પોતાના પૅશનને ઘરની બહાર લઈ આવી છે ૧૯ વર્ષની રિદ્ધિ ઓસવાલ, માત્ર વીક-એન્ડમાં જ સાંજે ખાવા મળે તેની સેલ્ફમેડ આઇટમો
૧૯ વર્ષની રિદ્ધિ ઓસવાલ
કેક બનાવવી જેટલી સરળ લાગે છે એટલી જ એ હકીકતમાં કૉમ્પ્લીકેટેડ હોય છે. દરેકેદરેક વસ્તુનું માપ, સામગ્રી અને બેકિંગ પ્રોસેસ જો જરાસરખાં પણ આગળ-પાછળ થઈ જાય તો બધી મહેનત પાણીમાં જતી રહે છે. એટલે એ માટે પ્રૉપર ટ્રેઇનિંગ લેવી મસ્ટ હોય છે જેના માટે તમારે અમુક સમય આપવો પડે છે. જોકે ઘાટકોપર-ઈસ્ટમાં એમ. જી. રોડ પર એક કૉલેજિયન છોકરીને જાતજાતની હોમમેડ કેક, પેસ્ટ્રી વગેરે વેચતી જોઈને તમને નવાઈ લાગશે કે આટલી નાની ઉંમરે તે આટલી એક્સપર્ટ કેવી રીતે થઈ હશે. અમને પણ આવો જ સવાલ થયો એટલે અમે તેની સાથે વાત કરી જે ઘણી દિલચસ્પ છે.
ADVERTISEMENT
અસૉર્ટેડ બ્રાઉની (બૉક્સ ઑફ 4)
ઘાટકોપરમાં રહેતી અને કૉલેજમાં અભ્યાસ કરી રહેલી રિદ્ધિ ઓસવાલ નાનપણથી જ કેક બનાવવાનો શોખ ધરાવે છે. સ્કૂલમાં કેક બનાવવાનો ટાસ્ક તેના માટે ક્યારે પૅશન બની ગયો એની તેને ખબર પણ ન પડી. આ વિશે વધુ માહિતી આપતાં રિદ્ધિ કહે છે, ‘હું ૧૨ વર્ષની હતી ત્યારથી કેક બનાવું છું. શરૂઆતમાં કેક વગેરે હું ઘરમાં, ફૅમિલીમાં તેમ જ ઓળખીતા લોકો સાથે શૅર કરતી હતી. તેઓ દરેક જણ મારી કેકનાં વખાણ કરતા. ધીરે-ધીરે હું અલગ-અલગ જાતની કેક, પેસ્ટ્રી, કપકેક વગેરે બનાવતી થઈ ગઈ. બધાને એ ભાવવા લાગી એટલે મને થયું કે કેમ ન હું મારું પૅશન ઘરની બહાર લઈ જાઉં. એટલે મેં એક સ્ટૉલ ચાલુ કર્યો જ્યાં હું અલગ-અલગ વરાઇટીની કેક ને બધું વેચવા લાગી.’
ચૉકલેટ અસૉર્ટેડ કપકેક (બૉક્સ ઑફ 6)
આ સ્ટૉલનું નામ ‘કેક-ઓ-ડિલાઇટ’ રાખવામાં આવ્યું છે. રિદ્ધિ પોતાના સ્ટડી અને પૅશન બન્ને વચ્ચે સંતુલન જાળવી રાખવા માગે છે એટલે સ્ટૉલ માત્ર વીક-એન્ડમાં ખુલ્લો હોય છે. બાકીના દિવસોમાં ઑનલાઇન ઑર્ડર લેવામાં આવે છે. આ સ્ટૉલ પર રિદ્ધિની સાથે તેના પેરન્ટ્સ પણ તેને સપોર્ટ આપવા માટે ઊભા રહે છે. અહીંની ડિશની વાત કરીએ તો બ્રાઉની ખૂબ જ લોકપ્રિય છે જેમાં અસૉર્ટેડ બ્રાઉની બૉક્સનો ઑપ્શન છે એવી જ રીતે કપકેકમાં પણ એવું છે. જાર કેકમાં સ્ટ્રોબૅરી અને કૉફી જાર લોકોને પસંદ પડી રહ્યાં છે તેમ જ ચીઝ કેક માટે સૌથી વધુ ડિમાન્ડ રહે છે.
કૉફી જાર કેક
ક્યાં મળશે? : એમ. જી. રોડ, પૂજા હોટેલની સામે, ઘાટકોપર (ઈસ્ટ)
ક્યારે? : શનિવાર અને રવિવાર, સાંજે ૬ વાગ્યાથી રાત્રે ૧૦-૧૦.૩૦ વાગ્યા સુધી

