જોધપુરની પ્રખ્યાત મિર્ચી વડાની રેસીપી ઘરે જ સરળ રીતે બનાવો. બટાટાના મસાલાથી ભરેલા મોટા મરચાંને ચણાના લોટના ખીરામાં ડુબાડી તળીને તૈયાર કરો કરકરા અને સ્વાદિષ્ટ નાસ્તા.
આજની રેસિપી : જોધપુરનાં ફેમસ મિર્ચી વડાં
સામગ્રી : ચારથી પાંચ લાંબાં મોળાં મરચાં, ૩ બટાટા, મીઠું, લાલ મરચું, હળદર, આદું-મરચાંની પેસ્ટ, ગરમ મસાલો, લીંબુનો રસ, કોથમીર, ચણાનો લોટ, ચપટી સોડા, તળવા માટે તેલ એક ચમચી આખા ધાણા, એક ચમચી જીરું, એક ચમચી વરિયાળીને અધકચરા વાટી લેવા.
બનાવવાની રીત : મરચાંમાં લાંબો કાપો કરીને બી કાઢી લેવાં. બટાટા બાફીને માવો કરી લેવો. એક કડાઈમાં બેથી ૩ ચમચી તેલ મૂકીને એમાં અધકચરા વાટેલાં ધાણા, જીરું અને વરિયાળી બેથી ૩ મિનિટ સાંતળી લેવાં. એમાં હળદર અને આદું-મરચાંની પેસ્ટ નાખીને બટાટાનો માવો નાખવો. પછી લાલ મરચું, ગરમ મસાલો, લીંબુનો રસ, કોથમીર નાખીને મિક્સ કરવું. ગૅસ પરથી ઉતારી થાળીમાં રેડી કરેલો બટાટાનો માવો ઠંડો થવા દેવો. એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું. ચણાના લોટમાં મીઠું, હળદર અને સોડા નાખીને થોડું થિક ખીરું રેડી કરવું, ઠંડો થયેલો બટાટાનો માવો મરચાંમાં ભરી ચણાના લોટના ખીરામાં ડીપ કરીને ધીમા તાપે તેલમાં તળી લેવાં. તૈયાર છે જોધપુરનાં ફેમસ મિર્ચી વડાં.
