કબૂતરખાનાની બાજુમાં આવેલી સૌરાષ્ટ્ર ફરસાણ માર્ટ નામની શૉપમાં દરેક પ્રકારનાં ફરસાણ, નાસ્તા અને મીઠાઈ મળી રહે છે
સૌરાષ્ટ્ર ફરસાણ
દાદરની સૌરાષ્ટ્ર ફરસાણ માર્ટ એક હિડન ફૂડ સ્પૉટ છે. લગભગ એક સેન્ચુરીથી મુંબઈના વન ઑફ ધ બિઝીએસ્ટ વિસ્તારમાં આ શૉપ આવેલી હોવા છતાં ઘણા લોકોથી આ જગ્યા હજી અજાણ છે. એનું એક કારણ એ પણ હોઈ શકે છે કે આ શૉપને હજી મૉડર્ન ઇન્ટીરિયર અને શોઑફનો ટચ લાગ્યો નથી. જે હોય તે, પણ આપણે અહીંનાં ફરસાણની વાત કરીએ તો અહીં દેખાતી ભીડ પરથી અંદાજ મૂકી શકાય છે કે અહીંનાં ફરસાણના ટેસ્ટમાં દમ છે. સૌરાષ્ટ્ર ફરસાણની સ્થાપના ૧૯૨૩માં દાદર ખાતે એક નાની છૂટક નાસ્તાની દુકાનના રૂપમાં થઈ હતી જે આજે દાદરમાં જ નહીં, મુંબઈમાં પણ એનાં ફરસાણ અને સમોસા માટે લોકપ્રિય છે. આ દુકાનની સ્થાપના નારાયણભાઈ પટેલે કરી હતી. તેઓ ભોજનકળામાં માહેર હતા. તેમનાં વિવિધ નાસ્તા લોકોને ભાવવા લાગ્યા હતા. ધીરે-ધીરે તેમની પ્રસિદ્ધિ વધતી ગઈ હતી, જેને પગલે તેમના દીકરા ભગવાનભાઈ પટેલે આ નાનકડા સ્ટૉલને ભવ્ય દુકાનનું સ્વરૂપ આપી દીધું હતું. આજે આ સૌરાષ્ટ્ર ફરસાણને ૧૦૦ વર્ષ થઈ ગયાં છે. આજે નારાયણભાઈની ચોથી પેઢી આ દુકાનને સંભાળી રહી છે.
ADVERTISEMENT
સૌરાષ્ટ્રના ફરસાણમાં તમને સૌરાષ્ટ્રની સંસ્કૃતિની ઝલક જોવા મળશે. ગુજરાતીઓને જ નહીં, તમામ લોકોને અહીં તેમના પ્રિય નાસ્તા મળી રહેશે. અલગ-અલગ દાળ, વેફર્સ, ચેવડા, ભજિયાં અને અલગ-અલગ મીઠાઈ મળે છે. સૌરાષ્ટ્રની વાત ચાલતી હોય તો જલેબી, પાપડી, ગાંઠિયાને કેમ કરીને ભૂલી જવાય? જેને ખાવા અહીં રજાના દિવસોમાં ઘણી પબ્લિક આવી પહોંચે છે. આ તો વાત થઈ સૂકા નાસ્તાની. અહીં ગરમ નાસ્તા પણ મળે છે; ખમણ, ખમણી, સમોસા વગેરે જેમાં સૌથી વધુ લોકપ્રિયતા ધરાવે છે.
કડક પડના આ સમોસા લોકો એની સાથે પીરસવામાં આવતી ચટણીને લીધે વધુ ખાવા આવે છે. જોકે ઘણાને ૨૩ રૂપિયાનું એક સમોસું થોડું મોંઘું લાગે છે પણ એની ચટણી તેમને અહીં સુધી લઈ આવે છે. બીજા ક્રમાંકે અહીંની કચોરી બહુ જ વખણાય છે.
ક્યાં મળશે? : સૌરાષ્ટ્ર ફરસાણ, એન. સી. કેળકર માર્ગ, કબૂતરખાનાની બાજુમાં, દાદર (વેસ્ટ) સમય : સવારે ૬થી રાત્રે ૯ સુધી

