હેલ્ધી, ટેસ્ટી અને પચવામાં હળવું એવું આ સૂપ તમે ઘરે પણ બનાવી શકો પણ તમારી પાસે મોગો અને પીરી પીરી બુસી મરચાં હોવાં જોઈએ અને અફસોસ, આપણી પાસે એ જ નથી

સંજય ગોરડિયા
મોગો ચિપ્સ, રોસ્ટેડ મોગો અને કિટાલે કિચવા નાઝી એમ ત્રણ વરાઇટી ટેસ્ટ કર્યા પછી હવે આપણે છીએ ટાન્ઝાનિયાના દાર-એ-સલામની ફૂડ ડ્રાઇવના અંતિમ તબક્કામાં અને આ અંતિમ તબક્કામાં આપણે ટાન્ઝાનિયાની બે વરાઇટીનો આસ્વાદ માણવાનો છે, જેમાં સૌથી પહેલાં આવે છે ચોળાનાં ભજિયાં.
પહેલાં તો ચણાના લોટનાં ભજિયાં બનતાં, પણ હવે ઘણા પ્રકારનાં ભજિયા બનતાં થઈ ગયાં છે પણ હજીયે આપણે ત્યાં ચોળાનાં ભજિયાં બનતાં નથી. ટાન્ઝાનિયામાં ચોળાનાં ભજિયાં મળે છે. અહીંના ચોળા પણ અલગ પ્રકારના હોય છે. આ ચોળાનો લોટ બનાવી એમાંથી ભજિયાં બનાવવામાં આવે છે, જે એકદમ કરકરાં હોય છે. તમે જો ફલાફલનાં ભજિયાં ખાધાં હોય તો તમને એ યાદ આવ્યા વિના રહે નહીં. કાબુલી ચણાના લોટમાંથી બનતાં ફલાફલનાં ભજિયાં જેવી જ ક્રન્ચીનેસ આ ચોળાનાં ભજિયાંમાં હોય છે. આ ચોળાનાં ભજિયાં દાર-એ-સલામમાં સ્ટ્રીટ ફૂડ તરીકે ચોરે અને ચૌટે જોવા મળે છે. ગરમાગરમ ચોળાનાં ભજિયાં અને સાથે કોકોનટ તથા પેલી અહીંની પૉપ્યુલર પીરી પીરી બુસી ચટણી. બત્રીસીના સાતેય કોઠે ટાઢક થઈ જાય એવો સ્વાદ છે આ ભજિયાંનો. એક ખાસ વાત કહું, આ ભજિયાં ત્યાં રહેતા આપણા ગુજરાતીઓની ફેવરિટ આઇટમ છે પણ મારી ફેવરિટ આઇટમની વાત હજી બાકી છે, એ છે ઝાંઝીબાર મિક્સ. ઝાંઝીબાર મિક્સ વિશે વાત કરતાં પહેલાં કહી દઉં કે આ ઝાંઝીબાર એક આઇલૅન્ડ છે જેના પ્રત્યે ગાંધીજીને બહુ પ્રેમ હતો તો ગુજરાતી નાટકો અને હિન્દી સિરિયલોના આપણા જાણીતા ડિરેક્ટર દિનકર જાનીને પણ બહુ પ્રેમ છે.
દિનકરભાઈ મૂળ ઝાંઝીબારના. ઝાંઝીબારમાં રેવલ્યુશન થયું ત્યારે તેઓ ફૅમિલી સાથે ઇન્ડિયા આવી મુંબઈમાં વસ્યા અને કૉલેજ એજ્યુકેશન તેમણે મુંબઈમાં લીધું. હવે વાત કરીએ ઝાંઝીબાર મિક્સની. ઝાંઝીબારી મિક્સ એક પ્રકારનું સૂપ છે. ઘઉં અને ચોખાના લોટમાં ગરમાગરમ પાણી નાખી એને ઘટ્ટ બનાવવામાં આવે અને પછી એમાં બટેટાના નાના ટુકડા અને મૅશ્ડ પટેટોની સાથે બાફેલા મોગો ઉમેરવામાં આવે. આ મોગોનાં ઘણાં નામો છે. કસાવા પણ કહે અને યુકો પણ કહે. તમને અગાઉ કહ્યું એમ, મોગો એક જાતનું કંદમૂળ છે. ઝાંઝીબાર મિક્સમાં એ પછી નારિયેળનું દૂધ નાખવામાં આવે અને છીણીને કાચી કેરી પણ નાખવામાં આવે. આ બધા પછી એમાં થોડો લીંબુનો રસ અને એની ઉપર લાલ મરચું, હળદર, ગાર્લિક પેસ્ટ, થોડું નિમક અને પીરી પીરી બુસી મરચાના ટુકડા પણ નાખવામાં આવે. જો તમે ઇચ્છો તો એમાં વટાણા પણ નાખી શકો. આ બધું નાખ્યા પછી એને ખૂબ ગરમ કરવામાં આવે અને પછી એમાં મોગોની મસાલા ચિપ્સ ઉમેરે અને મોગોની જ બનેલી પાતળી સળી જેવી ચિપ્સ સાથે એ તમને આપે.
એકદમ અદ્ભુત ટેસ્ટ અને એટલું જ હેલ્ધી પણ તો સાથોસાથ પેટ ભારે ન થાય એવું હળવું પણ. એક આડવાત કહું. મને અહીં મોગો તો ભાવ્યા જ પણ સાથોસાથ મને અહીં થતા બટેટા પણ બહુ ભાવ્યા. આપણે ત્યાં મળે છે એના કરતાં આ બટેટા અલગ પ્રકારના છે, જે તમને ટેસ્ટ કરતાં તરત ખબર પડી જાય. જ્યારે પણ દાર-એ-સલામ જાઓ ત્યારે આ આઇટમો ટેસ્ટ કરજો અને એ ટેસ્ટ કરતી વખતે મને ભૂલ્યા વિના યાદ કરજો. જે યાદ ન કરે તેને મારી અંદર રહેલા બકાસુરના સમ.