યસ, મસ્ત ભીની-ભીની મોસમમાં ચોતરફ પાણી છે ત્યારે શુદ્ધ પાણી જેવા રંગની મૉન્સૂન સ્પેશ્યલ નેઇલ આર્ટ અત્યારે એકદમ ઇનથિંગ અને પૉપ્યુલર છે
નેઇલ આર્ટ
ફૅશનેબલ યુવતીઓ અને સ્ત્રીઓ ક્લાસિક ફ્રેન્ચ મૅનિક્યૉરથી લઈને એકદમ અવનવા રંગોથી નખને ગ્રૂમ કરતી હોય છે અને હવે તો નેઇલ આર્ટમાં સુંદર કળા પ્રદર્શિત કરવાનો સ્કોપ વધતો જ રહ્યો છે.
આજે વાત કરીએ હાલના નેઇલ આર્ટ ટ્રેન્ડની. ‘ઍક્વા નેઇલ આર્ટ મૉન્સૂન થીમ’, જેની વ્યાખ્યા છે ‘બ્લુ રંગ પાણીનો રંગ’. મૉન્સૂન થીમ નેઇલ આર્ટ અત્યારે ટ્રેન્ડમાં છે. આમન્ડ શેપ નેઇલ કે સ્ક્વેર શેપ લૉન્ગ નેઇલ બંને શેપ પર અને નાના કે લાંબા નખ પર પણ ઍક્વા ડિઝાઇન દીપી ઊઠે છે. મૉન્સૂન ઇન્સ્પાયર્ડ ઍક્વા નેઇલ આર્ટમાં કૂલ અને શાતાદાયક ઇફેક્ટ આપતા રંગોની નેઇલ-પૉલિશનો ઉપયોગ થાય છે. એમાં ઍક્વા બ્લુ રંગ મુખ્ય છે. સાથે-સાથે બ્લુ રંગના વિવિધ શેડ લાઇટ બ્લુ, ઇન્ક બ્લુ, રૉયલ બ્લુ, ટર્કોઇઝ બ્લુ પણ વપરાય છે. સાથે-સાથે સફેદ અને ગુલાબી રંગનો પણ થોડો ઉપયોગ થાય છે અને રેન્બો કે છત્રીની ડિઝાઇનમાં તો વિવિધ રંગો વપરાય છે. ગોલ્ડન અને સિલ્વર રંગોનો ઉપયોગ પણ થાય છે.
વરસાદની મોસમ સાથે જોડાયેલી આ આર્ટમાં ન્યુડ નેઇલ (ટ્રાન્સપરન્ટ નેઇલ-પૉલિશ) પર પાણીનાં ટીપાંની થ્રી-ડી ડિઝાઇનથી લઈને મેઘધનુષના રંગો, પાણીની ઇફેક્ટ, વાદળ કે છત્રીની ડિઝાઇન વગેરેની નખ પર સુંદર રજૂઆત થઈ શકે છે.
કેવી ડિઝાઇન્સ છે પૉપ્યુલર?
ADVERTISEMENT
રેઇન ડ્રૉપ્સ: આ નેઇલ આર્ટમાં ન્યુડ નેઇલ્સ પર કે કોઈ પણ બ્લુ કે અન્ય રંગ પર વરસાદના પાણીનાં ટીપાંની થ્રી-ડી ઇફેક્ટ દર્શાવવામાં આવે છે. આ એકદમ સુંદર લાગતી સિમ્પલ ડિઝાઇન છે. મનપસંદ રંગ અને ક્લિયર નેઇલ- પૉલિશની મદદથી જાતે પણ એ કરી શકો છો.
ચમકતી વીજળી : વરસાદમાં આકાશમાં વીજળી તો ચમકે જ. આ વીજળીનો ચમકારો નેઇલ આર્ટ રૂપે નખ પર રજૂ કરવામાં આવે છે. બ્લુ રંગ સાથે, કાળા કે ગ્રે રંગ સાથે કે ન્યુડ કલર નેઇલ પર કે પછી કોઈ પણ મનગમતા રંગ સાથે નખ ઉપર સિલ્વર ગોલ્ડન કે પીળા રંગ સાથે ચમકતી વીજળીની ડિઝાઇન હટકે લુક આપે છે.
