અહીં શીખો
જોડિયા ગામનો પ્રખ્યાત શિયાળુ ઘૂંટો
સામગ્રી : રીંગણ ૨૫૦ ગ્રામ
બટાટા (આલૂ) ૪થી ૫ નંગ
ADVERTISEMENT
નાની દૂધી ૧ નંગ
નાનું ફ્લાવર ૧ નંગ
કોબીજ (પત્તા ગોબી) ૨૫૦ ગ્રામ
તૂરિયાં ૨ નંગ
વટાણા ૨૫૦ ગ્રામ
તુવેર ૨૫૦ ગ્રામ
ડુંગળી (અન્યન) ૨ નંગ
લસણની લાલ સૂકી ચટણી ૨ ચમચી
ઘૂંટો બનાવવાની રીત : ૧. શાક બાફીને તૈયાર કરવાં : બધાં જ શાક (રીંગણ, બટાટા, દૂધી, ફ્લાવર, કોબીજ, તૂરિયાં, વટાણા, તુવેર)ને વ્યવસ્થિત ધોઈને મોટા ટુકડામાં કાપી લો.
આ બધાં શાકને કુકરમાં લો અને એમાં જરૂર મુજબ પાણી અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને ૩ સીટી વગાડીને બાફી લો.
કુકરની વરાળ આપોઆપ નીકળી જાય પછી બાફેલાં શાકભાજીને એક ઝેરણી (મૅશર)ની મદદથી સારી રીતે ઝેરી (મૅશ) લો અને ઘૂંટો તૈયાર કરો.
૨. વઘાર કરવો : એક જાડા તળિયાવાળી કડાઈ અથવા મોટા પૅનમાં ૨ મોટા ચમચા તેલ ગરમ કરો.
તેલ ગરમ થાય એટલે એમાં ૧ ચમચી રાઈ અને ૧ ચમચી જીરું ઉમેરો. રાઈ તતડી જાય એટલે ચપટી હિંગ ઉમેરો.
ત્યાર બાદ એમાં ૨ ચમચી લસણની લાલ સૂકી ચટણી ઉમેરીને થોડી સેકન્ડ સાંતળો.
હવે એમાં સમારેલી ડુંગળી ઉમેરીને આછી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળી લો.
પછી એમાં સમારેલાં ટમેટાં નાખીને ટમેટાં નરમ થઈ જાય અને તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળી લો.
૩. મસાલા અને ઘૂંટો ઉમેરવો : ડુંગળી-ટમેટાં સંતળાઈ જાય એટલે એમાં ૧ ચમચી કાશ્મીરી લાલ મરચું પાઉડર, ૧ ચમચી ધાણાજીરું પાઉડર અને ૧/૨ ચમચી હળદર પાઉડર ઉમેરીને બરાબર મિક્સ કરો.
ત્યાર બાદ એમાં કાચા શિંગદાણા ખાંડીને નાખી દો અને મિક્સ કરો.
હવે એમાં બાફેલો અને ઝેરેલો ઘૂંટો (મિશ્રણ) ઉમેરી દો.
બધા મસાલા ઘૂંટામાં બરાબર મિક્સ થઈ જાય અને ઘૂંટો થોડી વાર ઉકળે ત્યાં સુધી એને ગરમ કરો. જો ઘૂંટો વધારે જાડો લાગે તો થોડું ગરમ પાણી ઉમેરી શકાય છે.
પીરસવાની રીત : ગરમાગરમ જોડિયા ગામનો પ્રખ્યાત શિયાળુ ઘૂંટો બાજરીના રોટલા સાથે પીરસો. સાથે ગોળ અને છાશ હોય અને સૅલડ હોય તો સ્વાદ બમણો થઈ જશે.
- રેશમા કાનાણી
(તમે પણ મોકલી શકો છો રેસિપી : સાથે વાનગીનો ફોટો હોવો જરૂરી. તમારા નામ, ફોટો અને ફોન-નંબર સાથે gujmid@gmail.com પર ઈમેઇલ કરો. સિલેક્ટેડ રેસિપી પ્રકાશિત થશે.)


