Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > ફરાળ ઍન્ડ મિલેટ ફેસ્ટિવલ : આજે શીખો આ વાનગીઓ

ફરાળ ઍન્ડ મિલેટ ફેસ્ટિવલ : આજે શીખો આ વાનગીઓ

13 September, 2023 08:00 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આજે શીખો ફરાળી કટોરી ચાટ /સાબુદાણા કટોરી ચાટ, ​શિંગોડાના પેંડા અને મિલેટ ડ્રાયફ્રૂટ મોદક

પ્રતીકાત્મક તસવીર

‘મિડ-ડે’ રેસિપી કૉન્ટેસ્ટ ૨૦૨૩

પ્રતીકાત્મક તસવીર


વ્રત વિશેષ ફરાળી કટોરી ચાટ /સાબુદાણા કટોરી ચાટ
નમ્રતા ઠક્કર


ક્રિસ્પી સાબુદાણાની કટોરી, આકર્ષક ચાટથી ભરેલી. ઉપવાસ તહેવાર કરતાં ઓછો નથી. કટોરી ચાટ ખાતી વખતે તળેલા બટેટા અને સાબુદાણાની ક્રિસ્પી કટોરી સાથે મોઢામાં ઘણી ફ્લેવર, ટેક્સ્ચર અને સ્વાદ હોય છે.
સામગ્રી : ૧/૨ કપ સાબુદાણા, ૨ બાફેલા બટાકા, ફરાળી મીઠું સ્વાદ માટે, ૩-૪ ચમચી તાજી સમારેલી કોથમીર,  ૨-૪ ચમચી આદું-મરચાં સમારેલાં/પેસ્ટ, ૧/૪ કપ શેકેલી મગફળીનો ભૂકો, તળવા માટે તેલ
ચાટ માટે : બાફેલા અને મૅશ/ક્યુબ બટેટા, ક્રશ શિંગદાણા, ફરાળી મીઠું, ફરાળી ચેવડો, દહીં, ગ્રીન ચટણી, આમલી ચટણી, લાલ મરચું, દાડમના દાણા, સમારેલા લીલા ધાણા.
રીત : ૧) સાબુદાણાને ધોઈ લો. ૧/૨ કપ પાણીમાં ૬/૮ કલાક પલાળી રાખો. પછી સાબુદાણા બધું પાણી પલાળી જશે અને નરમ થઈ જશે.
૨) એક બાઉલમાં પલાળેલા સાબુદાણા, ફરાળી મીઠું, તાજા ધાણા, લીલાં મરચાં અને શેકેલા શિંગદાણા ઉમેરો. બાફેલા બટાકાને છીણી લો અને બાઉલમાં ઉમેરો.
૩) બધું સરસ રીતે મિક્સ કરો. પછી નૉનસ્ટિક ફ્રાઇંગ પૅનમાં તેલ ગરમ કરો.
૪) કણકમાંથી નાના-નાના બૉલ બનાવો. હવે કટોરીનો આકાર બનાવો.(તમે વડાં/સાબુદાણાના બૉલને પણ ફ્રાય કરી સર્વ કરી શકો)
૫) કટોરીને ગરમ તેલમાં વધુ આંચ પર બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો અને પ્લેટમાં કાઢી લો.
હવે ચાટ બનાવવાની રીત (સર્વિંગ): ૧) ફ્રાય કરેલી સાબુદાણા કટોરીને બહાર કાઢો. એમાં બાફેલા અને મૅશ કરેલા/નાના ક્યુબ બટેટા, ક્રશ શિંગદાણા, ફરાળી ચેવડો, દહીં, ગ્રીન ચટણી, આમલી ચટણી, ફરાળી મીઠું, લાલ મરચું સ્પ્રિંકલ કરી દાડમના દાણા, સમારેલા લીલા ધાણા નાખવાં. હવે સાબુદાણા કટોરી ચાટ સર્વ કરવા માટે તૈયાર છે.

 


​શિંગોડાના પેંડા

બિન્દુ તન્ના

સામગ્રી : શિંગોડાનો લોટ ૨૦૦ ગ્રામ, ઘી ૧/૨ કપ, દૂધનો પાઉડર ૧/૨ કપ, બૂરું સાકર ૧/૨ કપ, ઇલાયચી પાઉડર ૧ ચમચી.
રીત : એક પૅનમાં અડધા ભાગનું ઘી લઈ શિંગોડાનો લોટ નાખી એને ધીમા તાપે શેકવો. બાકીનું ઘી ધીરે-ધીરે નાખતા જવું અને લોટ લગભગ ૧૫ ​મનિટ સુધી ગોલ્ડન બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી શેકવો. હવે એમાં મિલ્ક પાઉડર નાખીને બરાબર મિક્સ કરો. પૅનને ગૅસ પરથી ઉતારી એમાં બૂરું સાકર અને ઇલાયચી પાઉડર નાખીને મિક્સ કરવું. મિશ્રણ થોડું ઠંડું થાય એટલે એના પેંડા વાળી બૂરું સાકરમાં રોલ કરી પ્લેટમાં મૂકવા.

 

મિલેટ ડ્રાયફ્રૂટ મોદક

દિવ્યા વોરા

સામગ્રી : એક વાટકી નાચણી, જુવાર, બાજરી અને ઘઉંનો લોટ, ૧૦-૧૫ નંગ કાજુ-બદામ, થોડાં મગજતરીનાં બી, ૨ ચમચી ઘી, અડધી વાટકી ગોળ, કેવડા એસેન્સ
રીત : બધા લોટને સાથે નાખીને ચાળણીથી ચાળી લો. એક ચપટી મીઠું નાખી, મોણ નાખી લોટ બાંધી લો (કડક) અને થોડી વાર રાખી મૂકો. એક કડાઈમાં કાજુ-બદામ (સમારેલ) અને મગજતરીનાં બીને ઘી વગર શેકી લો. થોડાં ગરમ થઈ જાય એટલે સાઇડમાં કાઢી મૂકો. હવે લોટ જે બાંધેલો છે એના લૂવા કરી રોટલીની જેમ વણી લો અને તવા ઉપર ધીમા તાપે શેકી લો. ગુલાબી રંગમાં અને હવે ઠંડું થવા દો. ઠંડું થઈ જાય એટલે નાના-નાના કટકા કરીને મિક્સીમાં પીસી લો. પીસી લીધા પછી કઢાઈમાં ઘી મૂકી ચાળેલો બધો લોટ નાખી શેકી લો. સુગંધ આવે ત્યાં સુધી અને એને સાઇડમાં મૂકી દો. હવે થોડું ઘી નાખી એમાં ગોળ નાખી પલાળવા દો. ગોળ પલળી જાય પછી એમાં શેકેલાં કાજુ-બદામ અને મગજતરીનાં બી નાખી લોટ પણ સાથે નાખી દો. બધું સારી રીતે મિક્સ કરી દો અને પછી કઢાઈમાંથી કાઢી થાળીમાં પાથરી દો અને થોડું ઠંડું થઈ જાય એટલે મોદકના સાંચામાં નાખી મોદકના શેપ આપી દો (તમને ભાવતાં ડ્રાયફ્રૂટ નાખી શકાય).

Whatsapp-channel Whatsapp-channel

13 September, 2023 08:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK