આજે શીખો ફરાળી પાણીપૂરી, કુટ્ટુની ટિક્કી ચાટ અને સૅન્ડવિચ ઢોકળાં, અને મિલેટ કોથમીર વડી

પ્રતીકાત્મક તસવીર
ફરાળી પાણીપૂરી
કાજલ દોઢિયા
સ્ટેપ - ૧ પૂરીની સામગ્રી: ૧ કપ સામો, મીઠું, તળવા માટે તેલ
રીત : સામાને ધોઈને ૧ કલાક માટે પલાળી લેવો. પછી એનું પાણી નિતારી સામાને મિક્સર જારમાં ૧ કપ પાણી ઉમેરી એનું ખીરું બનાવી લેવું. એટલે કે એને મુલાયમ પીસી લેવું. પછી એક નૉનસ્ટિક કડાઈમાં એ લઈ ગૅસ પર એ એકદમ ઘટ્ટ લોટ જેવું થાય ત્યાં સુધી સતત હલાવતા ગરમ કરવું. લગભગ ૨-૩ મિનિટમાં એ ઘટ્ટ થઈ જશે. ત્યાર બાદ આ મિશ્રણને એક થાળીમાં લઈ એમાં ૧/૨ ચમચી મીઠું અને ૧/૨ ચમચી તેલ લઈ કેળવી લેવું અને તેના નાના-નાના લૂઆ પાડી લેવા. પછી એક પ્લાસ્ટિકની શીટ લઈ એના પર તેલવાળો હાથ ફેરવી લૂઆને એના પર રાખી એના પર ફરી પ્લાસ્ટિકની શીટ મૂકી હળવા હાથે પૂરી વણી લેવી. બધી પૂરી વણાઈ જાય એટલે ગરમ તેલમાં ઝારા વડે દબાવીને ગોલ્ડન બ્રાઉન થાય એવી તળી લેવી. આ માપમાં ૨૦-૨૫ પૂરીઓ બશે.
સ્ટેપ -૨ તીખું પાણી : સામગ્રી ૧ કપ ફુદીનાનાં પાન, ૧/૨ કપ કોથમીર, ૨-૩ મરચાં, નાનો આદુંનો ટુકડો, ૧ લીંબુનો રસ, ૧/૨ ચમચી શેકેલું જીરું, મીઠું
રીત: એક મિક્સર જારમાં ફુદીનો, કોથમીર, આદુંમરચાં, જીરું, મીઠું, લીંબુનો રસ અને ૪-૫ ટુકડા બરફ (બરફથી પાણી એકદમ ગ્રીન બનશે) નાખી એની પેસ્ટ બનાવી લેવી. પછી એમાં ૨-૩ કપ ઠંડું પાણી ઉમેરી એક બાઉલમાં આ પાણીને જૂસરની ગળણીમાં ગાળી ફ્રિજમા ઠંડું થવા દેવું.
સ્ટેપ-૩ ગળ્યું પાણી : સામગ્રી ૭-૮ ખજૂર બીજ કાઢીને, ૧ ટુકડો આંબલી, ૧ ચમચી સાકર, ચપટી મીઠું
રીત : એક મિક્સર જારમાં ખજૂર, આંબલી, સાકર અને મીઠું લઈ એને પેસ્ટ બનાવી લેવી. જરૂર પડે તો તેમાં થોડું પાણી ઉમેરવું. એક બાઉલમાં ૧ કપ પાણીમાં આ પેસ્ટ ઉમેરી ગળ્યું પાણી તૈયાર કરી ફ્રિજમાં ઠંડું થવા દેવું.
સ્ટેપ-૪ બટેટાનું પૂરણ સામગ્રી : ૨-૩ બાફેલા બટેટા, ૧/૪ ચમચી મરી પાઉડર, ૧/૪ ચમચી, શેકેલા જીરાનો પાઉડર અને મીઠું
રીત : બાફેલા બટેટાની છાલ છોલી તેમાં મરી, જીરું અને મીઠું ઉમેરી તૈયાર કરવી.
સ્ટેપ-૫ સર્વ કરવા : દરેક પૂરીમાં કાણાં પાડી બટેટાનું પૂરણ ભરવું અને પ્લેટમાં મૂકવું. એક બાઉલમાં તીખું પાણી અને બીજા બાઉલમાં ગળ્યું પાણી મૂકી સર્વ કરવું.
