આ મેનુ ભારતીય વાનગીઓને જોવાનો આપણો નજરિયો બદલી નાખે એવું છે

ચિલી ચીઝ ટોસ્ટી
નવ વર્ષ પહેલાં ભારતમાં મોલેક્યુલર ગૅસ્ટ્રોનૉમીના પ્રયોગથી ફૂડ સાયન્સ ઇન્ટ્રોડ્યુસ કરનારી ‘મસાલા લાઇબ્રેરી બાય જિગ્સ કાલરા’એ હાલમાં નવું ટેસ્ટિંગ મેનુ લૉન્ચ કર્યું છે. આ મેનુ ભારતીય વાનગીઓને જોવાનો આપણો નજરિયો બદલી નાખે એવું છે. ચટણી, અથાણાં, છુંદા જેવી સાઇડ ડિશને જો હોશિયારીથી વાપરો તો એ આટલી સ્વાદિષ્ટ લાગી શકે એ સમજાશે
ભુટ્ટે કી કીસ
ફાઇન ડાઇન રેસ્ટોરાંઓમાં તમે ત્રણથી ચાર વાનગીઓ મગાવો એટલામાં તમારું પેટ પણ ફુલ થઈ જાય અને તમારું બજેટ પણ ક્રૉસ થઈ જાય. જો દસ-પંદર વાનગીઓનો રસથાળ ચાખવો હોય તો થાળી પિરસતી રેસ્ટોરાંમાં જવું પડે. પણ એ થાળીમાં ફૂડ સાયન્સના પ્રયોગો અને ગૉરમે ડિશીઝ જેવી મજા ન મળે. આ બન્નેનું કૉમ્બિનેશન મળે છે ટેસ્ટિંગ મેનુમાં. આ પ્રકારના મેનુની શરૂઆત કરી હતી પ્રિન્સ ઑફ ઇન્ડિયન ક્વિઝીન કહેવાતા ઝોરાવર કાલરાએ ‘મસાલા લાઇબ્રેરી બાય જિગ્સ કાલરા’માં. ટ્રેડિશનલ ડિશીઝને ગ્લોબલ ટચ આપવા માટે જાણીતી આ રેસ્ટોરાંમાં પહેલી વાર નવ વર્ષ પહેલાં મોલેક્યુલર ગૅસ્ટ્રોનૉમીના પ્રયોગો થયેલાં અને એ પછી અવારનવાર એના મેનુમાં નાના-મોટા ચેન્જિસ થતા આવ્યા છે. તાજેતરમાં આ ટેસ્ટિંગ મેનુમાં દિલથી દેશી વાનગીઓને ગ્લોબલ ટચ સાથે રજૂ કરતું નવુંનક્કોર મેનુ તૈયાર કર્યું છે શેફ રાહુલ પંજાબીએ. છ પ્રકારનાં મેનુ છે. નૉન-વેજ ઉપરાંત વેજિટેરિયન, વીગન, જૈન અને ટ્રફલ મેનુ એમ પાંચ પ્રકારનાં મેનુ અહીં અવેલેબલ છે અને દરેકમાં લગભગ પંદર વાનગીઓ છે.
પટેટો બોન્દા મોચી
અમે વેજિટેરિયન ટેસ્ટિંગ મેનુ ટ્રાય કર્યું. એકેએક ડિશને તૈયાર કરવામાં જે જહેમત ઉઠાવવામાં આવી છે એ સ્વાદમાં અને ટેક્સ્ચરમાં વર્તાય છે. દરેક ડિશ સર્વ કરવા માટે જે ક્રૉકરી યુઝ કરવામાં આવી છે એ પણ મનમોહી લે એવી છે.
ઝુુકીની ફ્લાવર પોશ્તો
સૌથી પહેલાં દહી પૅનાકોટા, રાસબેરી ચટણી અને બુંદી પિરસવામાં આવે છે. એક જ કોળિયામાં આવી જાય એવી આ ડિશ છે, પણ એનું સર્વિંગ અફલાતૂન. દહીમાંથી પૅનાકોટા સ્ટાઇલની રિન્ગ બનાવવામાં આવી છે એની અંદર રાસબેરીની ચટણીનું ફીલિંગ છે અને ચોમેર બારીક બુંદી છે. દહીં-રાસબેરીની ખટમીઠી ફ્લેવર અને બુંદીનો ક્રન્ચ માશાલ્લાહ!!! બીજી વાનગી છે પાણીપુરી. ક્રન્ચી પુરીની અંદર ભૂંજેલા વૉટરમૅલનનું ચ્યુઇ પૂરણ ભરેલું છે. અને પાણીમાં છે લેમનગ્રાસ, જાસૂદ અને રોઝ વૉટરની ફ્લેવર. સાંભળવામાં અજીબ લાગે એવું આ કૉમ્બિનેશન સ્વાદમાં મજાનું રીફ્રેશિંગ છે.
