નરીમાન પૉઇન્ટ પાસે આવેલી દીપાલી મહેતાની કોન્ડેશ્વર મિસળ નામની ફૂડ-ટ્રક એનાં ઠેચા વડાપાંઉ, કોલ્હાપુરી મિસળ અને થાલીપીઠ જેવી આૅથેન્ટિક કોલ્હાપુરી વાનગીને લીધે પ્રખ્યાત છે
ગુજરાતીના હાથનું આૅથેન્ટિક મહારાષ્ટ્રિયન ફૂડ ખાવું છે?
એક મરાઠી માણૂસ ઑથેન્ટિક મહારાષ્ટ્રિયન વાનગી બનાવવામાં પાવરધો હોય તો નવાઈ લાગતી નથી, પરંતુ કોઈ ગુજરાતી વ્યક્તિ પારંપરિક મહારાષ્ટ્રિયન વાનગી બનાવી જાણતી હોય અને એ વેચતી હોય તો ચોક્કસ નવાઈ લાગે. મરીન લાઇન્સ પાસે દીપાલી મહેતા નામનાં એક ગુજરાતી લેડી રોજ પોતાની ફૂડ-ટ્રક લગાડે છે અને કોલ્હાપુરી સ્ટાઇલના મિસળ સહિત બીજી અનેક વાનગીઓનો ચટાકો કરાવે છે.
નરીમાન પૉઇન્ટ પર ટ્રાઇડન્ટ હોટેલ નજીક રોજ એક ફૂડ-ટ્રક આવીને ઊભી રહે છે જેનું નામ કોન્ડેશ્વર મિસળ છે. એ એક ગુજરાતી મહિલા દ્વારા ચલાવવામાં આવે છે. એ વિશે જાણકારી આપતાં કોન્ડેશ્વર મિસળનાં ઓનર અને શેફ દીપાલી મહેતા કહે છે, ‘મારા હસબન્ડના ગયા બાદ મારે મારાં બન્ને બાળકોને આગળ ભણાવવા માટે પગભર થવાની જરૂર પડી હતી. કોઈ નવી જગ્યાએ કોઈ પણ પ્રકારના અનુભવ અને તાલીમ વગર નોકરી કરું એના કરતાં જેમાં મારી આવડત અને હોશિયારી છે એમાં જ આગળ વધું એમ વિચારીને મેં મારો ટિફિનનો બિઝનેસ શરૂ કર્યો જેમાં મને ખૂબ જ સફળતા મળી. હવે એનાથી આગળ વધીને થોડું મોટું સાહસ કરવાનો મેં વિચાર કર્યો અને પોતાનું ફૂડ-આઉટલેટ શરૂ કર્યું જે ચંદનવાડીમાં છે. એમાં પણ સફળતા મળતાં મેં નરીમાન પૉઇન્ટ પર ફૂડ-ટ્રક શરૂ કરી. નરીમાન પૉઇન્ટ તરફ નોકરી કરવા આવતો વર્ગ પણ મોટો છે તેમ જ બીજી બાજુ દરિયો હોવાથી ટૂરિસ્ટ પણ વધુ આવતા હોય છે એટલે મેં આ જગ્યા પસંદ કરી. મને પહેલેથી મહારાષ્ટ્રિયન ફૂડ બનાવવાનો ખૂબ શોખ હતો અને મારી સારીએવી હથોટી પણ હતી એટલે મેં એની જ ફૂડ-ટ્રક શરૂ કરી. અહીં હું કોલ્હાપુરી મિસળ, કોલ્હાપુરી ઠેચા પાંઉ, સોલ કઢી, ઉસળ, થાલીપીઠ, પૂરીભાજી, વડાપાંઉ, ઝુણકા, સાબુદાણા વડાં વગેરે બનાવીને વેચું છું.’
ADVERTISEMENT
ક્યાં મળશે ? ૧.કોન્ડેશ્વર મિસળ, ટ્રાઇડન્ટ હોટેલની બાજુમાં, DCB ૨.બૅન્કની સામે, નરીમાન પૉઇન્ટ.
લોટિકર બિલ્ડિંગ, ચંદનવાડી, કાલબાદેવી સમય : સવારે ૧૦ વાગ્યાથી રાત્રે ૮ વાગ્યા સુધી
