Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > આ વડાપાંઉમાં એવું તો શું વિશિષ્ટ છે?

આ વડાપાંઉમાં એવું તો શું વિશિષ્ટ છે?

20 May, 2021 11:27 AM IST | Mumbai
Bhavini Lodaya

માઉથ ટુ માઉથ પબ્લિસિટીથી શરૂ થયેલી આ સ્વાદસફર હવે સ્વાદ બાય આરતીના નામે ઇન્સ્ટાગ્રામ અને સોશ્યલ મીડિયા થકી આખા મુંબઈમાં ગમે ત્યાં ગુજરાતી ફૂડ પહોંચાડે છે

આ વડાપાંઉમાં એવું તો શું વિશિષ્ટ છે?

આ વડાપાંઉમાં એવું તો શું વિશિષ્ટ છે?


સોસાયટીના ફ્રેન્ડ્સ માટે બનાવેલાં આ વડાપાંઉએ પરેલમાં રહેતાં સ્પોર્ટ્સ ટીચર આરતી મહેતાને હોમ શેફ બનાવી દીધાં છે. માઉથ ટુ માઉથ પબ્લિસિટીથી શરૂ થયેલી આ સ્વાદસફર હવે સ્વાદ બાય આરતીના નામે ઇન્સ્ટાગ્રામ અને સોશ્યલ મીડિયા થકી આખા મુંબઈમાં ગમે ત્યાં ગુજરાતી ફૂડ પહોંચાડે છે

ગયા વર્ષે શરૂ થયેલો કોરોના મહામારીનો સમય એટલે કપરો સમય એ બધાને ખબર છે, પરંતુ કહેવાય છે કે જેમ સિક્કાની બે બાજુ હોય એમ જીવનનું પણ આવું જ છે. સુખ-દુઃખ અને તડકો-છાયો. આમ નેગેટિવિટીની એક બાજુએ અસંખ્ય લોકોને નોકરી-ધંધા અને વ્યવસાયની મંદીનો માર પડ્યો, પણ આ કપરો સમય પૉઝિટિવિટીની બીજી બાજુ એટલે કે ઘણા લોકો માટે વરદાનરૂપ સાબિત થઈ રહ્યો છે. આજે આપણે એવા જ એક ઉદાહરણની વાત કરીશું જેમના માટે કોરોનાનો કપરો સમય સફળતાનો સુવર્ણ સમય બની ગયો. 


પરેલમાં રહેતાં ૪૭ વર્ષનાં ઍથ્લેટિક્સ, જિમ્નૅસ્ટિક, ફુટબૉલ, બાસ્કેટબૉલ જેવા આફ્ટર-સ્કૂલ પ્રોગ્રામ કન્ડક્ટ કરતાં ટીચર આરતી વિકાસ મહેતાને કલ્પના પણ નહોતી કે તેમનામાં રહેલું પૅશન પ્રોફેશન બની જશે અને મસ્તી-મસ્તીમાં સોસાયટીના ફ્રેન્ડ્સ માટે બનાવેલી ફૂડ-આઇટમ ધીરે-ધીરે ઑલઓવર મુંબઈમાં ઘરે-ઘરે પહોંચતી થઈ જશે.

