એક મહિના પહેલાં જ મહાવીરનગરમાં શરૂ થયેલા કાશી સમોસા ભંડારમાં ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રિયન સ્ટાઇલનું ચટપટું કૉમ્બિનેશન છે.
કાશી સમોસા ભંડાર
કાશી શહેરની ચાટ-આઇટમ્સ ખૂબ પ્રખ્યાત છે. ખાસ કરીને તેમના સમોસા. એ કાશીમાં સૌથી લોકપ્રિય નાસ્તામાંની એક આઇટમ છે. કાશીમાં સમોસાને સામાન્ય રીતે ફુદીના અથવા આમલીની ચટણી જેવી અલગ-અલગ ચટણી સાથે પીરસવામાં આવે છે અને એ પણ પાન પર. આવી રીતે ખાવાની મજા જ કંઈક અલગ હોય છે જે ભાગ્યે જ અન્ય શહેરોમાં માણવા મળતી હોય છે, પણ હવે કાંદિવલીના મહાવીરનગરમાં પણ આવી જ રીતે સમોસા ખાવાની મજા માણી શકાશે.
લગભગ એક મહિના પૂર્વે જ મહાવીરનગરમાં કાશી સમોસા ભંડાર નામની એક શૉપ શરૂ થઈ છે જ્યાં માત્ર ને માત્ર સમોસા જ મળે છે. અહીંનું સૌથી મોટું આકર્ષણ સમોસા જ છે જે યુનિક રીતે તૈયાર તો કરવામાં આવે જ છે અને સાથે એને હટકે રીતે સર્વ પણ કરવામાં આવે છે. આ દુકાન ઉત્તર પ્રદેશના એક ભાઈએ શરૂ કરી છે જેઓ એવું ઇચ્છતા હતા કે મહારાષ્ટ્રિયન સ્ટાઇલની સાથે કાશીના સમોસાનું કૉમ્બિનેશન કરવામાં આવે તો લોકોને મજા પડી જશે. બસ, આ જ તરકીબ વાપરીને અહીં મહિના પહેલાં જ એક શૉપ શરૂ કરવામાં આવી છે. કાશીના સમોસામાં નખાતી સામગ્રી અને મસાલાઓને અહીં લાવીને તેમણે આ સમોસામાં ઉમેર્યા હોવાનું કહેવામાં આવે છે. તેમ જ જેમ કાશીમાં પાન પર સમોસા ચાટ જેવું બનાવીને આપવામાં આવે છે. એવી જ રીતે અહીં પણ એવી જ રીતે એ પીરસવામાં આવે છે, પરંતુ અહીં સાથે ઠેચા ચટણી પણ આપવામાં આવે છે. સમોસાને પાન પર હળવા મૅશ કરીને ઉપર ચટણીઓ રેડી સાથે ચમચી ભરીને ઠેચા ચટણી અને સમારેલા કાંદા સાથે આપવામાં આવે છે, જે તદ્દન યુનિક છે.
ક્યાં મળશે? : કાશી સમોસા ભંડાર, પંચશીલ ગાર્ડનની બાજુમાં, મહાવીરનગર, કાંદિવલી (વેસ્ટ)

