Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



કે. રુસ્તમ એટલે કે. રુસ્તમ

14 July, 2022 03:59 PM IST | Mumbai
Sanjay Goradia | sangofeedback@mid-day.com

એંસી પૈસાથી લઈને એંસી રૂપિયા સુધીની સફર વચ્ચે મેં આ આઇસક્રીમની જયાફત માણી છે. ફરક માત્ર એટલો કે શરૂઆતના એંસી પૈસા હું ઉછીના લેતો અને આજે ગજવું ભરેલું છે ત્યારે પૅન્ક્રિયાસ મંદ પડી ગયું છે

કે. રુસ્તમ એટલે કે. રુસ્તમ

ફૂડ ડ્રાઇવ

કે. રુસ્તમ એટલે કે. રુસ્તમ


ઉપર અને નીચે વેફર બિસ્કિટનું પડ, વચ્ચે તમે માગ્યો હોય એ આઇસક્રીમનો સ્લૅબ અને મનમાં નાનપણની એ યાદો. એંસી પૈસાથી લઈને એંસી રૂપિયા સુધીની સફર વચ્ચે મેં આ આઇસક્રીમની જયાફત માણી છે. ફરક માત્ર એટલો કે શરૂઆતના એંસી પૈસા હું ઉછીના લેતો અને આજે ગજવું ભરેલું છે ત્યારે પૅન્ક્રિયાસ મંદ પડી ગયું છે

