Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > પાણીપૂરી અને એના પર દહીંનો નાનો બૉલ

પાણીપૂરી અને એના પર દહીંનો નાનો બૉલ

Published : 18 April, 2026 04:07 PM | IST | Mumbai
Sanjay Goradia | sangofeedback@mid-day.com

ફ્યુઝન વરાઇટીની મજા એ છે કે એ ઑથેન્ટિક ટેસ્ટ છોડે નહીં અને એ પછી પણ તમે એના લુકના પ્રેમમાં પડી જાઓ, અમેરિકાના લોકો એને એન્જૉય કરે, પણ આપણે મુંબઈવાસીઓ આ ઠંડીમાં ધ્રૂજી જઈએ. ઍનીવે, આ થયા અહીંના હવામાન સમાચાર.

પાણીપૂરી અને એના પર દહીંનો નાનો બૉલ

પાણીપૂરી અને એના પર દહીંનો નાનો બૉલ


અમેરિકાથી સંજય ગોરડિયાના રામ-રામ.
અમેરિકામાં અત્યારે પણ મને તો સાલ્લી ઠંડી મસ્તીની લાગે છે, પણ શું છે કે આ ઠંડી એ લોકો માટે બેરેબલ કહેવાય છે. અમેરિકાના લોકો એને એન્જૉય કરે, પણ આપણે મુંબઈવાસીઓ આ ઠંડીમાં ધ્રૂજી જઈએ. ઍનીવે, આ થયા અહીંના હવામાન સમાચાર. હવે વાત કરીએ આપણી રાબેતા મુજબની ફૂડ-ડ્રાઇવની.
અમારો શો મૅરિલૅન્ડમાં હતો અને ફૂડ-ડ્રાઇવ મોકલવાની મારી ડેડલાઇન પણ આવી ગઈ હતી. આ જે મૅરિલૅન્ડ છે એ અમેરિકાના પાટનગર વૉશિંગ્ટન DCની બાજુમાં આવેલું એક ટાઉન છે. બપોરે લંચ માટે મારે જવાનું હતું, પણ મને મારા ઑર્ગેનાઇઝર કિરીટ ઉદેશીએ કહ્યું કે ચાલો, હું તમને એક મસ્ત જગ્યાએ લઈ જઉં છું. થોડે આગળ ગયા ત્યાં અમારી સાથે શરદભાઈ નામના એક મિત્ર જોડાયા. અમારો કાફલો પહોંચ્યો સેલિબ્રેશન નામની રેસ્ટોરાંમાં. આ જે રેસ્ટોરાં છે એ વૉશિંગ્ટન DCના સબર્બમાં શરૂ થઈ છે. થોડી વાર પછી મને ખબર પડી કે અમારી સાથે જોડાયા તે શરદભાઈ આ રેસ્ટોરાંના માલિક છે. આ જે સેલિબ્રેશન છે એ હાઈ-એન્ડ રેસ્ટોરાં અને ત્યાં ફ્યુઝન ફૂડ હતું. મેં તો જઈને કહી દીધું કે તમને જે યોગ્ય લાગે એ મને ખવડાવો અને મેનુ મૂકી દીધું સાઇડમાં.
એક પછી એક વરાઇટી આવવા માંડી. સૌથી પહેલાં આવી પાણીપૂરી. એ પાણીપૂરી પર સફેદ રંગની ગોટી હતી જે દહીં હતું. આ જે ગોટી હતી એની જ કરામત હતી. તમારે મોઢામાં પાણીપૂરી મૂકી દેવાની એટલે એ ગોટી ફૂટે અને એમાંથી ઠંડુંગાર દહીં તમારા મોઢામાં રેલાઈ જાય. જલસો-જલસો. મજા પડી ગઈ. હજી તો હું કંઈ કહું એ પહેલાં તેમણે મારા માટે બીજી એક વરાઇટી મગાવી. એ વરાઇટીનું નામ હું ભૂલી ગયો છું, પણ એમાં કમળકાકડીની રિંગનો ઢગલો હતો અને એના પર દહીં, ચટણી અને દાડમ, કોથમીર એવું બધું નાખ્યું હતું. મજા આવી ગઈ. હું જમ્યો ત્યાં સુધી મેં આ વરાઇટી થોડી-થોડી ખાધી. કહો કે અડધો કલાક એ આઇટમ મારા ટેબલ પર રહી, પણ કમળકાકડીની જે ક્રિસ્પીનેસ હતી એ સહેજ પણ ઓછી નહોતી થઈ. એના પર દહીં અને ચટણી નાખવામાં આવ્યાં હતાં એ પછી પણ. એ પછી એક બૉક્સ આવ્યું, નાનકડું. સમજો કે ૮ ઇંચ બાય ૬ ઇંચનું એ હશે. એ બૉક્સ ખોલ્યું કે એમાંથી ધુમાડો નીકળ્યો. 
