આજે ટ્રાય કરો બોરીવલીની સ્પેશિયલ કઢી કચોરી

પુષ્ટિ તુષ્ટિ
વીકેન્ડની રાહ કોઇપણ માણસ બે વાત માટે જુએ – એક તો મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવા અને બીજું બહાર ખાવા માટે. તમે કહો એના સમ – 100 ટકા ગુજરાતીઓમાંથી 200 ટકા ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ જીવતા હોય છે. તમારા દરેક સન્ડેને ફન-ડે બનાવવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે ‘સન્ડે સ્નૅક્સ’ (Sunday Snacks), એક એવી સાપ્તાહિક કૉલમ જેમાં અમે તમને જણાવીશું મુંબઈના કેટલાક ‘હિડન જૅમ્સ’ જેવા ફૂડ જોઇન્ટ્સ વિશે જ્યાંનો સ્વાદ માણ્યા બાદ તમે કહેશો ‘વાહ બૉસ, ટેસડો પડી ગયો’.
ગુજરાતીમાં કહેવત છે ‘બાર ગાવે બોલી બદલે’ - બોલી સાથે જ બદલાય છે ખાણી-પીણીનો ઝાયકો. ગુજરાતનું પાડોશી રાજ્ય રાજસ્થાન ત્યાંની અદ્ભુત વાનગીઓ માટે જાણીતું છે. રાજસ્થાનમાં લોકો એક ખાસ વાનગી સાથે નાસ્તાની શરૂઆત કરે છે. દેશભરમાં ચટણી સાથે ખવાતી કચોરી અહીં ગરમાગરમ કઢી સાથે પીરસાય છે.
ADVERTISEMENT
સાંભળવામાં કે વાંચવામાં આ કૉમ્બિનેશન વિચિત્ર લાગશે, પરંતુ કચોરીમાં કઢી (Kadhi Kachori)નો તડકો લાજવાબ સ્વાદ આપે છે. મુકેશ અંબાણીથી લઈને સચિન તેંડુલકર સુધી આ વાનગીના દિવાના છે. તો ચાલો આજે આ રાજસ્થાની નાસ્તાની જયાફત ઉડાવીએ.
રાજસ્થાનનો આ ઑથેન્ટિક સ્વાદ મેળવવા તમારે જવું પડશે બોરીવલી વેસ્ટમાં ચંદાવરકર રોડ પર આવેલા ‘પુષ્ટિ તુષ્ટિ’ (Pushti Tushti) રેસ્ટોરન્ટમાં. ચોક્કસ લોકેશન મેળવવા માટે ગૂગલ બાબા તો છે જ. એમ તો પહેલી નજરે આ જગ્યા રેસ્ટોરન્ટ કરતાં મીઠાઇ અને નાસ્તાની દુકાન જેવી લાગશે, પરંતુ અહીં અંદર અને બહાર બંને બાજુ નાનો પણ મજાનો સિટિંગ એરિયા છે.
જો જગ્યા હોય તો અંદર જ બેસવાનું પસંદ કરજો કારણ કે તે ખૂબ જ કોઝી છે. અહીં તમને રાજસ્થાની નાસ્તાની ઘણી બધી વેરાયટી મળશે. દાળ કચોરી, કઢી કચોરી, પ્યાઝ કચોરી, દાળ પકવાન અને બીજું ઘણું બધુ. એકવાર ઑર્ડર આપીને આજુબાજુ નજર કરશો તો દિવાલ પરના પેન્ટિંગ્સ તમે જાણે મિનિ-રાજસ્થાનમાં હો એવો અનુભવ કરાવશે.
અમે ટ્રાય કરી અહીંની કઢી કચોરી. મગની દાળની દડા જેવી ફુલેલી ક્રિસ્પી કચોરીના નાના-નાના પીસીઝ કરી તેના ઉપર રાજસ્થાની કઢી રેડાય પછી ઉપરથી ફુદીનાની લીલી ચટણી અને મીઠી ચટણી તેના સ્વાદને થોડી ચાટની ફ્લેવર આપે. આ ખાવાની તમે શરૂ કરશો એટલે તમને ખ્યાલ આવશે કે કઢી રેડાયા બાદ પણ કચોરીની ક્રિસ્પીનેસ હજુ પણ અકબંધ છે.
રાજસ્થાની કઢીની ખાસ વાત એ છે કે તેમાં સાકર કે ગોળ નખાતા નથી, તેમ છતાં તેનો સ્વાદ તીખો લાગતો નથી. હા સ્વાદમાં દહીંની ખટાશ આગળ પડતી હોય છે. અહીંની કઢી પણ તમને એ બેલેન્સડ સ્વાદ આપશે.
ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરતાં પુષ્ટિ તુષ્ટિના મેનેજર શેટ્ટી અન્ના જણાવે છે કે “અમે આ વર્ષે ૨૬ જાન્યુઆરી એ જ રાજસ્થાનનો સ્વાદ ઑથેન્ટિક સ્વાદ બોરીવલીમાં પીરસવાનું શરૂ કર્યું છે. અમારા બધા જ કારીગરો મૂળ જોધપુરના છે. તેથી જ અમે આ મજાનો સ્વાદ લોકોને આપી શકીએ છીએ.”
તો હવે આ રવિવારે પધાર જો કઢી કચોરીની મિજબાની માણવા. ફરી મળીશું આવતા શનિવારે અને રવિવારે તમારે ક્યાં ખાવા જવુંની મુંઝવણનો જવાબ પણ લેતા આવીશું.
આ પણ વાંચો: Sunday Snacks: બોરીવલીમાં મળે છે કચ્છી દાબેલીનો ઑથેન્ટિક સ્વાદ

