રોલરકોસ્ટરવાળી લવ-સ્ટોરીના કિસ્સાઓ પાંચ કલાકની ફીચર ફિલ્મ જેટલા છે, પંરતુ આપણે આજે તેમની લવ-સ્ટોરીનું ટ્રેલર માણીએ
ગયા અઠવાડિયે બ્રાહ્મણ વિધિથી પરિવાર, મિત્રો અને સગાંસંબંધીઓની હાજરીમાં પાર્થ અને ગ્રેટાએ છેડાછેડી બાંધીને ગુજરાતી અને તાઇવાનીઝ પરિવારને એક કર્યા.
પાંચ વર્ષ સુધી એકબીજાની સંસ્કૃતિ અને પરિવારને જાણ્યાં, કેટલીયે આદતો અને બાબતોને સ્વીકારી, કેટલુંય શીખ્યાં અને શીખવાડ્યા બાદ આ અઠવાડિયે બોરીવલીમાં રહેતા પાર્થ ઠાકરે તાઇવાનની કાઈ-વે યુ ઉર્ફે ગ્રેટા સાથે બ્રાહ્મણ વિધિથી ગાંધીનગરમાં લગ્ન કર્યાં. તેમની આ રોલરકોસ્ટરવાળી લવ-સ્ટોરીના કિસ્સાઓ પાંચ કલાકની ફીચર ફિલ્મ જેટલા છે, પંરતુ આપણે આજે તેમની લવ-સ્ટોરીનું ટ્રેલર માણીએ
જિનકો જિનકો ભી મિલના હૈ લિખા, ઇશ્ક મિલવાએગા જેવી લવ સ્ટોરી છે મુંબઈના બોરીવલીમાં રહેતા પાર્થ ઠાકર અને મૂળ તાઇવાનની કાઈ-વે યુની, જેનું અમેરિકન નામ ગ્રેટા છે. પાર્થ માસ્ટર્સ કરવા ૨૦૧૯માં અમેરિકાના પિટ્સબર્ગમાં ગયો અને ત્યાં જ તેને ગ્રેટા મળી જે તેની સિનિયર હતી. આ બન્નેની લવ-સ્ટોરીની કોવિડના સમયમાં પરીક્ષા થઈ જેના કારણે તેઓ એકબીજામાં જીવનસાથી જોઈ શક્યાં. એકબીજાની સંસ્કૃતિ અને કમ્યુનિટીને જાણ્યા બાદ ગયા અઠવાડિયે બ્રાહ્મણ વિધિથી બન્ને લગ્નગ્રંથિથી જોડાયાં. એટલે ગ્રેટા હવે ગુજરાતી બની ગઈ છે અને પાર્થ તાઇવાનીઝ બની ગયો છે.
ADVERTISEMENT
બે વાર રિજેક્શન
પોતાની લવ-સ્ટોરી પર આખી બુક લખી શકે છે એમ જણાવતો પાર્થ ઠાકર પહેલી મુલાકાત વિશે કહે છે, ‘ઑગસ્ટમાં મારા પહેલા જ ક્લાસમાં ટીચરની અસિસ્ટન્ટ અને મારી સિનિયર ગ્રેટા ઇલેક્ટ્રિક સ્કૂટર પર ક્લાસમાં આવીને છેલ્લી બેન્ચ પર બેસી ગઈ. હું વિચારતો રહી ગયો કે એ કેટલી કૂલ છે. ક્લાસ પૂરો થયો પછી મેં પોતાને મારા નામ સાથે ઇન્ટ્રોડ્યુસ કર્યો. ભણવાનું બહુ અઘરું હતું અને તમે વિદેશમાં જાઓ તો સંઘર્ષ પણ લાગે એટલે ત્યાં મિત્રો બનાવો અને સિનિયર સાથે તમે વધારે સમય પસાર કરીને માર્ગદર્શન મેળવો. તો એવી રીતે હું ગ્રેટાની નજીક આવ્યો. મારું પહેલું સેમેસ્ટર પૂરું થવાનું હતું અને તેનું છેલ્લું સેમેસ્ટર હતું. મેં તેને ડેટ માટે બે વખત પૂછ્યું હતું અને બન્ને વખત રિજેક્શન મળ્યું હતું. મેં વિચાર્યું કે થર્ડ ટાઇમ ચાર્મ હોય તો ટ્રાય કરી જોઉં. એ પણ નક્કી