પેઇન્ટ મી બ્લુ : આ ડિઝાઇન ટ્રેન્ડમાં નખને સૉલિડ ઍક્વા બ્લુ રંગથી રંગી શકાય. દરેક આંગળીના નખ પર બ્લુના જુદા-જુદા શેડ પણ લગાવવામાં આવે છે. ઍક્વા બ્લુ રંગના નેઇલ્સ પર ડાર્ક બ્લુ કે સફેદ કે પિન્ક કે બ્લૅક રંગથી પાણીનાં ટીપાં કે છત્રી કે વાદળાંની ડિઝાઇન પણ કરી શકાય. ઍક્વા બ્લુ અને ગ્લિટરનું કૉમ્બિનેશન બહુ સરસ લુક આપે છે.
અમ્બ્રેલા નેઇલ આર્ટ : આ ડિઝાઇનમાં ઍક્વા બ્લુ નેઇલ-પૉલિશ કે અન્ય તમારી કોઈ પણ મનપસંદ નેઇલ-પૉલિશનો બેઝ લગાવી ઉપર મિની છત્રીની ડિઝાઇન સાથે વરસાદના પાણીનાં ટીપાંનું કૉમ્બિનેશન કરી શકાય.
મિની ક્લાઉડ્સ : ઝાંખા વાદળી રંગ પર ચમકતી કિનાર સાથેનાં મિની કલાઉડ્સ એકદમ મનમોહક લાગે છે. ઍક્વા બ્લુ કે સફેદ કે ગુલાબી રંગ સાથે પણ આકાશમાં નાનાં-નાનાં વિહરતાં વાદળાં નખ પર પણ શોભી ઊઠે છે.
રેન્બો લુક : આ ડિઝાઇનમાં વરસાદના ખાસ આકર્ષણ સપ્તરંગી મેઘધનુષ વિવિધ રીતે રજૂ કરવામાં આવે છે. આ રેન્બો લુક ડિઝાઇનમાં તો અગણિત પ્રયોગો થઈ શકે છે. ન્યુડ બૅકગ્રાઉન્ડ પર સાત રંગોનો નાનકડો રેન્બો સાથે વાદળ અને વરસાદનાં ટીપાં કે પછી રેન્બો થીમ ફ્રેન્ચ મૅનિક્યૉર કે મેઘધનુષના સાત રંગોનો નખ પર છંટકાવ અને એક છત્રીમાં થોડું-થોડું ભીંજાતું કપલ જેવી સુંદર ડિઝાઇન મન મોહી લે છે.
જેમને વાઇબ્રન્ટ રંગો ગમતા હોય તેમને માટે ઓમ્બર પર્ફેક્ટ પૅટર્ન છે. એમાં પાણીના રંગ બ્લુના વિવિધ શેડનું કૉમ્બિનેશન કરી પાણીની લહેરો નખ પર લહેરાય છે જે મૅજિકલ લાગે છે.
આ સાથે ઍક્વા વેવ્સ, ઍક્વા ટિપ્સ, ઍક્વા વેવ્સ ફ્લોરલ, ઍક્વા ફ્રેન્ચ ટિપ્સ, ઍક્વા જેલ, ઍક્વા સ્વર્લ્સ, બ્રાઇટ ઍક્વા સૉલિડ, ઍક્વા બ્લુ વિથ ગ્લિટર પણ ઑલટાઇમ ફેવરિટ ડિઝાઇન છે.
કિંમત કેટલી?
સૅલોંમાં: ૧૫૦૦થી ૫૦૦૦ રૂપિયા.
રેડીમેડ આર્ટિફિશ્યલ નેઇલ: ૫૦૦થી ૧૨૦૦ રૂપિયા.
ધ્યાન શું રાખવું?
ઍક્વા નેઇલ આર્ટ મૉન્સૂન થીમ ખૂબ જ ડિમાન્ડમાં છે એવું જણાવતાં સેલિબ્રિટી નેઇલ આર્ટિસ્ટ નીલમ જયસ્વાલ કહે છે, ‘કોઈ પણ નેઇલ આર્ટ સારી ત્યારે જ લાગે જ્યારે તમારા નખ સ્વસ્થ અને હેલ્ધી હોય. એટલે હાથપગના નખની સ્વચ્છતાનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. નખ હંમેશાં ક્લીન, ડ્રાય અને પ્રૉપર શેપમાં મેઇન્ટેન કરો. હાથના આકાર મુજબ નખને રાઉન્ડ, આમન્ડ કે સ્ક્વેઅર શૅપ આપી શકાય. મૉન્સૂન નેઇલ આર્ટમાં બહુ ફન લવિંગ અને રેઇન લવિંગ ડિઝાઇન્સ તૈયાર કરી શકાય છે. નખને ઑઇલ અને ક્રીમથી મસાજ કરો. નખ ચાવવાની કે ક્યુટિકલ્સ કાપવાની ભૂલ ન કરો.’
- હેતા ભૂષણ