ત્રીજી વાનગી છે ચિલી ચીઝ ટોસ્ટી. બ્રિઓશ બ્રેડની ઉપર ચિલી-ચીઝ અને પટેટોનું જાડું સ્પ્રેડ લગાવેલું છે એની ઉપર પર્પલ કંદની ચિપ્સ ઊભી સજાવેલી છે. સ્પ્રેડની અંદર ખોસેલી હોવા છતાં ચિપ્સ જરાય પોચી પડતી નથી. ચિપ્સની ઉપર છાંટેલો ચાટ મસાલો પણ એટલો જીભે વળગે એવો છે કે નાના બાળકની જેમ ચિપ્સ ચાટવાનું મન થઈ જાય.
ચોથી વાનગી છે ભુટ્ટે કી કીસ. ઇટાલિયન પેસ્ટ્રી માટે વપરાતા લોટમાંથી બાસ્કેટ જેવું બનાવ્યું છે અને એની અંદર બાફેલી કૉર્નનું ક્રીમી પૂરણ છે. આ ડિશને કાચા મકાઈના દાણાની અંદર ખોસીને પિરસવામાં આવી છે. હવે પછીની જે વાનગી છે એનું નામ બહુ જ કૉમન છે, પણ એનો સ્વાદ લાવવા માટે માત્ર શેફની જ મહેનત નથી. એમાં વપરાતાં ઇન્ગ્રેડિયન્ટ ઉગાડનારાં ખેડૂતની પણ મહેનત લાગેલી છે. નામ છે મેથી મટર મલાઈ ટાર્ટલેટ. એમાં જે વટાણા વપરાયેલાં છે એ ટીઅરડ્રૉપ સાઇઝનાં છે. શેફ રાહુલ પંજાબી આ વાનગીનું રાઝ ખોલતાં કહે છે, ‘આ મટર ખાસ ખેડૂત પાસે ઉગાડવામાં આવ્યા છે. આ ખેડૂત વટાણા પૂરાં મૅચ્યોર થાય એ પહેલાં જ હાર્વેસ્ટ કરી લે છે એને કારણે વટાણાના દાણા ખૂબ કૂમળા અને નાની સાઇઝનાં હોય છે અને એલચી સાથે એની સ્વીટનેસ તમે ફીલ કરી શકો એવી છે.’ આ મહેનત જીભને ગમે એવી છે જ માટે મસ્ટ ટ્રાય.
એ પછી આવે છે ગુચી ક્રૉકેટ. ગુચી મશરૂમના પૂરણવાળી આ ફ્રાઇડ પકોડા જેવી આઇટમ બ્લૅક લસણ અને ગોળકેરી ચટણીની સાથે સર્વ થાય છે. મશરૂમની સાથે ગોળકેરીનું કૉમ્બિનેશન પહેલી વાર ચાખ્યું અને કહેવું પડે કે એ ભલે અજીબ હોય, ગમે એવું તો છે જ.
ટેસ્ટિંગ મેનુમાં ઇન્ડિયાની ઘણીબધી વિશેષતાઓને સમાવવામાં આવી છે ને એમાં સિંધી સ્ટાઇલ પિન્ડી છોલે કુલચા પણ છે. અલબત્ત એ સ્ટાર્ટરની જેમ બાઇટ સાઇઝમાં છે. દસ રૂપિયાના સિક્કાથી સહેજ મોટા એવાં મિની કુલચાની ઉપર સિંધી સ્ટાઇલ પિન્ડી છોલેમાં આમલી અને આથેલાં આદુંનો સ્વાદ સ્પષ્ટ વર્તાય એવો છે.
મેથી મટર મલાઈ ટાર્ટલેટ
ત્યાર બાદ જે ડિશ સર્વ થઈ એનું નામ છે પટેટો બોન્દા મોચી. સાઉથ ઇન્ડિયાની આ પૉપ્યુલર વાનગીમાં વડાની અંદર બટાટાનું પૂરણ હોય છે. જોકે એમાં ટ્વિસ્ટ મળ્યો છે પીનટ ચટણીનો. બહારથી અવાજ આવે એવો ક્રન્ચ ધરાવતા વડાને શેકેલા કઢીપત્તાંનો પાઉડર છાંટેલી પીનટ ચટણી સાથે ખાવાનું. કાર્બ અને પ્રોટીનનું બૅલૅન્સ સરસ છે.
એ પછી એક બંગાળી વાનગીનું ટ્વિસ્ટેડ વર્ઝન સર્વ થયું એ છે ઝુકીની ફ્લાવર પોશ્તો. અગેઇન એમાં પર અત્યંત કૂમળી ઝુકિનીની અંદર ટમેટાં, કઢીપત્તાં, ઝુકીનીનું પૂરણ છે અને સરસવ અને કસૂરી મેથીનો સ્વાદ છે. પહેલી નજરે દેખાવમાં નૉન-વેજ જેવી દેખાતી આ ડિશ પ્યૉર જૈન, વીગન પણ છે.
એક નવી એક્સપરિમેન્ટલ આઇટમ અમે ટ્રાય કરી એ હતી બર્ડ્સ નેસ્ટ. જાણે તમે પંખી છો અને તમારે ચણવાનું છે એવી જ ફીલ આ ડિશ જોઈને આવે. કેમ કે એમાં કટૈફી એટલે કે બારીક સેવૈયા રોસ્ટ કરીને માળાની જેમ સજાવેલી અને અંદર અચારી પનીર ફ્લેવરને છુંદાની ઉપર મૂકેલું છે. સૌથી ઉપર બાજરી, જુવાર, રાજગરા જેવા ધાન્યના દાણાને રોસ્ટ કરીને ચણની જેમ વેરવામાં આવ્યા છે. માળાની સજાવટની સાથે સ્વાદ પણ સરસ છે.
અત્યાર સુધીની બધી જ વાનગીઓ સ્ટાર્ટરની જેમ નાના-નાના પૉર્શનમાં સર્વ થાય છે એટલે તમે દરેક વાનગીનો લુત્ફ ઉઠાવી શકો છો. અને મેઇન કોર્સમાં ટિપિકલ પંજાબી સ્ટાઇલ સબ્જી-રોટી છે. ભીંડી ચાર પ્યાઝા, બેબી પટેટો કાશ્મીરી દમ અને પનીર બુરાટા લબાબદાર એ ત્રણ આઇટમોમાંથી એક સબ્જી, દાલ મખની, રોટલી અને પાપડ સાથે સર્વ થાય છે. અમે ભીંડી ચાર પ્યાઝા પસંદ કર્યું. એમાં નામ મુજબ ચાર પ્રકારનાં પ્યાઝ છે. રોસ્ટ કરીને કડક કરેલાં કાંદા, નરમ અને આથેલા કાંદા અની ભીંડીની જેમ શાકમાં ઉમેરાયેલા કાંદા. એની ઉપર કરકરી તળેલી ભીંડી. ગ્રેવીની સાથેનું આ કૉમ્બિનેશન આંગળાં ચાટી-ચાટીને ખાવાનું મન થાય એવું છે.
ડિઝર્ટમાં બે ઑપ્શન છે. એક શાહી છે શાહી ટુકડા વિથ જિંજર સ્નૅપ ટુઇલ. આમન્ડ મિલ્કમાં શાહી બ્રેડના ટુકડાની ઉપર આઇસક્રીમ છે અને એની પર છત બનાવી છે સ્નૅપની. સ્નૅપ એટલે બટર-પાણી અને સૂંઠમાંથી બનાવેલી કડક પતરી જેવું ડિઝર્ટ. સૉફ્ટ સ્વીટની સાથે આ સ્નૅપ રંગ રાખે છે.
ક્યાં? : મસાલા લાઇબ્રેરી બાય જિગ્સ કાલરા, ગ્રાઉન્ડ ફ્લોર, ફર્સ્ટ ઇન્ટરનૅશનલ ફાઇનૅન્શ્યલ સેન્ટર, સૉફીટેલ હોટેલની સામે, બીકેસી.
સમયઃ બપોરે ૧૨થી ૨.૩૦ અને રાતે ૭થી ૧૧.૩૦
ટેસ્ટિંગ મેનુ પ્રાઇઝ : ૨૯૦૦ રૂપિયા પ્લસ ટેક્સ (વેજિટેરિયન)
જલેબી કેવિયાર
મસાલા લાઇબ્રેરીમાં જાઓ અને જિગ્સ કાલરાની સિગ્નેચર ડિશ જલેબી કેવિયાર ટ્રાય ન કરો એવું કદી ન બનવું જોઈએ. અહીં રબડી જેવું દૂધ છે અને એમાં જલેબીને બુંદીના ફૉર્મમાં ક્રશ કરીને સાઇડમાં સર્વ કરવામાં આવી છે. છેલ્લાં લગભગ નવ વર્ષથી આ ડિશ ધૂમ મચાવે છે અને હજી મચાવશે એ નક્કી છે.