શિયાળુ ફૅશનમાં આ વખતે બ્રિટિશ હેરિટેજ અને ફૉર્મલ પ્રસંગોની શાન ગણાતા ટ્વીડ જૅકેટની બોલબાલા વધી છે ત્યારે આ જૅકેટ કેવી રીતે તમારા સાધારણ લુકને ક્લાસી બનાવી શકે એની સ્ટાઇલિંગ ટિપ્સ જાણી લેજો
ટ્વીડ જૅકેટ
ફૅશન હંમેશાં ગોળ ફરે છે. જે એક સમયે જૂનું હતું એ ફરી નવાં રંગરૂપ સાથે માર્કેટમાં પાછું જોવા મળે છે. આ વાત ટ્વીડ જૅકેટ માટે સચોટ સાબિત થઈ રહી છે. એક જમાનામાં બ્રિટિશ હેરિટેજ ફૅશનની શાન ગણાતું આ જૅકેટ અત્યારે ગ્લોબલ ફૅશન આઇકન બની ગયું છે. શિયાળુ ફૅશનમાં લક્ઝરી અને ક્લાસિક વાઇબ આપતા ટ્વીડ જૅકેટ વિશે અને એને સ્ટાઇલ કેવી રીતે કરી શકાય એ જાણીએ.
ટ્વીડ જૅકેટ શું છે?
ADVERTISEMENT
ટ્વીડ મૂળભૂત રીતે સ્કૉટલૅન્ડનું વણેલું ઊન છે અને એ રફ ટેક્સચરને કારણે જાણીતું છે. એની ખાસિયત એ પણ છે કે એ અલગ-અલગ રંગના દોરાઓને જોડીને વણાય છે જેને લીધે ઝીણી ભાત દેખાય છે. એને હૅરિંગબોન કે ચેક્સ પણ કહેવાય. ૨૦મી સદીમાં આ જૅકેટ સ્ત્રીઓ માટે લોકપ્રિય બન્યું હતું. એ પહેલાં પુરુષોમાં સ્પોર્ટ્સ માટે વપરાતું હતું. એ દેખાવમાં રિચ લુક આપે છે. એની બનાવટ એટલી જટીલ હોય છે કે એ આપોઆપ રૉયલ લુક આપે છે. ફૅશનની દુનિયામાં એને ક્વાએટ લક્ઝરીની કૅટેગરીમાં સામેલ કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે મોંઘી બ્રૅન્ડ્સનાં કપડાં પર મોટા અક્ષરે નામ કે લોગો હોય છે, પણ ક્વાએટ લક્ઝરી ફૅશનમાં કોઈને ખબર ન પડે કે એ કઈ બ્રૅન્ડના છે. એનું ફિનિશિંગ જોઈને એની મોંઘી કિંમતનો અંદાજ આવી જાય. આ કન્સેપ્ટ ફાસ્ટ ફૅશનથી ઑપોઝિટ હોય છે. એ વર્ષો સુધી પહેરી શકાય એવા ક્લાસિક રંગો જેમ કે સફેદ, કાળો, બેજ અને ગ્રે જેવા કલર્સમાં હોય છે.
આ જૅકેટને કેવી રીતે સ્ટાઇલ કરશો?
જો તમે કૅઝ્યુઅલ આઉટિંગ માટે જઈ રહ્યા હો તો ટ્વીડ જૅકેટ સાથે ડિસ્ટ્રેસ્ડ કે ફાટેલા જીન્સને બદલે ડાર્ક બ્લુ કે વાઇટ સ્ટ્રેટ-કટ જીન્સ પસંદ કરો. જૅકેટની અંદર કૉટનનું પ્લેન ટી-શર્ટ પહેરવાથી લુકમાં હળવાશ આવશે. જો વાતાવરણ વધુ ઠંડું હોય તો હાઈ-નેક અથવા ટર્ટલ-નેક સ્વેટર એક સૉફિસ્ટિકેટેડ લેયર ઉમેરશે. સાથે ફુટવેઅરમાં વાઇટ સ્નીકર્સ અથવા ક્લાસિક લોફર્સ તમારા લુકને કમ્પ્લીટ કરશે.
