શારીરિક અને માનસિક થાક લાગવાનું પ્રમાણ ધીમે-ધીમે ઓછું થશે.
દરેક નાના કામમાં સંતોષ અને ક્વૉલિટી રાખવી જોઈએ. કામ નાનું-મોટું વિચારવાને બદલે એને પર્ફેક્શન સાથે કરવાની વૃત્તિથી તમારા કામની ગુણવત્તા આપોઆપ વધી જશે.
નકામા સ્ક્રોલિંગ, ગૉસિપ કે વિચારવામાં વેડફાતો સમય તમારી એનર્જી અને પ્રોડક્ટિવિટીને ઓછી કરવાનું કામ કરે છે. આને તમે ઓછું કરશો તો મારી પાસે સમય નથી એવી કાયમી ફરિયાદ દૂર થશે અને પર્સનલ લાઇફ માટે પૂરતો સમય મળશે.
કામની વચ્ચે કે દિવસના અંતે લેવાયેલો વિરામ સમયનો બગાડ નથી પરંતુ મગજને રીસેટ કરવાની પ્રોસેસ છે એ સમજાતાં આરામ કરતી વખતે થતી ગિલ્ટ દૂર થશે.
