સરાફા બજારમાં અમને ગરાડૂ ખાવા મળી ગયું જે સામાન્ય રીતે શિયાળામાં જ જોવા મળતું હોય છે, પણ આ સીઝનમાં એનો પાક વહેલો આવી ગયો છે
ગરાડૂ ચાટ અને સંજય ગોરડિયા
આપણી વાત ચાલી રહી છે ઇન્દોરની સરાફા બજારની. જ્યાં જઈને અમે સીધા પહોંચ્યા શ્રી ઓમ શીખવાલ ચાટ સેન્ટર પર અને ત્યાં જઈને અમે ટ્રાય કરી પાણીપૂરી, એ પછી ટ્રાય કર્યાં શાહી દહીબડા અને દહી પતાશે. અન્ન પેટમાં જવા માંડ્યું એટલે માંહ્યલો બકાસુર પણ આળસ ખાઈને બેઠો થઈ ગયો, એણે અંદરથી દેકારો મચાવી દીધો એટલે પછી હું પણ સરાફા બજારમાં નજર દોડાવવા માંડ્યો કે હવે શું આરોગું.
હું કંઈ વધારે વિચારું એ પહેલાં તો અમારા ઑર્ગેનાઇઝર અમારી પાસે આવ્યા અને કહ્યું કે તમારે અહીં ગરાડૂ મળે તો ખાવું જોઈએ, બહુ મજા આવશે.
ADVERTISEMENT
આ જે ગરાડૂ છે એ એક પ્રકારનું કંદમૂળ, પણ તમે એને સૂરણ કે શક્કરિયાં સાથે સરખાવવાની તો ભૂલ બિલકુલ નહીં કરતા. હા, તમે એને સૂરણના ભાઈ જેવું કહી શકો પણ સૂરણ તો નથી જ નથી. આ ગરાડૂ અહીં માત્ર ને માત્ર ઠંડીની સીઝનમાં જ મળે, પણ મારા ને તમારા સદનસીબે અમને અત્યારના ચોમાસાના દિવસોમાં પણ ગરાડૂ મળી ગયાં. આ જે ગરાડૂ તમને આપે એ પ્લેટ મુજબ મળે. એક પ્લેટમાં ગરાડૂના તેલમાં ડીપ-ફ્રાય કરેલા નાના-નાના ટુકડા હોય અને એના ઉપર ચાટ મસાલો, નિમક, કાળાં મરીના પાઉડર અને એવું બધું છાંટ્યું હોય. ખાવામાં મજા આવી જાય એવો એનો ટેસ્ટ હતો. ગરાડૂનો મેં તો મારી લાઇફમાં પહેલી વાર ટેસ્ટ કર્યો. ખાવામાં સહેજ હાર્ડ કહેવાય એવા એ હોય છે. તમે સુરતના જે કંદ હોય છે એની આસપાસનો ટેસ્ટ પણ ગણાવી શકો.
ગરાડૂ બે પ્રકારનાં અહીં મળતાં હોય છે. એક તો તળેલાં અને બીજાં બાફેલાં, પણ બન્ને પર મસાલો સરખો જ છાંટતા હોય છે. ગરાડૂ અમે પૂરું કર્યું ત્યાં તો અમને કહેવામાં આવ્યું કે હવે તમે ‘ભુટ્ટે કા કીસ’ ખાજો. નામ જોતાં જ આપણને લેવાનું, સૉરી ખાવાનું મન થઈ આવે એવી આ વરાઇટી હતી.
આ જે ભુટ્ટે કા કીસ છે એમાં મકાઈના રોસ્ટ કરેલા દાણા હોય. આખેઆખો મકાઈનો ભુટ્ટો રોસ્ટ કરી એના દાણા છૂટા કરી નાખવામાં આવે અને એ છૂટા કરેલા દાણાનો ચૂરો કરી એના ઉપર મસાલો છાંટીને તમને આપે. આ ભુટ્ટે કા કીસનો સ્વાદ જો કોઈની સાથે સરખાવવો હોય તો કહી શકાય કે સુરતમાં અમીરી ખમણ કેવું લાગે, એવું જ એ લાગતું હતું. બસ, ઉપર સેવ નાખેલી નહોતી. સ્વાદમાં મજા આવે એવી વરાઇટી અને હેલ્થ માટે પણ લાભદાયી કહેવાય એવી વરાઇટી.
સરાફા બજારમાં નજર નાખતાં-નાખતાં અમે આગળ વધ્યા તો અમારું ધ્યાન ગયું કે બહુ બધી જગ્યાએ ફરાળી ભેળ મળતી હતી. મને થયું કે આટલી બધી જગ્યાએ મળે છે તો નક્કી અહીંની ફરાળી ભેળમાં ખાસ કંઈ હોતું હશે, ચાલો ટ્રાય કરીએ.
સરાફા બજારમાં મળતી આ ફરાળી ભેળ જેવી ભેળ હવે બરોડા અને અમદાવાદમાં ઘણી જગ્યાએ મળવા લાગી છે અને અગાઉ તમને એના વિશે આ જ કૉલમમાં કહ્યું પણ છે. આ જે ફરાળી ભેળ છે એમાં બટેટાની જાડી વેફર પણ નાખી હોય, ફરાળી ચેવડો પણ નાખ્યો હોય અને એમાં સાબુદાણાની થોડી ખીચડી પણ હોય. આ બધા પર લીલાં મરચાં હોય અને એમાં થોડું દહીં અને એના પર જાતજાતની ચટણીઓ નાખી હોય. મજા-મજા પડી જાય અને દરરોજ એકટાણા કરવાનું મન થઈ આવે એવી સ્વાદિષ્ટ એ ફરાળી ભેળ હતી પણ સાહેબ, એ ફરાળી ભેળ પછી અમે જે એક વરાઇટીનો આસ્વાદ માણ્યો, અદ્ભુત. માશાલ્લાહ...
તમને એમ થાય કે આપણે એ વરાઇટી ખાવા માટે ખાસ ઇન્દોરની સરાફા બજારમાં જઈએ અને એની જયાફત માણીએ પણ એ વરાઇટી કઈ હતી અને કોને ત્યાં અમે એ ટેસ્ટ કરી એની વાત આપણે કરીશું આવતા ગુરુવારે. મળીએ ત્યારે ફરીથી સરાફા બજાર સાથે આવતા અઠવાડિયે.
બજાર એ જ, પણ સ્વાદ અને આઇટમ નવાં.