જસ્ટ ફ્રેન્ડ્સ માટે મોજ ખાતર બનાવેલાં વડાપાંઉમાંથી કઈ રીતે હોમ શેફ બનવાની નવી દિશા સાંપડી એ વિશે વાત કરતાં આરતી મહેતા કહે છે, ‘ગયા વર્ષે કડક લોકડાઉન હતું અને બહાર સ્ટ્રીટ-ફૂડ મળતું બંધ થઈ ગયું હતું ત્યારે સોસાયટીના વૉટ્સઍપ ગ્રુપ પર વડાપાંઉની વાત નીકળી. સૌએ મને કહ્યું કે તું બનાવ. મેં ૧૨૦ વડાપાંઉ બનાવ્યાં જે બધાને બહાર જેવાં જ સ્વાદિષ્ટ લાગ્યાં. લોકોને બહારનું ખાવાનું આમેય ઘણું ગમતું હોય છે એટલે વડાપાંઉ પછી સોસાયટીના ફ્રેન્ડ્સની ફરમાઇશ આવી કે તું પૈસા લઈ લે, પણ અમને નવી-નવી ડિશ બનાવીને ખવડાવ. મને પણ નવરાશના સમયમાં ગમતા ટાઇમપાસની ઍક્ટિવિટી મળી ગઈ એટલે મેં હા પાડી દીધી. ત્યાર બાદ તો રગડા-પૅટીસ, દાબેલી એમ એક-એક ડિશ બનાવતી ગઈ અને તેમને એ ડિશ ભાવતી ગઈ. તેમને તો મજા પડી ગઈ. બધાના ઘરે કૂક અને મેઇડને આવવા પર એ સમયે રોક હતી એટલે વર્ક ફ્રૉમ હોમવાળાઓને જમવાનું બનાવવાનો ખૂબ પ્રૉબ્લેમ થતો હતો. એટલે જેમ-જેમ ખબર પડતી ગઈ એમ-એમ આસપાસની સોસાયટીવાળાઓ પણ ઑર્ડર આપવા લાગ્યા. ધીરે-ધીરે લંચ અને ડિનર જેવા ફૂડ-મીલના ઑર્ડર શરૂ થઈ ગયા. મારા બિલ્ડિંગમાં મિક્સ કમ્યુનિટીના લોકો રહે છે. એ લોકોને ગુજરાતી જમવાનો સ્વાદ તો જાણે દાઢે ચડી ગયો હોય એમ ૩૦૦ થેપલાં, ૩૦૦ પરાઠા, ઢોકળાં, પૂરણપોળી, ખાંડવી, પાતરાં જેવા ઑર્ડર પુષ્કળ મળવા લાગ્યા. આ સાથે પીઝા, પાસ્તા, ચાઇનીઝ, કૉન્ટિનેન્ટલ એમ તમામ રેસિપીના અને ખાસ ગુજરાતી ફૂડમાં આપણી કૂણી-કૂણી રોટલીના પુષ્કળ ઑર્ડર આવવા લાગ્યા. લોકો રીતસર ૧૦૦થી ૧૫૦ રોટલી સાથે લઈ જતા અને ડીપ ફ્રીઝ કરતા. આમ લોકોના સ્વાદ અને સજેશન પ્રમાણે ટ્રાય અને એરર દ્વારા નવી-નવી વાનગીઓ ઍડ કરતી ગઈ.’
ત્રણ મહિના સુધી ઘરેથી ફૂડ બનાવવાના એટલા ઑર્ડર મળ્યા કે તેમણે આ નવી દિશાને જ પ્રોફેશન બનાવવાનું નક્કી કરી લીધું અને જુલાઈ મહિનામાં હોમ શેફ તરીકે ‘સ્વાદ’ના નામે ફૂડ-બિઝનેસ શરૂ કરી દીધો.  

