આજે શીખો ફરાળી દાબેલી સૅન્ડવિચ, મિલેટ ફરાળી જલેબી ગોળવાળી અને ફરાળી બૉમ્બે આઇસ હલવો

પ્રતીકાત્મક તસવીર
ફરાળી દાબેલી સૅન્ડવિચ
લીના સંગોઈ
સામગ્રી : ફરાળી/સામક પાંઉ માટે બૅટર તૈયાર કરવા સામા ચોખા ૧ કપ, સાબુદાણા ૧/૨ કપ, દહીં ૧/૨ કપ, પાણી ૧ કપ, ૧ ચમચી સિંધવ મીઠું, તેલ ૧ ચમચી, ઈનો ફ્રૂટ સૉલ્ટ ૧ ચમચી
દાબેલી સ્ટફિંગ : કાચા કેળાનો મસાલો તૈયાર કરવા ઘી/તેલ ૨ ચમચી, જીરું ૧/૨ ટીસ્પૂન, છીણેલું આદું ૧ ચમચી, સમારેલાં લીલાં મરચાં ૨, મરી પાઉડર ૧/૨ ચમચી, બાફેલાં છૂંદેલાં કાચાં કેળાં ૩, છીણેલું પનીર ૧/૨ કપ, ખાંડ ૧/૨ ચમચી, સિંધવ મીઠું ૧ ચમચી, લીંબુનો રસ ૧ ચમચી, તાજું છીણેલું નારિયેળ ૧ ચમચી, શેકેલી મગફળી ૧ ચમચી, દાડમના દાણા ૨ ચમચી, બારીક સમારેલી કોથમીર, ચાટ મસાલો ૧ ચમચી (વૈકલ્પિક), પીરસવા માટે મીઠી અને મસાલેદાર ચટણી. ચાલો તૈયાર કરીએ
ફરાળી દાબેલી કેળાનો મસાલો: કડાઈમાં તેલ/ઘી ઉમેરો. જીરું, છીણેલું આદું, સમારેલું લીલું મરચું ઉમેરો અને ધીમી આંચ પર ફ્રાય કરો. એમાં મરી પાઉડર, બાફેલાં કાચાં કેળાં, છીણેલું પનીર ઉમેરો અને સારી રીતે મિક્સ કરો અને ધીમી આંચ પર રાંધો. ૧ મિનિટ પછી એમાં ખાંડ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. સિંધવ મીઠું ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. લીંબુનો રસ, તાજુ છીણેલું નારિયેળ, શેકેલી મગફળી ઉમેરો અને આગ બંધ કરો. દાડમના દાણા, બારીક સમારેલી કોથમીર ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. બાઉલમાં સ્થાનાંતરિત કરો.
સામક પાંઉ બનાવવા માટે : ગ્રાઇન્ડરમાં સામા ચોખા, સાબુદાણા ઉમેરીને બારીક પાઉડર બનાવો. મિશ્રણને બાઉલમાં સ્થાનાંતરિત કરો. દહીં, પાણી ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને બૅટર તૈયાર કરો અને ૩૦ મિનિટ રેસ્ટ માટે રાખો. કડાઈ અથવા સ્ટીમર લો. બે ગ્લાસ પાણી ઉમેરો, એક સ્ટૅન્ડ મૂકો અને ઢાંકણ બંધ કરો અને પાણી ઉકાળો. બૅટર તપાસો. જો જરૂરી હોય તો પાણી ઉમેરો. સિંધવ મીઠું, તેલ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. ઈનો ફ્રૂટ સૉલ્ટ ઉમેરો. એને સક્રિય કરવા માટે પાણી ઉમેરો અને હળવા હાથે મિક્સ કરો. ૪ નાના રાઉન્ડ ગ્રીસ મોલ્ડ અથવા ગ્રીસ કરેલા વાટકામાં બૅટર નાખી મોલ્ડને સ્ટીમર/કડાઈમાં મૂકો અને એને ૧૦ મિનિટ માટે સ્ટીમ થવા દો. હાઈ ફ્લેમ પર ૪ મિનિટ અને ધીમી આંચ પર ૬ મિનિટ સુધી સ્ટીમ કરો. ૧૦ મિનિટ પછી સારી રીતે રાંધેલું છે કે કેમ એ છરી વડે તપાસો. જો એ સાફ થઈ જાય તો એ સંપૂર્ણ રીતે રંધાયેલું છે. એને ઠંડું થવા દો અને ટિનમાંથી કાઢી લો. છરી વડે ધારને અલગ કરો અને મોલ્ડમાંથી બહાર કાઢો. ફરાળી પાંઉ તૈયાર છે. એક ફરાળી / સામક પાંઉ લો અને વચ્ચેથી કાપો. એક પાંઉ પર ખજૂર, ગોળની ચટણી અને કોથમીર-ફુદીનાની ચટણી સાથે ભરો અને દાબેલી કાચાં કેળાંનો મસાલો નાખો. ચટણી/મગફળી/દાડમ વડે ગાર્નિશ કરો. બીજો પાંઉ ઉપર રાખી ચેરી ટમૅટોથી ગાર્નિશ કરો. ફરાળી દાબેલી સૅન્ડવિચ સર્વ કરવા માટે તૈયાર છે.
મિલેટ ફરાળી જલેબી ગોળવાળી
જયા વીરા
સામગ્રી : ૧૦૦ ગ્રામ સામો, ૧૦૦ ગ્રામ સાબુદાણા, ૧ ચમચી શિંગોડાનો લોટ, ૧/૨ કપ પાણી, ચપટી યલો કલર, એક પૅકેટ ઈનો સોડા, ૧ ચમચી ઘી + તળવા માટે ૨૦૦ ગ્રામ ઘી, ચાસણી બનાવવા માટે ૨૦૦ ગ્રામ ગોળ, અડધી ચમચી લીંબુ ફૂલ, દોઢ કપ ચાસણી માટે પાણી, કેસર, એલચી, ડ્રાયફ્રૂટ કતરી ૩ ચમચી
રીત : સામો તથા સાબુદાણાને અલગ-અલગ પાણીમાં ધોઈને થોડા પાણીમાં ૨ કલાક ભીંજવી રાખવા. પછી બન્નેને ગ્રાઇન્ડરમાં થોડું પાણી + ૧ ચમચી દહીં લઈ સ્મૂધ ગ્રાઇન્ડ કરવાં. પીસેલા મિશ્રણમાં શિંગોડાનો લોટ, ૧ ચમચી ઘી, પીળો કલર નાખી ૨ કલાક માટે ઢાંકી રાખવાં. મિશ્રણ વધારે પાતળું ન થવું જોઈએ. આ મિશ્રણમાં ઈનો સોડા નાખી એક જ ડાયરેક્શનમાં ફેરવવું. એક પહોળા વાસણમાં ગોળ + પાણીનું મિશ્રણ ચાસણી બનાવવા ગરમ કરો. ૩-૪ ઊકળા આવે એટલે ઉતારી લીંબુના ફૂલ મિક્સ કરી લેવા. સામો શિંગોડા વગેરેનું તૈયાર કરેલું મિશ્રણ જલેબી બનાવવાની બૉટલમાં ભરવું. બૉટલથી ગોળ ગોળ જલેબી (૨૦૦ ગ્રામ ગરમ કરેલા ઘીમાં પાડવી. કડક કડક જલેબી કાઢી ગોળની ચાસણીમાં ૨-૩ મિનિટ બન્ને બાજુએથી કાઢી લેવી. એને કેસર, ડ્રાયફ્રૂટથી ડેકોરેટ કરવી. આ જલેબી મિલેટ લોટ તથા ગોળમાં બનાવેલી હોવાથી બહુ જ હેલ્ધી છે.
ફરાળી બૉમ્બે આઇસ હલવો
ભારતી નાગડા
સામગ્રી : ૧ વાટકી સામાનો લોટ, ૧ વાટકી પલાળેલું ઘી, ૧ વાટકી દૂધ, ૧ વાટકી સાકર, ચપટી કેસર
ડેકોરેશન : બદામ-પિસ્તાંની કતરણ, એલચી દાણા, એલચી પાઉડર
રીત : કડાઈમાં સામાનો લોટ, ઘી, દૂધ, સાકર, ચપટી કેસર બધું મિક્સ કરવું. ગૅસ પર હમણાં નથી રાખવું. નીચે જ બરાબર હલાવવું. ગાંઠા ન પડે એનું ધ્યાન રાખવું. મીડિયમ ગૅસ પર ચડાવવું અને સતત હલાવતા રહેવું. પછી ઘટ્ટ થવા આવે એટલે જોવું એની ગોળી વળે છે કે નહીં. ગોળી વળે એટલે ગૅસ બંધ કરવો. પછી બટર પેપર પર પાથરવું. એની ઉપર બીજું બટર પેપર લઈ પાથરવું અને વેલણથી પાતળું વણવું. પછી એની ઉપર બદામ પિસ્તાંની કતરણ, એલચી દાણા, ચપટી એલચી પાઉડરથી ડેકોરેશન કરવું. પછી એને ૨૫ મિનિટ સુકાવા દેવું. એના કાપા પાડવા. ખાવાના ઉપયોગમાં લેવું. ખૂબ જ ટેસ્ટી લાગે છે.