કુટ્ટુની ટિક્કી ચાટ અને સૅન્ડવિચ ઢોકળાં
છાયા ઓઝા
સામગ્રી : ૧૦૦ ગ્રામ શક્કરિયાં, ૫-૬ ચમચી કુટ્ટુનો લોટ, આદુંમરચાંની પેસ્ટ, નમક, જરૂરિયાત મુજબ પાણી.
રીત : શક્કરિયાંને વરાળમાં બાફી લેવાં. એમાં કુટ્ટુનો લોટ, આદુંમરચાંની પેસ્ટ અને મસાલા મિક્સ કરી જરૂરિયાત મુજબ પાણી નાખીને ટિક્કી બનાવી લેવી. આ ટિક્કીને એક ફ્રાયર અથવા તવા પર શૅલો ફ્રાય કરી લેવી. ટિક્કીને સર્વ કરવા માટે વલોવેલું દહીં રેડીને ઉપરથી ચાટ મસાલો, જીરું પાઉડર, બારીક સમારેલાં કાકડી, ટમેટાં, કોથમીર-ફુદીનાની ચટણી, મીઠી ચટણી નાખવી. ઉપરથી ક્રન્ચ માટે જુવાર-બાજરીના કડક ખાકરાની ચૂરી કરીને ભભરાવવી.
કુટ્ટુનાં સૅન્ડવિચ ઢોકળાં
સામગ્રી : ૧ કપ કુટ્ટુનો લોટ, સૅન્ડવિચમાં સ્ટફિંગ કરી શકાય એ માટે કાકડી, ટમેટાં, એક કપ કોથમીર-ફુદીનાની ચટણી.
રીત : કુટ્ટુના લોટને દહીંમાં ૪-૫ કલાક પલાળી આથો લાવવા માટે મૂકી રાખો. એમા સ્વાદ મુજબ મીઠું નાખીને પાતળું પડ બને એવાં ઢોકળાં ઉતારી લેવાં. આ ઢોકળાનાં બે લેયર વચ્ચે ચટણી લગાવી કાકડી, ટમેટા મૂકીને સૅન્ડવિચ બનાવી દેવી. કોથમીર ફુદીનાની ચટણી સાથે સર્વ કરો.
મિલેટ કોથમીર વડી
ભારતી ભાનુશાલી
સામગ્રી : અડધો કપ નાચણીનો લોટ, અડધો કપ બાજરાનો લોટ, અડધો કપ ચણાનો લોટ, ૧ ઝૂડી ઝીણી કાપેલી કોથમીર, ૧ ચમચી આદુંમરચાં-લસણની પેસ્ટ, પા ચમચી હળદર, અડધી ચમચી ધાણાજીરું પાઉડર, અડધી ચમચી ગરમ મસાલો, પા કપ સિંગદાણાનો જાડો પાઉડર, અડધો કપ દહીં, ૨ ચમચી તલ, સ્વાદાનુસાર મીઠું
રીત : સૌપ્રથમ ત્રણેય લોટ મિક્સ કરી એમાં દહીં, મીઠું, હળદર અને બે કપ પાણી નાખી ખાંડવી જેવું (થોડું જાડું) ખીરું બનાવી બાજુ પર મૂકવું. એક કડાઈમાં મોટો ચમચો તેલ નાખી તેલ ગરમ થાય એટલે એમાં કોથમીર તેમ જ ઉપર જણાવેલી બાકીની સામગ્રી નાખીને બેથી ૩ મિનિટ હલાવવું. ત્યાર બાદ
એની ઉપર ખીરું નાખીને ૫થી ૭ મિનિટ હલાવતા જવાનું. ખીરું ઘટ્ટ થાય અને કડાઈથી છૂટું પડવા લાગે ત્યારે ગૅસ બંધ કરીને એક ટ્રેમાં પાથરી દેવું. ઉપર તલ ભભરાવવા. ઠંડું થાય એટલે ચોરસ ટુકડા કરવા અને ત્યાર બાદ એને તેલમાં તળવા અથવા શૅલોફ્રાય કરવા. લીલી ચટણી અને ટમૅટો કેચપ સાથે સર્વ કરવું.