કર્યું કે જો આ વખતે ના પાડે તો હું ફરી ક્યારેય નહીં પૂછું, કારણ કે જો ચોથી વખત પૂછો તો તમારી ગણના ક્રીપ કે ચીપમાં થાય. ઑક્ટોબરમાં તેનો બર્થ-ડે હતો અને સ્ટુડન્ટ હોઈએ ત્યારે પૈસા તો હોય નહીં એટલે મેં તેના માટે કવિતા લખી અને પેપર પર નાના મેસેજિસ લખ્યા અને તેને ડેટ કરવા માટે પૂછ્યું. અને તેણે હા પાડી એટલે અમે એકબીજાને ઑફિશ્યલી ૨૦૧૯ના નવેમ્બરમાં થૅન્ક્સગિવિંગના દિવસે ડેટ કરવાનું શરૂ કર્યું. શરૂ કર્યું ત્યારે ખબર નહોતી કે સંબંધ કઈ દિશામાં જશે.’
ગયા વર્ષે ડિસેમ્બરમાં અમેરિકાના સૅન ફ્રાન્સિસ્કોમાં રજિસ્ટર્ડ મૅરેજ કર્યાં.
આ જ વ્યક્તિ જીવનસાથી
એવા ઘણા કિસ્સાઓ છે જે ફની છે, પરંતુ પહેલી વખત જ્યારે ગ્રેટાએ વાનગી બનાવી ત્યારે મારા રીઍક્શનને કારણે તેના ચહેરાનું હાસ્ય ગાયબ થઈ ગયું હતું. પાર્થ કહે છે, ‘તાઇવાનીઝમાં જેને ડમ્પલિંગ કહેવાય એને આપણે મોમોઝ કહીએ. જોકે આ બન્નેમાં બહુ જ ફરક છે. ગ્રેટા સવારની મારા માટે ડમ્પલિંગ બનાવતી હતી. હું ક્લાસ પૂરો કરીને તેના ઘરે ગયો અને મારું રીઍક્શન હતું કે ઘરમાં આ શું ગંધાય છે? તે બહુ જ હર્ટ થઈ ગઈ હતી. લોકોને પોતાના ફૂડ-કલ્ચર પ્રત્યે પ્રેમ હોય છે અને તમે આવી રીતે રીઍક્ટ કરો તો સ્વાભાવિક છે કે કોઈને ન ગમે. સાઉથ-ઈસ્ટ એશિયાની રસોઈની સામગ્રીમાં તલનું તેલ, સોય સૉસ અને વિવિધ પ્રકારના સૉસ હોય છે જે તમારું માઇન્ડ પહેલી વારમાં સ્વીકાર ન કરે, પરંતુ પછીથી ટેસ્ટ ડેવલપ થાય. ધીરે-ધીરે એકબીજાના કલ્ચરને સમજ્યાં. હું ડિપ્રેસ થાઉં તો તેને ખુશ કરવા માટે કંઈક કરું. તે ખુશ થાય એટલે હું ખુશ થાઉં. ૨૦૨૦માં કોવિડ આવ્યો. કમનસીબે મને કોવિડ થયો અને આ સમય જૉબ-ઇન્ટરવ્યુનો હતો. હું ૩૦ દિવસ માટે આઇસોલેટે થઈ ગયો એટલે મારી મોટા ભાગની તકો જતી રહી. ઇન્ટર્નશિપ જે મળી હતી એ પણ કોવિડના લીધે જતી રહી. ત્યારે ગ્રેટાએ મને ફાઇનૅન્શિયલી, મેન્ટલી અને ઇમોશનલી જે સપોર્ટ કર્યો એ ક્ષણે મારા સંબંધને નક્કી કરી દીધો. તમારી પાસે આપવા માટે કંઈ જ નથી અને તો પણ વ્યક્તિ તમારી સાથે હોય તો માની લેવું કે તે જીવનસાથી બની શકે. મેં ત્યારે જ નક્કી કરી લીધું કે કેટલાય અણબનાવ થાય, ઝઘડા થાય પણ હું આ વ્યક્તિને ક્યારેય નહીં છોડું. કોવિડ પછી અમે એકબીજાની સંસ્કૃતિને ઓળખવામાં અને સમજવામાં અઢી વર્ષનો સમય પસાર કર્યો.’