હમણાં થોડા દિવસો પહેલાં સમાચાર આવ્યા કે. રુસ્તમ આઇસક્રીમવાળા કેસ હારી ગયા અને હવે એ રેસ્ટોરન્ટ બંધ થઈ જશે. સાચું માનજો, આ ન્યુઝ સાંભળીને મારા તો પેટમાં ફાળ પડી કે જો એવું થયું તો મારી જે નાનપણની યાદ છે એ બધી કાયમ માટે ભૂંસાઈ જશે. લાઇફમાં આપણે ઘણુંબધું બહુ સહજ રીતે પસાર કરી નાખતા હોઈએ છીએ પણ એ પસાર થયા પછી જ્યારે યાદનું સ્વરૂપ લે ત્યારે સહજ રીતે પસાર થયેલા ભૂતકાળનું મૂલ્ય વધી જતું હોય છે. ભારે મને મેં નક્કી કર્યુi કે બંધ થયા એ પહેલાં મારે કે. રુસ્તમમાં એક વાર જવું જ જોઈએ.
કે. રુસ્તમ આઇસક્રીમ ૧૯પ૩માં શરૂ થઈ હતી. શૉપમાં અંદર બેસવાની થોડી જગ્યા ખરી પણ મોટા ભાગે લોકો આઇસક્રીમ લઈને બહાર જ ઊભા-ઊભા ખાય. આજની નવી જનરેશનને કદાચ એમ થાય કે સિત્તેર વર્ષથી ચાલતો આવતો આઇસક્રીમ આજે પણ એટલો રેલવન્ટ કેમ છે અને મનમાં આ પ્રશ્ન થાય એમાં કશું ખોટું પણ નથી. આજના ગ્લોબલાઇઝેશનના જમાનામાં તો વર્લ્ડનો બેસ્ટ કહેવાય એવો આઇસક્રીમ પણ ઇન્ડિયામાં મળવા માંડ્યો છે! તો એનો જવાબ આપી દઉં.
એક તો કે. રુસ્તમના આઇસક્રીમની ક્વૉલિટી અને બીજું, એની સાવ ડિફરન્ટ પ્રકારની ફ્લેવર્સ. ઑરેન્જ, પપૈયા, કૉફી ક્ર્ન્ચ, કિવી, પાન જેવી ફ્લેવર્સની સાથે આપણી ઑથેન્ટિક આઇસક્રીમ ફ્લેવર પણ ખરી. કે. રુસ્તમની મારી ફેવરિટ આઇસક્રીમ જો કોઈ હોય તો એ છે પિસ્તા અને કેસરપિસ્તા. મને જો સૌથી વધારે કંઈ ગમતું હોય તો એ ત્યાં મળતો આઇસક્રીમનો સ્લૅબ છે. સ્કૂલનું જે ડસ્ટર હોય એ ડસ્ટર આકારનો પણ થોડો પાતળો સ્લૅબ તમને આપે. ચારથી પાંચ ઇંચ મોટો અને એક ઇંચ જાડો. એ સ્લૅબની ઉપર અને નીચે વેફર બિસ્કિટ હોય અને વચ્ચે આઇસક્રીમ હોય. તમારે એ બિસ્કિટ સાથે આઇસક્રીમ ખાવાનો. હવેનાં બાળકો તો આને આઇસક્રીમ સૅન્ડવિચ પણ કહે છે. 
વેફર બિસ્કિટની ક્રન્ચીનેસ સાથે આઇસક્રીમની સૉફ્ટનેસનું જે કૉમ્બિનેશન છે એ હું નાનો હતો ત્યારથી મને બહુ અટ્રૅક્ટ કરતું. જરા નૉસ્ટાલ્જિક થઈને હું મારી વાત કરું તો હું ભણ્યો લીલાવતી વાલજી દયાળ સ્કૂલમાં. અમારી શાળાનું ગ્રાઉન્ડ ખૂબ નાનું એટલે અમારી સ્કૂલનો સ્પોર્ટ્સ ડે બ્રેબર્ન સ્ટેડિયમના એક ભાગમાં થતો, જેની નીચે જ કે. રુસ્તમની દુકાન. 
એ સમયે આ આઇસક્રીમ ૮૦ પૈસાનો મળતો. વાત છે ૧૯૭૩-’૭૪ની. ૮૦ પૈસાનો એ આઇસક્રીમ આજે ૮૦ રૂપિયાનો થઈ ગયો છે. એ ૮૦ પૈસા પણ એ વખતે મને ઘરેથી વાપરવા માટે નહોતા મળતા એટલે હું મારા સ્કૂલના ફ્રેન્ડ્સ પાસેથી પૈસા ઉછીના લઈને પણ અમારા સ્પોર્ટ્સ ડેના દિવસે એ આઇસક્રીમ ખાતો. માનસપટ પર આવી ગયેલી એ બધી વાતોને લીધે મેં તો નક્કી કર્યું કે કંઈ પણ થઈ જાય, હવે આ આઇસક્રીમ ખાઈ જ લેવો છે. મેં નક્કી કર્યું કે રવિવારે નાટક જોવા જાઉં ત્યારે કે. રુસ્તમ જઈશ.
હા, બરાબર વાંચ્યું તમે. નાટક જોવા જાઉં ત્યારે. 
છેલ્લાં ચાલીસ વર્ષથી રવિવારનું મારું એક જ કામ હોય. કાં તો નાટક કરવાનું અને કાં તો બીજાનું નાટક જોવાનું. કેતકી દવેનું નાટક ‘ખેલ ખેલે ખેલૈયા’ જોવા હું અને મારી વાઇફ બન્ને ચોપાટીના ભારતીય વિદ્યા ભવન ઑડિટોરિયમ જવા નીકળ્યાં પણ નક્કી કર્યું કે પહેલાં કે. રુસ્તમ જઈએ. સદ્ભાગ્યે પાર્કિંગ મળી ગયું પણ ત્યાં તો લાંબી લાઇન હતી, માંડ મારો વારો આવ્યો. 
હું અને મારી વાઇફ ચંદા બન્ને ડાયાબેટિક છીએ. જો એ ઇશ્યુ ન હોત તો મેં ત્યાં મળતી એકેક ફ્લેવર ચાખી, સૉરી ખાધી હોત પણ અમારા નસીબમાં એ વૈભવ નથી એટલે અમે બે વચ્ચે એક કેસરપિસ્તા આઇસક્રીમ મગાવ્યો અને ખાધો. મિત્રો, શું કહું હું? 
કે. રુસ્તમ એટલે કે. રુસ્તમ. 
આજે સિત્તેર વર્ષ પછી પણ એનો સ્વાદ અને ક્વૉલિટી એ જ છે, કોઈ ચેન્જ નહીં. આછોસરખો પણ બદલાવ નહીં. હું તો કહીશ કે ભાઈ, તમે પણ મોડું કરવાને બદલે એ બંધ થાય એ પહેલાં ચર્ચગેટ સ્ટેશન પાસે આવેલા બ્રેબર્ન સ્ટેડિયમ પહોંચો અને કે. રુસ્તમના આઇસક્રીમનો આસ્વાદ માણો. દેશી બ્રૅન્ડ તો શું, ભલભલી ઇન્ટરનૅશનલ આઇસક્રીમ બ્રૅન્ડ પણ આ આઇસક્રીમ સામે રીતસર પાણી ભરે. 
ખરેખર.


Whatsapp-channel Whatsapp-channel

14 July, 2022 03:59 PM IST | Mumbai | Sanjay Goradia

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK