‘મીરા’, ‘રામાયણ’, ‘વીર શિવાજી’ જેવી અનેક માઇથોલૉજિકલ ટીવીસિરિયલોના લીડ રોલથી લઈને ‘બાગી’, ‘બાગી-૨’, ‘રજ્જો’ અને ‘ફોર્સ-૨’ જેવી અઢળક ફિલ્મો કરી ચૂકેલો પારસ અરોરા દુનિયાની કોઈ પણ વરાઇટીની સામે માના હાથના ફૂડને પ્રથમ સ્થાને મૂકે છે
પારસ અરોરા
જો કોઈ મને પૂછે કે વર્કઆઉટ મારા માટે શું છે તો હું જવાબ આપીશ કે એ મારા માટે મેડિટેશન છે.
તમે જ્યારે વર્કઆઉટ કરતા હો ત્યારે એકદમ ફોકસ હો છે અને ફોકસ મન હંમેશાં શાંત હોય. મેં આ વાત રીતસર ફીલ કરી છે. વર્કઆઉટ એક જ વાત એવી છે જે મને મારી જાત સાથે બાંધી રાખે છે. એ વખતે મારા મનમાં કોઈ બીજા વિચારો ચાલતા નથી. કોઈ સ્ટ્રેસ નહીં, કોઈ ટેન્શન નહીં, દોડીને ક્યાંય પહોંચવાની ઉતાવળ નહીં. બસ, હું અને મારું બૉડી. હું એ લોકોને ઍડ્વાઇઝ આપીશ જેઓ વર્કઆઉટ કરતાં-કરતાં વાતો કરતા હોય છે કે મ્યુઝિક સાંભળતા હોય છે. નહીં કરો એવું. તમે તમારી જાતને આરામથી મળી શકો એવું કંઈ હોય તો એ વર્કઆઉટ છે. વર્કઆઉટ દરમ્યાન તમે જો સચેત થઈને જુઓ તો તમને રીતસર બૉડીમાં ચાલતા ફેરફારોની ખબર પડે. તમારી વધતી ધડકન પણ તમને સંભળાય અને તમારા પગના ઘૂંટણમાં થતા ફેરફારો પણ તમે નોટ કરી શકો.
ADVERTISEMENT
મારી બીજી પણ એક ઍડ્વાઇઝ છે. વર્કઆઉટ દરમ્યાન વારંવાર બ્રેક લેવો પણ બરાબર નથી. ચાલુ મીટિંગે વારંવાર ઊભા થતા રહો, બહાર જતા રહો કે પછી મોબાઇલમાં બિઝી થતા રહો તો જેની સાથે મીટિંગ ચાલતી હોય તેને કેવું લાગે. બસ, એવું જ અહીં પણ છે. તમારા અને તમારા બૉડી વચ્ચેની આ એક એવી ડેટ છે જેને તમારે એન્જૉય કરવાની છે. એટલે વર્કઆઉટ દરમ્યાન કોઈ જાતનું ચીટિંગ નહીં અને ફોકસ ચેન્જ નહીં કરવાનું. આ બધી વાત અત્યારે કરવાનું મેઇન કારણ એ છે કે આજે આપણે વાત કરવાના છીએ ફૂડની અને ફૂડની બાબતમાં પણ હું એવું જ માનું છું કે બૉડી સાથે કોઈ ચીટિંગ નહીં કરવાની. જે ચીજ નહીં ખાવાનું નક્કી કર્યું હોય એ ચીજ ખાવા માટેનાં બહાનાંઓ નહીં શોધવાનાં.
મારી વાત કરું તો હું ગ્લુટન નથી લેતો તો પછી ક્યારેક કોઈ એવી જગ્યાએ ઘઉંની રોટી હોય તો હું સ્ટ્રિક્ટ્લી અવૉઇડ કરું. માત્ર દાળ અને સૅલડ પર મેં મારું લંચ પૂરું કરી લીધું હોય એવું પણ બન્યું છે અને એ પછી પણ મેં મારા એ મીલને બરાબર એન્જૉય પણ કર્યું હોય છે.
ગમતું ખાવું જ ખાવું| હું ફૂડી છું એવું કહેવાને બદલે કહીશ કે હું ફૂડ મારા મનમાં નથી રાખતો. મને સ્વીટ્સ બહુ ભાવે તો હું એને ક્યારેય અવૉઇડ ન કરું. હું એ ખાઉં જ ખાઉં, પણ એની મર્યાદા ક્યારેય છોડું નહીં. રાજસ્થાની અને બેંગોલી સ્વીટ્સ મારી ફેવરિટ છે તો અત્યારે ગણપતિના દિવસોમાં અલગ-અલગ મોદકની પણ મજા સાવ જુદી હોય છે. મેં તમને કહ્યું એમ ના કોઈ ચીજની પાડું નહીં, પણ ઓવરઈટિંગ કરવાનું નહીં. આપણા બૉડીને ક્યારેય કોઈ એકાદ વરાઇટી નુકસાન કરતી હોય એવું હું માનતો જ નથી. આપણા બૉડીને ખરાબ કરવાનું કામ માત્ર ને માત્ર ઓવરઈટિંગ જ કરે છે. બાકી મારું માનવું છે કે આપણા બૉડીમાં એટલો પાવર તો છે જ કે એ કંઈ પણ ડાયજેસ્ટ કરી શકે.