અનકમ્ફર્ટેબલ ટૉક
આજના સંબંધોમાં કેટલાંય વર્ષ ડેટ કરતા હો પરંતુ જ્યારે લગ્નની વાત આવે ત્યારે વાતાવરણ થોડું ઑક્વર્ડ થઈ જતું હોય છે એમ જણાવતો પાર્થ કહે છે, ‘લગ્ન કરશે કે નહીં, બાળકો ગમે છે કે નહીં આ બધા સંવાદ સરળ નથી હોતા અને તમને અનકમ્ફર્ટેબલ કરે છે. પરંતુ મેં આ સંવાદ લાંબી-લાંબી વાતોથી નહીં પણ નાની-નાની વાતોથી કર્યો. મેં ધીરે-ધીરે લગ્નની વાત કરી. આપણી બહુ સ્ટ્રૉન્ગ ગુજરાતી કમ્યુનિટી છે અને આપણાં સમાજ અને સંસ્કૃતિમાં લગ્ન બે વ્યક્તિઓ વચ્ચે નહીં પણ પરિવારો વચ્ચે થાય છે. ગુજરાતીઓ હૅપી ગો લકી છે, બધાની સાથે બોલે અને કોઈને પણ સવાલો પૂછતાં ન ખચકાય. મારે ગ્રેટાને એના માટે તૈયાર કરવી પડી. આ બધી વાત ચાલતી હતી એવામાં અમારા ગ્રુપમાં એક બીજું ઇન્ડિયન અને તાઇવાનીઝ કપલ હતું તેમણે લગ્ન કરી લીધાં. તેમણે અમને એક રોલ-મૉડલ પૂરું પાડ્યું. એટલે અમે નક્કી કર્યું કે બન્નેના પરિવારને મળીએ અને જો તેઓ ન માને તો આપણે મનાવીશું, તેમની જે ચિંતા હોય એ દૂર કરીશું.’
ગુજરાતી પેરન્ટ્સને મનાવવા ગ્રેટા ભારત આવી
દરેક ગુજરાતી મમ્મીની જેમ મારી મમ્મીએ મને એક જ વાત કહેલી જે ‘મડગાંવ એક્સપ્રેસ’માં પ્રતીક ગાંધીને તેની મમ્મીએ કહેલી એમ જણાવતાં પાર્થ કહે છે, ‘કોઈ પણ છોકરી લાવજે, પણ આ ખાસ કમ્યુનિટીની છોકરી નહીં લાવતો. હવે મમ્મીએ એવું નહોતું કહ્યું કે તાઇવાનીઝ છોકરીના પ્રેમમાં નહીં પડતો. જ્યારે મમ્મી પહેલી વખત મળવાની હતી ત્યારે મેં મમ્મીને સમજાવી હતી કે ઇન્સ્ટન્ટ કોને કહેવાય અને શું નહીં પૂછવાનું, કારણ કે આપણા ગુજરાતી પરિવારમાં લગભગ બધાને બધી જ ખબર હોય છે અને સીક્રેટ જેવું કંઈ હોતું નથી. મમ્મીને મેં ગ્રેટાને મળાવી ત્યારે ઇન્સ્ટન્ટ કનેક્શન તો નહોતું થયું. ભાષા, રહેણીકરણી અને બીજાં બધાં પરિબળો હતાં જે એકબીજાને સમજવામાં થોડો સમય લાગ્યો, પરંતુ મમ્મીએ મને લગ્ન માટે આશીર્વાદ આપી દીધા હતા. મારો પરિવાર મને બહુ જ સપોર્ટ કરે છે અને બહુ કૂલ છે.’
