લાઇફમાં પહેલી વાર ટાન્ઝાનિયા જવા મળ્યું એટલે મેં તો ત્યાંની લોકલ વરાઇટીનું લાંબુંલચક લિસ્ટ બનાવી લીધું અને પછી કર્યો દિલથી જલસો

સંજય ગોરડિયા
હેડિંગ પરથી તો ખબર પડી જ ગઈ છે કે આ વખતે આપણી ફૂડ ડ્રાઇવ ટાન્ઝાનિયામાં એન્ટર થવાની છે. હા, ટાન્ઝાનિયા. ઈસ્ટ આફ્રિકામાં આવેલા કેન્યાની ફરતે ગોઠવાયેલા ત્રણ દેશોમાંથી એક યુગાન્ડા, બીજું રવાન્ડા અને ત્રીજું આ ટાન્ઝાનિયા. ટાન્ઝાનિયાનું આર્થિક પાટનગર જો કોઈ હોય તો એ દાર-એ-સલામ. શહેરનો અમુક હિસ્સો તો એટલો સરસ ડેવલપ થયો છે કે તમને લાગે જ નહીં કે તમે આફ્રિકન શહેરમાં છો. આ ટાન્ઝાનિયામાં છેલ્લાં ઘણાં વર્ષોથી ગુજરાતી નાટકના શો થયા જ નથી. હું આફ્રિકાના બાકીના દેશો ફર્યો છું પણ રવાન્ડા અને ટાન્ઝાનિયા મેં જોયા નહોતાં એટલે અમારા નાટક ‘બે અઢી ખીચડી કઢી’નો શો જેવો દાર-એ-સલામમાં ગોઠવાયો કે હું તો રાજીનો રેડ, ગ્રીન, બ્લુ, ઑરેન્જ થઈ ગયો. મને થયું કે ચાલો, મજા આવશે. શો કરીશું ને બે-ત્રણ દિવસ રહીને ટાન્ઝાનિયા જોશું. ભારોભાર ઉત્સાહ સાથે હું અને મારી ટીમ પહોંચ્યા દાર-એ-સલામ, જેવો મારો ઉત્સાહ હતો એવા જ ઉત્સાહ સાથે અમારું સ્વાગત લોહાણા મહાજન સમાજનાં ડિમ્પલ માણેક અને અન્ય લેડીઝ મેમ્બરોએ કર્યું અને અમે તો રવાના થયા અમારી હોટેલ તરફ.
રસ્તામાં જાતજાતની અને ભાતભાતની વાતો થતી હતી પણ મને તો ઇન્ટરેસ્ટ હતો દાર-એ-સલામમાં મળતી વાનગીઓમાં, ત્યાંના સ્ટ્રીટ ફૂડમાં. એ કેવું હોય અને લોકો શું ખાય એ જાણવામાં મને બહુ રસ એટલે હું તો એની પૂછપરછ કરતો ગયો પણ મિત્રો, એ વાત કરતાં પહેલાં મારે તમને કહેવાનું કે દુનિયામાં જ્યાં પણ ગુજરાતી વસ્યા છે ત્યાં તેમણે પોતાની આજુબાજુમાં નાનું એવું ગુજરાત ઊભું કરી જ લીધું છે તો બીજી વાત, જ્યાં ગુજરાતીઓનું પૉપ્યુલેશન વધારે હોય છે એવા વિસ્તારમાં તો સહેલાઈથી ગુજરાતી વાનગીઓ પણ મળી રહે છે. અમેરિકા, કૅનેડા, ઑસ્ટ્રેલિયા, બ્રિટન એવા દેશો છે જ્યાં અમુક વિસ્તારોમાં તો તમે દાખલ થાઓ કે તરત જ તમને ગુજરાતી વાનગીઓની સોડમ આવવા માંડે. ત્રીજી અને અગત્યની વાત, ગુજરાતીઓ જ્યાં હોય ત્યાં તે સ્થાનિક આઇટમનું ગુજરાતીકરણ પણ કરી જ નાખે.