રેસિપી કૉન્ટેસ્ટની હૅટ-ટ્રિકમાં જજનો અનુભવ કેવો રહ્યો? જાણો
ગુજરાતી અને મરાઠી ચૅનલો પર કુકિંગ એક્સપર્ટ તરીકે જેમની રેસિપીઓ બહુ વખણાઈ છે એવાં વડોદરાનાં માસ્ટર શેફ નેહા રાજેન ઠક્કરે સતત ત્રીજા વર્ષે મિડ-ડેની રેસિપી કૉન્ટેસ્ટ માટે જજની ભૂમિકા ભજવી હતી. લગ્ન પછી લગભગ ૧૮ વર્ષ તેમણે માત્ર પરિવાર સંભાળવાનું કામ કર્યું, પરંતુ એ પછી તેમણે કુકિંગના પૅશનને જે રીતે વિકસાવ્યું અને નૅશનલ લેવલની સ્પર્ધાઓમાં ભાગ લઈને માસ્ટર શેફનું બિરુદ પણ પોતાના અંકે કર્યું. છેલ્લાં થોડાંક વર્ષો દરમ્યાન તેમણે મિડ-ડેની સ્પર્ધાઓ તો જજ કરી જ, પણ ગુજરાત તેમ જ દુબઈમાં ઇન્ટરનૅશનલ કુકિંગ કૉમ્પિટિશનમાં પણ તેમની જજ તરીકેની સૂઝબૂઝનો પરચો આપ્યો છે.
આ વખતે મિડ-ડેમાં ફરાળી અને મિલેટ ફેસ્ટિવલની થીમમાં લોકોની સર્જનાત્મકતા નેહાબહેનને ખૂબ જ ગમી. પોતાના અનુભવ વિશે તેઓ કહે છે, ‘સાચું કહું તો ઉત્તરોત્તર મિડ-ડેના સ્પર્ધકોની રેસિપી અને પ્રેઝન્ટેશનમાં ક્રીએટિવિટીનો તડકો ઉમેરાઈ રહ્યો છે. પહેલા વર્ષે બહુ એન્ટ્રીઝમાં ગૂગલ પરથી ડાઉનલોડ કરેલાં પિક્ચર્સ આવતાં, આ વખતે બહુ ઓછી એન્ટ્રીઝમાં એવું જોવા મળ્યું. ઇન ફૅક્ટ, મિલેટ જેવા ધાન્યમાંથી તમે કલ્પના પણ ન કરી હોય એવી કેટલીક વાનગીઓ આવેલી, જેણે દિલ જીતી લીધું. અને ખાસ તો બહેનોએ ફ્રેશ પ્રેઝન્ટેશન કરેલું એ સરાહનીય હતું. બહેનોનો પોતાની વાનગી સાથેનો સેલ્ફી જોઈએ તો આ રેસિપી પાછળ તેમણે કરેલી મહેનત આંખે ઊડીને વળગતી હતી.’
તમે સ્પર્ધકોને કોઈ સૂચન કરવા ઇચ્છશો? એના જવાબમાં નેહાબહેન કહે છે, ‘મને આગામી બે સીઝન કરતાં આ વર્ષે રેસિપીની ક્રીએટિવિટી, પ્રેઝન્ટેશન ખરેખર બહુ જ ગમ્યાં. ઍઝ સચ કોઈ સૂચન નથી. છતાં હા, એટલું કહીશ કે કેટલાક લોકોની રેસિપીનો ફોટો સારો હતો, પણ કેટલીક વાર એનું લખાણ ઉકેલાય એવું નહોતું તો ક્યાંક પદ્ધતિ સ્ટેપ બાય સ્ટેપ ક્લિયર નહોતી થતી. જો એમાં ધ્યાન રખાય તો સોનામાં સુગંધ ભળે. અને હા, રસોડાની માત્ર રાણી જ હોય એવું નથી, મુંબઈમાં તો કેટલાક કિચન કિંગ્સ પણ છે જેમની રેસિપી વિનર બની છે. તેમને ખાસ કૉન્ગ્રેચ્યુલેશન્સ.’
આ સાથે શ્રાવણ મહિના નિમિત્તે શરૂ થયેલા ફરાળ અને મિલેટ ફેસ્ટિવલની આજે પૂર્ણાહુતિ થાય છે. વાચકોએ ખૂબ ઉત્સાહથી એમાં ભાગ લીધો એ બદલ ખૂબ-ખૂબ આભાર.