ડાબેથી પાર્થનાં મમ્મી ક્રિષ્નાબહેન, ગ્રેટાનાં મમ્મી, ગ્રેટા, પાર્થ, ગ્રેટાના પપ્પા, કાકા વિશાલભાઈ અને પાર્થના પપ્પા તુષાર ઠાકર.
તાઇવાનીઝ પેરન્ટ્સને મનાવવા પાર્થ તાઇવાન ગયો
કોઈ પણ દીકરીના પેરન્ટ્સ ઇચ્છે કે તેની દીકરીને ઇકૉનૉમી નહીં પણ બિઝનેસ ક્લાસમાં ફેરવી શકે એવા પરિવારમાં લગ્ન થવાં જોઈએ. તાઇવાન તો પહોંચી ગયો પરંતુ તેના પેરન્ટ્સ સાથે લગ્નની વાત કરવી એક પડકાર હતો. ગ્રેટાના પપ્પા ભગવાનના માણસ છે એમ જણાવતાં પાર્થ કહે છે, ‘હું ગ્રેટાના ઘરે ગયો હતો. મારાથી ડાયરેક્ટ સવાલ તો પુછાય નહીં કે હું તમારી દીકરી સાથે લગ્ન કરી શકું કે નહીં. એ દિવસે ગ્રેટા તેના મિત્રોની સાથે ડિનર પર જવાની હતી અને તેના પેરન્ટ્સે મને કહ્યું કે તું અમારી સાથે ડિનર કર. તો એ દિવસે મેં ગ્રેટાની મમ્મીને રસોડામાં મદદ કરી. અમે ત્રણ ડિનર-ટેબલ પર બેઠાં અને મારા મોંમાંથી નીકળી ગયું કે તમને મારા પરિવાર કે નોકરી વિશે કે પછી મારા કૅરૅક્ટરને લઈને કોઈ ચિંતા છે? તેઓ મને ૧૦ સેકન્ડ આંખમાં આંખ પરોવીને તાકી જ રહ્યા. મારા મોંમાંથી શબ્દો ન નીકળે. મેં ફરી એ જ સવાલ પૂછ્યો અને ડિનર પર ૪૫ મિનિટ મારા આખા ભવિષ્ય વિશે વાતચીત ચાલી. અંતે તેમણે મને કહ્યું કે તમને બન્નેને લગ્ન માટે અમારા આશીર્વાદ છે. હું જેમ-તેમ ડિનર પતાવીને તેમના ઘરમાંથી નીકળ્યો અને લિફ્ટમાં પહોંચ્યો ત્યારે મેં શ્વાસ લીધો. એક વાતની ખુશી હતી કે જે કામ માટે આવ્યો હતો એ કામ સફળ થયું હતું. હવે બન્નેના પેરન્ટ્સની મંજૂરી હતી એટલે મારે પ્રપોઝલ પ્લાન કરવાની હતી. તાઇવાનથી અમેરિકા જતાં ગ્રેટાનાં મમ્મી અમારી સાથે આવ્યાં હતાં.’