દાર-એ-સલામમાં અમારા રોકાણ દરમ્યાન અમે આપણી ઘણી ગુજરાતી આઇટમો ખાધી પણ આપણે એની ચર્ચામાં નથી પડવું. રોટલી ને ખમણ ને બાસુંદી ને કચોરી ને એ બધાની ચર્ચા કરવાને બદલે આપણે વાત કરવી છે અમે ત્યાં જે લોકલ આઇટમ ટેસ્ટ કરી એની, પણ એની વાત કરતાં પહેલાં તમને કહું કે આફ્રિકામાં મોગો નામનું એક કંદમૂળ થાય છે. એ બટેટા જેવું જ હોય. સ્વાદમાં બટેટા કરતાં સહેજ તૂરું હોય પણ રંધાયા પછી એમાં આવતી મીઠાશ અદ્ભુત હોય છે. આફ્રિકા જે ગયા હશે તેમને આ મોગો વિશે ખબર જ હોય તો સાથોસાથ એ પણ ખબર હોય કે ત્યાં થતાં પપૈયું અને પાઇનૅપલ પણ અદ્ભુત સ્વાદ ધરાવે છે. પાઇનૅપલનો તો એક નાનકડો ટુકડો મોઢામાં મૂકો એટલે એવું જ લાગે કે જાણે તમે સાકરનો ટુકડો મોઢામાં મૂક્યો. અહીંના ચોખા પણ કંઈક ગજબનાક સ્વાદિષ્ટ હોય છે. આ જે ચોખા હોય છે એ આપણે ત્યાં થતા ચોખા કરતાં સહેજ જાડા હોય છે પણ એમાં જે મીઠાશ છે એ ખરેખર બહુ સરસ હોય છે.
હવે વાત કરીએ મોગોની. આફ્રિકામાં તમને મોગો ચિપ્સ અને રોસ્ટેડ મોગો મળે.
દાર-એ-સલામમાં બહુ બધા બીચ છે. આ બીચ પર ત્યાંની સ્થાનિક પ્રજા શેડ બનાવીને એમાં અલગ-અલગ પ્રકારની વરાઇટીઓ વેચતી હોય છે. એ વરાઇટીઓમાં મોગો ચિપ્સ અને રોસ્ટેડ મોગો તો ઑલમોસ્ટ દરેક પાસે હોય જ પણ અહીં મળતી આ વરાઇટીને જરા જુદી રીતે સર્વ કરવામાં આવે છે.
તમે મોગો ચિપ્સ ઑર્ડર કરો એટલે તમને એની સાથે પીરીપીરી બુસી નામની ચટણી આપે. આ પીરીપીરી એ ટાન્ઝાનિયામાં થતાં મરચાંનું નામ છે. પીરીપીરી મરચાં લાલ, લીલા અને પીળા એમ ત્રણ રંગનાં થાય છે. એકદમ તીખીતમતી એવી પીળી અને લાલ એમ પીરીપીરી બુસી ચટણી નાખીને તમને મોગો ચિપ્સ આપે. એ ચટણીમાં કોબીનું સૅલડ નાખ્યું હોય. તમારે એ ચટણી સાથે ચિપ્સ ખાવાની.
દાર-એ-સલામના ઑઇસ્ટર બે બીચ પર અમે સૌથી પહેલી ટ્રાય કરી મોગો ચિપ્સ વિથ પીરીપીરી બુસી ચટણી. એવો તે જલસો પડ્યો કે બે હાથ જોડીને જીભે પણ મારો આભાર માન્યો.
દાર-એ-સલામમાં આ સિવાય પણ અમે કઈ વરાઇટીઓ ટેસ્ટ કરી અને એમાં કેવો જલસો પડ્યો એની વાત જરા લાંબી છે એટલે આપણી આ ફૂડ ડ્રાઇવને આવતા ગુરુવારે પણ આમ જ કન્ટિન્યુ કરીશું અને દાર-એ-સલામના સ્ટ્રીટ ફૂડનો સ્વાદ માણવાનું અકબંધ રાખીશું.