ઓવરઈટિંગ જો તમે અવૉઇડ કરી શકો તો તમારે ચીટ-ડે રાખવાની કોઈ જરૂર પડે જ નહીં.
રાજમા-ચાવલ અને ઇડલી| આ બન્ને વરાઇટી એવી છે કે તમે મને આખું વર્ષ આપો તો પણ મારી સાઇડથી કોઈ કમ્પ્લેઇન ન આવે. ઇડલીની તો બ્યુટી એ જ છે કે એ હેલ્થ માટે પણ બહુ લાભદાયી છે તો રાજમા-ચાવલ પણ જો વધારે પડતા મસાલેદાર બનાવવામાં ન આવ્યા હોય તો એ પણ હેલ્થ માટે બેસ્ટ છે. આ ઉપરાંત ખીચડી પણ મારી ફેવરિટ છે અને હેલ્થ માટે બેસ્ટ છે. એક વાત કહું. હું પર્સનલી માનું છું કે હેલ્થ માટે સૌથી બેસ્ટ જો કંઈ હોય તો એ છે મા કે હાથ કા ખાના અને દુનિયામાં મારું સૌથી ફેવરિટ ફૂડ જો કોઈ હોય તો એ આ જ છે - મારી માના હાથનું ફૂડ.
હું જ્યારે પણ એ ફૂડ ખાતો હોઉં ત્યારે એક પણ જાતની પરેજી યાદ રાખતો નથી કે વર્કઆઉટના નિયમો પણ મનમાં રાખતો નથી. પનીર પણ મારી ફેવરિટ આઇટમ છે. તમે એમાંથી કશું પણ બનાવો, મારી ના હોય જ નહીં. પનીર ચિલ્લાથી માંડીને, પનીર ભુરજી, પનીર રોટી, પનીર સૅન્ડવિચ જેવી અનેક વરાઇટી મેં ટ્રાય કરી છે અને એણે મને મજા પણ કરાવી છે.
ચૉકલેટનો એક નાનકડો ટુકડો મારો મૂડ ચેન્જ કરવાનું અકસીર કામ કરે છે. હું જ્યારે પણ થાક્યો હોઉં કે મૂડલેસ હોઉં ત્યારે ચૉકલેટનો એક નાનો પીસ ખાઉં અને થોડી જ મિનિટોમાં મારો આખો મૂડ ચેન્જ થઈ જાય, થાક ભાગી જાય.
નો, નેવર ફાઇવસ્ટાર| હું કહીશ કે જો તમારે આપણા ફૂડનો અસલી સ્વાદ માણવો હોય તો ફાઇવસ્ટાર હોટેલમાં જવાને બદલે તમારે સ્ટ્રીટ-ફૂડ એક્સપ્લોર કરવું. આપણા જેટલું રિચ સ્ટ્રીટ-ફૂડ દુનિયામાં ક્યાંય નહીં હોય એની હું તમને ગૅરન્ટી આપી શકું. આપણે ત્યાં પાંચ રૂપિયાની વરાઇટીથી લઈને પાંચસો-સાતસો રૂપિયા સુધીની વરાઇટી સ્ટ્રીટ-ફૂડમાં મળતી હોય છે. મને લાગે છે કે આપણો એકમાત્ર દેશ એવો હશે જેની પાસે આટલા પ્રકારની વરાઇટી હશે. સ્ટ્રીટ-ફૂડ ઉપરાંત આપણે ત્યાં મીઠાઈની બાબતમાં પણ જેટલી વરાઇટી છે એટલી વરાઇટી દુનિયામાં બીજા કોઈ પાસે નહીં હોય એ પણ હું તમને દાવા સાથે કહું.
કુકિંગની બાબતમાં હું કંઈ માસ્ટર નથી. ક્યારેક-ક્યારેક મેં બનાવવાની ટ્રાય કરી હોય, પણ એ નોટિસેબલ નથી. હા, હું ચા સરસ બનાવું છું અને બ્લૅક ટીની બાબતમાં તો મેં ઘણા અખતરા પણ કર્યા છે. જો હું એકલો હોઉં તો મારા માટે હું આજે પણ અલગ-અલગ પ્રકારની બ્લૅક ટી બનાવું છું. એમાં મેં હમણાં જિંજર-કોરિયેન્ડર બ્લૅક ટીનું નવું સંશોધન કર્યું છે.
ગોલ્ડન વર્ડ્સ
જો ફૂડ તમારો મૂડ ચેન્જ કરવાનું કામ કરે તો માનવું કે તમારું બૉડી અને માઇન્ડ બન્નેની હાર્મની એકસરખી છે, જે બહુ ઓછા લોકોના નસીબમાં આવતી હોય છે. હું એવો જ છું. ફૂડ મારો મૂડ ચેન્જ કરી નાખે છે.