બે વાર પ્રપોઝ કર્યું
કેવી રીતે બે પ્રપોઝલ કરી એની કહાની જણાવતાં પાર્થ કહે છે, ‘ગ્રેટાનાં મમ્મી અમારી સાથે આવ્યાં હતાં તો ગ્રેટા માટે મારે કંઈક કરવું હતું. મારા કાકા વિશાલ ઠાકર જેમને હું મારા ગાઇડ માનું છું તેમણે એક સલાહ આપેલી કે સારા કામ માટે સારું મુહૂર્ત જોવાનું અને ગ્રેટાએ એક વાત શીખવેલી કે છોકરીને પ્રપોઝ કરતાં પહેલાં ચેક કરવાનું કે તેનો મૂડ કેવો છે, તે સારા ડ્રેસમાં છે કે નહીં, તેના વાળ બરાબર છે કે નહીં. મેં આ બધી વાત ધ્યાનમાં રાખી હતી. મારે મિશલન સ્ટાર એટલે કે અવૉર્ડ-વિનિંગ રેસ્ટોરાંમાં ટેબલ રિઝર્વ કરવું હતું અને એમાં લાંબું વેઇટિંગ હતું અને ગ્રેટાનાં મમ્મી લાંબો સમય નહોતાં રોકાવાનાં. કોશિશ કરવા છતાંય મને રેસ્ટોરાંમાં રિઝર્વેશન ન મળ્યું તો મેં ઘરને જ ડેકોરેટ કરી દીધું અને એક માહોલ બનાવી દીધો. હું ઇચ્છતો હતો કે જ્યારે પણ હું તેને પ્રપોઝ કરું ત્યારે બેમાંથી કોઈના પણ પરિવારનું એક સભ્ય રહેવું જોઈએ જે આખી મોમેન્ટ કૅપ્ચર કરે. મને ખુશી હતી કે ગ્રેટાનાં મમ્મી અમારી સાથે હતાં. મેં તેમને કૅમેરામાં રેકૉર્ડ કરવા માટે કહી દીધું હતું. જ્યારે ડેકોરેટેડ ઘરમાં ગ્રેટા આવી અને તેનું ફેવરિટ સૉન્ગ શરૂ થયું તો તે તો ગીત ગાવા લાગી. તેની મમ્મીએ કહ્યું કે પાછળ જો અને હું ત્યાં રિંગ લઈને ઊભો હતો. ત્યારે મેં તેને રિંગ પહેરાવી અને એવો ખુશીનો માહોલ જામ્યો કે અમે ડાન્સ કરતાં હતાં અને ગ્રેટાની મમ્મી પણ અમારી આ મોમેન્ટમાં ખોવાઈ ગઈ. જ્યારે રેકૉર્ડિંગ પૂરું કરવાનો સમય આવ્યો ત્યારે તેમને ખબર પડી કે રેકૉર્ડિંગનું બટન જ ઑન નહોતું કર્યું. ઓ માય ગૉડ! જોકે પછી મેં બીજી ઑફિશ્યલ પ્રપોઝલ પ્લાન કરી જે મારો સૌથી પહેલો પ્લાન હતો. ફાઇનલી, મને એ રેસ્ટોરાંમાં રિઝર્વેશન મળી ગયું હતું અને શેફે અંતમાં ચૉકલેટ ડિઝર્ટ પર રિંગ મૂકીને સર્વ કર્યું હતું અને બધાની વચ્ચે મેં તેને ફાઇનલી લગ્ન માટે સવાલ કર્યો. સદ્નસીબે આ વખતે મારી આખી પ્રપોઝલ કૅમેરામાં કૅપ્ચર થઈ હતી.’
શબ્દોથી નહીં, ચહેરાના ભાવથી એકબીજાની ભાષા સમજે છે
ગુજરાતી ઠાકર અને તાઇવાનીઝ યુ પરિવારમાં બધાને થોડુંઘણું અંગ્રેજી આવડે છે. જ્યારે એકબીજાને મળે ત્યારે તૂટ્યાફૂટ્યા અંગ્રેજીમાં એકબીજા સાથે વાત કરી લે છે પરંતુ તેમનું મેઇન ક્નેકશન તો ચહેરાના ભાવ પરથી થઈ જાય છે. આ અઠવાડિયે પાર્થ અને ગ્રેટાની ઇન્ડિયન-તાઇવાનીઝ લવ-સ્ટોરીનું લગ્નગ્રંથિથી બંધાઈને નવું સોપાન શરૂ થયું છે.