ટ્વીડ જૅકેટ માત્ર પૅન્ટ સાથે જ પહેરાય એવું નથી, એ ડ્રેસ સાથે એક સુંદર કૉન્ટ્રાસ્ટ ઊભો કરે છે. સિલ્ક અથવા સૅટિનનો સ્લિપ ડ્રેસ એની નરમાઈ માટે જાણીતો છે, જ્યારે ટ્વીડનું ટેક્સચર રફ હોય છે. આ બન્નેનું મિશ્રણ હાઈ-ફૅશન લુક આપે છે. જો તમે ઑફિસ પાર્ટી કે ડિનર માટે જઈ રહ્યા હો તો ઘૂંટણ સુધીનો મિડી ડ્રેસ અને એની ઉપર શૉર્ટ કે ક્રૉપ્ડ ટ્વીડ જૅકેટ પહેરો. એ તમારી કમરને હાઇલાઇટ કરશે અને તમને એક સારો શેપ આપશે. આ લુક સાથે નાની ક્લચ બૅગ અને સ્ટ્રૅપી હીલ્સ અદ્ભુત લાગે છે.
આજકાલ રિલૅક્સ્ડ ફૅશનનો જમાનો છે, પણ ઓવરસાઇઝ્ડ ટ્વીડ જૅકેટ પહેરતી વખતે વૉલ્યુમનું ધ્યાન રાખવું જરૂરી છે. જો જૅકેટ લૂઝ અને લાંબું હોય તો તમારા શરીરના નીચેના ભાગનાં કપડાં ચોંટી રહે એવાં એટલે કે ફિટેડ હોવાં જોઈએ. જો તમે ઉપર અને નીચ બન્ને ઢીલાં કપડાં પહેરશો તો તમારો લુક બૉક્સ જેવો લાગશે. લેગિંગ્સ, ફિટેડ ટ્રાઉઝર કે મિની સ્કર્ટ સાથે ઓવરસાઇઝ્ડ જૅકેટ પહેરીને એની સ્લીવ્ઝ થોડી ઉપર ચડાવી દો. આનાથી તમારો લુક વધુ ટ્રેન્ડી દેખાશે.
ઑફિસમાં ટ્વીડ જૅકેટ ફૉર્મલ અને સૉફ્ટ વાઇબ આપે છે. અહીં ટ્રિક એ છે કે તમારે જૅકેટ અને સ્કર્ટ મૅચિંગ પહેરવાની જરૂર નથી. એ ઓલ્ડ ફૅશન થઈ ગઈ છે. એને બદલે હાઈ-વેસ્ટ વાઇડ લેગ પૅન્ટ કે ફૉર્મલ ટ્રાઉઝર પસંદ કરો. એની સાથે પેસ્ટલ કલરનું સિલ્ક ટૉપ અથવા વાઇટ શર્ટ પહેરો. આ લુક તમને કૉન્ફિડન્ટ કૉર્પોરેટ વુમન તરીકે રેપ્રિઝેન્ટ કરશે.
આ નાની વાતો પર પણ ધ્યાન આપજો
ટ્વીડ જૅકેટમાં મોટા ભાગે ગોલ્ડન કે મેટલનાં બટન હોય છે. તેથી તમારી જ્વેલરી બટનના રંગ સાથે મૅચ કરો. જો બટન ગોલ્ડન હોય તો નાની ગોલ્ડ બાલી કે પર્લની માળા પહેરો. ઓવર ઍક્સેસરીઝ પહેરવાનું ટાળો.
ટ્વીડ જૅકેટમાં રંગબેરંગી દોરા હોય છે. જૅકેટમાં રહેલા કોઈ સટલ રંગને મૅચિંગ થાય એવું ટૉપ કે પૅન્ટ પહેરો. આનાથી આઉટફિટ મિક્સ-મૅચ કર્યું હોય એવું નહીં લાગે.
આ જૅકેટ ગરમ હોવાથી અંદર બહુ જાડાં કપડાં પહેરવાં નહીં. પાતળા લેયર્સ રાખવાથી તમે ફૂલેલા કે બલ્કી નહીં દેખાઓ.
ટ્વીડ બહુ નાજુક કાપડ હોય છે. એને ક્યારેય મશીનમાં ધોવાની ભૂલ કરવી નહીં. હંમેશાં ડ્રાયક્લીન કરાવી શકાય અને હૅન્ગર પર જ લટકાવવું જેથી એનો શેપ ન બગડે.


