સવારથી સાંજ નોકરી કરતાં અને એ પછી દહીંવડાં બનાવીને વેચતાં મિસ્ટર ઍન્ડ મિસિસ સિંહે આ સ્ટૉલનું નામ આવું કેમ રાખ્યું એની પાછળ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે
બેવફા દહીવડા, અગ્રવાલ સર્કલ, ગ્લોબલ સિટી, વિરાર (વેસ્ટ)
મહારાષ્ટ્રમાં જેમ વડાપાંઉ લોકપ્રિય છે એમ નૉર્થ તરફ દહીભલ્લા એટલે કે દહીંવડાં ખૂબ જ ફેમસ છે. જેમ આપણને વડાપાંઉ મહારાષ્ટ્રમાં જ ખાવાની મજા આવે છે એમ દહીભલ્લા નૉર્થ તરફ ખાવાની વધારે મજા આવે છે; એનું કારણ છે તેમની બનાવવાની રીત, એની અંદર વાપરવામાં આવતી સામગ્રી અને માસ્ટરી જે મુંબઈમાં બહુ ઓછી જગ્યાએ જોવા મળે છે. પણ પાકકલામાં સારીએવી હથોટી ધરાવતી કોઈ નૉર્થ ઇન્ડિયન વ્યક્તિ અહીં આવીને આવી કોઈ ડિશ બનાવીને વેચે તો તેની આઇટમ ચોક્કસ અલગ લાગશે જ. આજે આપણે આવા જ એક નૉર્થ ઇન્ડિયન કપલની વાત કરવાના છીએ જેમણે પોતાની રાંધણકલાની નિપુણતાને તેમની ટ્રેડિશનલ ડિશમાં ઉતારી છે અને એને મુંબઈની સ્ટ્રીટ પર લાવીને વેચી રહ્યું છે.
રૂ .30
ADVERTISEMENT
વિરાર-વેસ્ટમાં રોજ સાંજે પાંચ વાગ્યાની આસપાસ એક કપલ પોતાનો હોમમેડ દહીંવડાંનો સ્ટૉલ નાખીને રાત્રે ૧૧ વાગ્યા સુધી ઊભું રહે છે. મુંબઈમાં માત્ર દહીંવડાં જ બનાવીને વેચતા હોય એવા સ્ટૉલ ખૂબ જ ઓછા છે જેમાં હવે આ સ્ટૉલનું નામ પણ ઉમેરાયું છે. સ્ટૉલના નામની જ વાત કરીએ તો એનું નામ એવું છે કે બે વખત વાંચવું પડે. ‘બેવફા દહીવડા’ નામના આ સ્ટૉલના નામને લીધે પણ વધુ લોકો અહીં આવે છે. સ્ટૉલનું આવું નામ રાખવા પાછળનું કારણ જણાવતાં પૂજા સિંહ કહે છે, ‘હું અને મારા હસબન્ડ ધીરજ સિંહ રસોઈમાં સારીએવી આવડત ધરાવીએ છીએ. આ અગાઉ અમે ક્લાઉડ કિચન ચલાવતાં હતાં જેમાં અમારાં દહીંવડાં લોકોને બહુ ભાવતાં એટલે અમને વિચાર આવ્યો કે આપણે માત્ર દહીંવડાં જ બનાવીને સ્ટૉલ પર કેમ ન વેચીએ? પણ કૉમ્પિટિશનના સમયમાં લોકોને કેવી રીતે આકર્ષવા એ સૌથી મોટો પ્રશ્ન હોય છે એટલે અમે સ્ટૉલનું નામ કંઈક હટકે રાખવાનું નક્કી કર્યું અને એ માટે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ની મદદ લીધી, જેમાં અમને અનેક અતરંગી નામ સૂચવાયાં. એમાં આ નામ અમને બન્નેને ગમી ગયું. અમે બન્ને સવારે નોકરી કરવા જઈએ છીએ અને સાંજે આવીને ઘરે દહીંવડાં બનાવીને અહીં સ્ટૉલ પર લઈ આવીએ છીએ. વધુ ને વધુ લોકો અહીં ખેંચાઈ આવે એટલે અમે ભાવ પણ ખૂબ જ ઓછા રાખ્યા છે. નવેમ્બરમાં અમે આ સાહસ શરૂ કર્યું ત્યારે અમે એક ટેબલ જ લઈને આવતાં હતાં, આજે અમે નાનકડો સ્ટૉલ જ શરૂ કરી દીધો છે.’
હવે દહીંવડાંની વાત કરીએ તો તેઓ અડદ, મગ, ચણા, મસૂર અને તુવેર એમ પાંચ દાળને મિક્સ કરીને વડાં બનાવે છે. આ ઉપરાંત તેઓ દહીંને માટીનાં માટલાંની અંદર મેળવે છે, જેને લીધે એનો ટેસ્ટ અલગ જ આવે છે. નૉર્મલી દહીંવડાંમાં દહીં પાતળું હોય છે પરંતુ અહીં દહીં થોડું જાડું હોય છે. આમ અહીંનાં દહીંવડાં-કમ- દહીભલ્લાને પ્રૉપર નૉર્થનો ટચ મળેલો હોય એવું લાગે છે.
ક્યાં મળશે? : બેવફા દહીવડા, અગ્રવાલ સર્કલ, ગ્લોબલ સિટી, વિરાર (વેસ્ટ)