અંદર પાણીપૂરીની પાંચ પૂરી હતી અને સાથે બે નાના ગ્લાસ હતા. આ પાણીપૂરી હતી. મિત્રો, ખાવાનું સ્વાદિષ્ટ બનાવો એટલું જ પૂરતું નથી હોતું, એનું પ્રેઝન્ટેશન પણ એટલું જ મહત્ત્વનું હોય છે, કારણ કે માણસ આંખથી પહેલાં ખાવાનું શરૂ કરતો હોય છે. આપણાં મોટા ભાગનાં ગુજરાતી ઘરોમાં જેમાં શાક બનાવ્યું હોય કે દાળ બનાવી હોય એ જ વાસણમાંથી પીરસવામાં આવતું હોય છે. મારો એની સામે વિરોધ. મને થાય કે બરાબર સરસ રીતે ડેકોરેટ કરીને જ પીરસવું જોઈએ. હશે, આપણાં બૈરાંઓને પતિ કરતાં કદાચ કામવાળી બાઈની વધારે ચિંતા થતી હશે એટલે તે ઓછામાં ઓછાં વાસણોથી કામ ચલાવી લેતી હશે. ચાલો, વાત કરીએ પાણીપૂરીની.
પાણીપૂરીનું જે પાણી હતું એમાં એક કિવી અને પાઇનૅપલના જૂસનું મિક્સચર હતું. તીખાશ પણ હતી અને સાથે એમાં અદ્ભુત મીઠાશ પણ હતી. એ પછી છોલે અને ટિક્કીની એક વરાઇટી આવી. ટિક્કીને ઘણા પૅટીસ પણ કહે છે; પણ આપણી પૅટીસમાં અંદર જુદું પૂરણ હોય છે, જ્યારે પંજાબીઓની ટિક્કી માત્ર બટાટાની ટિક્કી હોય. તવા પર એને ફ્રાય કરી હતી એટલે એનું ઉપરનું પડ ક્રિસ્પીનેસ થઈ જાય. મને જે આપવામાં આવી એ ટિક્કી પર અલગ-અલગ એક્ઝૉટિક સૉસ નાખ્યા હતા. એની મજા એ હતી કે એમાંથી છોલે અને ટિક્કી બન્નેનો સ્વાદ આવતો હતો. ત્યાર પછી મારા માટે આવ્યો એક મોટો રોટલો. એ રોટલો મેં તોડ્યો તો અંદરથી વેજ બિરયાની નીકળી. એકદમ ગરમાગરમ અને ધુમાડા કાઢતી બિરયાની. એવો તે જલસો પડ્યો કે આ લખતી વખતે પણ મારા મોઢામાં પાણી આવે છે. અરે હા, કહેવાનું રહી ગયું કે મને ત્યાં કોકમ શરબત પણ પીવા મળ્યું.
આ જે કોકમ શરબત હોય છે એ કોકમના ફ્રૂટમાંથી બને છે. એ ફ્રૂટ સુકાઈ જાય એટલે એમાંથી આપણે જેને દાળ-શાકમાં વાપરીએ છીએ એ કોકમ બને. બધી વરાઇટીઓના આસ્વાદ પછી મેં કહ્યું કે મારે તમારા શેફને મળવું પડે. ત્યારે ખબર પડી કે આ બધી વરાઇટી શરદભાઈના વાઇફે જ ઇન્વેન્ટ કરી હતી. હું તો આભો રહી ગયો. જેને કામ કરવાની સહેજ પણ જરૂર નથી એવી વ્યક્તિ પણ કામ કરીને સોસાયટીને કેટલું સરસ પ્રદાન કરી શકે છે.
આ જે સેલિબ્રેશન છે એમાં આપણા ઇન્ડિયન જ નહીં, અમેરિકનો પણ ખાવા આવે છે અને એ પણ આપણી ઓરિજિનલ વરાઇટીઓનું આ ફ્યુઝન રૂપ માણે છે. જો તમારા કોઈ ઓળખીતા અમેરિકામાં રહેતા હોય કે તમે જવાના હો તો વૉશિંગ્ટન DCના સબર્બમાં આવેલી સેલિબ્રેશનમાં અચૂક જજો. 
મજાની ગૅરન્ટી ૧૦૦ ટકાની.


Whatsapp-channel Whatsapp-channel

18 April, 2026 04:07 PM IST | Mumbai | Sanjay Goradia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK