બોરીવલીમાં થોડા સમય પૂર્વે જ શરૂ કરવામાં આવેલા યમ્મી HQ નામના ફૂડ-જૉઇન્ટમાં પાસ્તા અને પીત્ઝાને કંઈક હટકે સ્વરૂપે રજૂ કરવામાં આવ્યા છે
બાઉલ ઓવર પાસ્તા, સ્ટાર ચીઝ બર્સ્ટ પીત્ઝા, પાસ્તા ઑન ફાયર સિઝલર
ઘણી વાર આપણે લોકોને કહેતાં સાંભળ્યા છે કે મને એટલી ભૂખ લાગી છે કે મન થાય છે જમવાની સાથે ડિશ પણ ખાઈ જાઉં. જાણે આ ઇચ્છાને હકીકતમાં લઈ લીધી હોય એમ બોરીવલીમાં નવા શરૂ થયેલા એક ફૂડ-જૉઇન્ટમાં એડિબલ બાઉલ બનાવવામાં આવી રહ્યા છે જેને ખાઈ શકાય છે. વાંચીને આશ્ચર્ય થશે, પણ આ હકીકત છે. આખી વાત શું છે એ ચાલો જાણીએ. પાસ્તા અને પીત્ઝા એવી ફૂડ-આઇટમ છે જે નાના બાળકથી લઈને સુપર સિનિયર સિટિઝન્સને પણ મોંમાં પાણી લાવી દે છે અને એમાં પણ જો આ આઇટમો ઘરમાં એકદમ ટેસ્ટી અને યમ્મી બનાવતા હોય તો પછી પૂછવું જ શું? તેને તો રેસ્ટોરાં જ ખોલી નાખવાની સલાહ આપી દેવામાં આવે છે. બસ, આવી જ ઢગલાબંધ ટિપ્પણીઓના પગલે ધકાણ કપલે પોતાની કૉર્પોરેટ જૉબ છોડીને નાનકડી યમ્મી HQના નામે રેસ્ટોરાં-કમ-ફૂડ જૉઇન્ટ શરૂ કર્યું છે જેમાં પાસ્તાની સાથે બાઉલ પણ ખાઈ શકાય છે. આ વિશે જાણકારી આપતાં યમ્મી HQનાં કો-ફાઉન્ડર પ્રાચી ધકાણ કહે છે, ‘મારા હાથના બનેલા પાસ્તા દરેકને ખૂબ જ ભાવતા હતા અને જે પણ મળે તે અમને તરત કહેતા કે તમારે રેસ્ટોરાં જ ખોલી નાખવી જોઈએ અને અમે ઉત્સાહી થઈને ફૂડ-જૉઇન્ટ ખોલી નાખ્યું. મારા હસબન્ડ વિરલ ધકાણનો મને ફુલ સપોર્ટ હતો. તેમણે મારા પૅશનને પ્રોત્સાહન આપવા પોતાની જૉબ પણ મૂકી દીધી છે અને આજે અમે બન્ને ફુલટાઇમ અમારા ફૂડ-સાહસ પાછળ લાગી ગયાં છીએ. અમારી નોખી અને ફેવરિટ ડિશ છે બાઉલ ઓવર પાસ્તા, જેમાં બાઉલ ભરીને પાસ્તા આપવામાં આવે છે અને પાસ્તા ખવાઈ ગયા બાદ બાઉલ પણ ખાઈ શકાય છે. આ બાઉલ અમે પોતે મેંદા અને કેટલાંક હર્બ્સનો ઉપયોગ કરીને બનાવીએ છીએ. આ સિવાય પણ અહીં અનેક અલગ-અલગ વરાઇટી છે. તેમ જ બધું અહીં જ બનાવીએ છીએ. બહારની કોઈ વસ્તુ આવતી નથી.’
આ જૉઇન્ટ ખૂલ્યાને બે મહિના થયા છે છતાં અહીં સારીએવી ગિરદી જોવા મળે છે. લાગે છે ફૂડીઝને અહીંનો કન્સેપ્ટ પસંદ પડી રહ્યો છે. બાઉલ ઓવર પાસ્તા ઉપરાંત બીજી એક ડિશ છે પાસ્તા ઑન ફાયર જે એક ટાઇપના સિઝલર જેવું જ છે. એમાં હૉટ પ્લેટની ઉપર બે ટાઇપના પાસ્તા, ફ્રેન્ચ ફ્રાઇસ, મૅશ્ડ પટૅટો વગેરે આવે છે. એની અત્યારે ખૂબ ડિમાન્ડ છે. આ ઉપરાંત સ્ટાર પીત્ઝા અહીંનો ફેવરિટ બની રહ્યો છે જે એના સ્ટાર શેપને લીધે ફૂડીઝને આકર્ષી રહ્યો છે. આ સિવાય અહીં અનેક નવી ફ્લેવર અને સ્ટાઇલના પાસ્તા પણ મળે છે.
ADVERTISEMENT
ક્યાં મળશે? : યમ્મી HQ, પંચમ ઍવન્યુ, જૉગર્સ પાર્કની બાજુમાં, ચીકુવાડી, બોરીવલી (વેસ્ટ)