મમ્મીની તાલીમ કામ લાગી
મારું જમવાનું પહેલેથી જ સારું બનતું હતું એમ જણાવતાં આરતીબહેન કહે છે, ‘મારા પપ્પા દિનેશભાઈ ગાંધી ફિલ્મ-પ્રોડ્યુસર હતા એટલે રાત્રે લેટ નાઇટ આવવું-જવું રહેતું હતું. ઘણી વાર તેઓ લેટ નાઇટ અચાનક મમ્મીને કૉલ કરતા કે દસ જણ આવીએ છીએ, જમવાનું બનાવીને રેડી રાખ. મારી મમ્મી રાત્રે બાર વાગ્યે પણ દાળ, ભાત, શાક, રોટલી એમ વ્યવસ્થિત જમવાનું બનાવતાં. પપ્પા ખૂબ જ સ્ટ્રિક્ટ હતા. અમારા ઘરે નોકર-ચાકર હતા, પણ જમવાનું બનાવતાં આવડવું જોઈએ એવું તેમનું દૃઢપણે માનવું હતું. રોટલીની થપ્પી બરાબર ન થાય તો મમ્મી હાથમાં વેલણ મારતી. તેમણે શીખવાડેલી રસોઈની કળા મને વારસામાં મળી છે. આજે લોકો મારી બનાવેલી ફૂલકા રોટલીનાં વખાણ કરતાં થાકતા નથી.’
તેલ-મસાલા ઓછા, સ્વાદ વધુ
ઝીણી-ઝીણી બાબતોનું ધ્યાન રાખવાથી રસોઈનો સ્વાદ બમણો થાય છે એમ જણાવીને આરતીબહેન કહે છે, ‘તેલથી તરવરતાં શાક અને ભરપૂર મસાલાથી ફૂડ સ્વાદિષ્ટ નથી બનતું. હું જે પણ જમવાનું બનાવું છું એમાં તેલ-મસાલાનું ખાસ ધ્યાન રાખું છું. ખૂબ જ ઓછા તેલ અને ઓછા મસાલાવાળું જમવાનું બનાવું છું. એમાં પણ ડાયાબિટીઝ, બ્લડ-પ્રેશર કે બીજી કોઈ પણ બીમારી ધરાવતા લોકો માટે હું તેમની બીમારીને અનુરૂપ અને બાળકો માટે ઓછા મરચાવાળું, મોળું એમ ઑર્ડર મુજબ બનાવી આપું છું. આ વિશેષતાને કારણે હૉસ્પિટલના ડૉક્ટરો, કોવિડ પેશન્ટ્સ, ક્વૉરન્ટીન ફૅમિલી બધાને મારું જમવાનું ગમે છે.’
અપના હાથ જગન્નાથ
 જમવાનું બનાવવાનું, પૅકિંગ કરવાનું બધું એકલા હાથે સંભાળનારાં આરતીબહેન કહે છે, ‘ચાર ગૅસ પર ચાર વસ્તુ એકસાથે બનાવું છું. સ્ત્રી એટલે અન્નપૂર્ણા. તે પોતાના હાથે બનાવીને ખવડાવે એનો સ્વાદ અનેરો હોય. લોકોને શુદ્ધ અને સાત્ત્વિક જમવાનું મળે એની જવાબદારી મારી છે. એક નાનકડો વાળ પણ જો જમવામાં પડી જાય તો હાઇજીન ન જળવાય. ‘સ્વાદ’ મારું જન્મ આપેલું એક બાળક છે. હું એને બીજાના ભરોસે ન મૂકી શકું. પૅકિંગ જો બરાબર ન થાય તો દાળ-શાક ઢોળાઈ જાય, જે મને પસંદ નથી. આમ આ બન્ને વસ્તુ હું મારા સિવાય કોઈની પાસે કરાવતી નથી. હા, કટિંગ-ચૉપિંગ માટે મારી હેલ્પર છે. મારી દીકરીઓ પણ ભણવામાંથી સમય મળે તો મને મદદ કરે છે. મારી મોટી દીકરી ગ્રાફિક ડિઝાઇનર છે. તેણે સોશ્યલ મીડિયા પર ફૂડ-ફોટોગ્રાફીનું કામ સંભાળી લીધું છે. મારા હસબન્ડ પણ મૉરલ સપોર્ટમાં મારી સાથે જ છે.’
બલ્ક ઑર્ડર પણ 
એકલા હાથે બનાવતાં ઘણી વાર થાક લાગે, પણ થોડી વારમાં પાછી ઊભી થઈ જાઉં છું એમ જણાવીને આરતીબહેન કહે છે, ‘ઘણી વાર સવારમાં ચાર વાગ્યાથી લઈને રાત સુધી સળંગ ઊભા રહેવું પડે. સ્પેશ્યલી દિવાળીના દિવસોમાં કૉર્પોરેટ કંપનીમાંથી ૯૦૦ ફૂડ-હૅમ્પરના ઑર્ડર હતા. એમાં ૯૦૦ બુંદીના લાડુ, મોહનથાળ જેવા ઑર્ડર હતા. ત્રણ દિવસમાં ત્યારે માત્ર અડધો કલાકની નીંદરમાં કામ કર્યું છે. સતત આખો દિવસ કામ ચાલવાને કારણે ઘણી વાર પગે સોજા આવી જતા અને શરીર દુખવા લાગે, પણ થોડી વારમાં જ મનમાં વિચારો આવવા લાગે કે કેટલું સરસ નામ થઈ રહ્યું છે, પૈસા મળી રહ્યા છે અને લોકોના પ્રશંસાના રિવ્યુ યાદ આવે એટલે તરત ખુશી થાય જે ટૉનિકનું કામ કરે છે. ફૂડ-બિઝનેસ હવે મારું જીવન બની ગયું છે.’

ક્યાંથી ઑર્ડર કરી શકાય?
ગુજરાતી લંચ અને ડિનર તેમ જ ફરસાણ અને મીઠાઈની આઇટમો ઍડ્વાન્સમાં ઑર્ડર કરીને મગાવી શકાય છે. એ માટે ઇન્સ્ટાગ્રામ @swaadbyaarti પર જઈને ‌વધુ વિગતો મેળવી શકાશે.

 સોસાયટીના ફ્રેન્ડ્સની ફરમાઇશ આવી કે તું પૈસા લઈ લે, પણ અમને નવી-નવી ડિશ બનાવીને ખવડાવ. મને આઇડિયા ગમી ગયો ને એમાંથી શરૂ થઈ સાવ નવી જ દિશા. - આરતી મહેતા, હોમ શેફ

Whatsapp-channel Whatsapp-channel

20 May, 2021 11:27 AM IST | Mumbai | Bhavini Lodaya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK