નેઇલ-આર્ટ અને ડાર્ક કલર્સની ઝાકઝમાળ પછી હવે નખને કલર વગર નૅચરલ રાખવાનો અણધાર્યો ટ્રેન્ડ બન્યો યુવતીઓમાં આકર્ષણનું કેન્દ્ર
બેઅર નેઇલ્સ
ક્રોમ ફિનિશ, ગ્લેઝ્ડ ડોનટ ગ્લૉસ અને કૉમ્પ્લેક્સ નેઇલ-આર્ટના ભારે ક્રેઝ વચ્ચે અણધાર્યો બદલાવ આવ્યો છે. બેઅર નેઇલ્સ એટલે કે કોઈ પણ પ્રકારની નેઇલ-પૉલિશ અને નેઇલ-આર્ટ વગરના નૅચરલ નેઇલ્સ રાખવાનું યુવતીઓ વધુ પસંદ કરી રહી છે. નખને સાફ કરીને કુદરતી ચમક લાવવા બફિંગ કરવાનો આ ટ્રેન્ડ બ્યુટી-સ્ટેટમેન્ટ બની ગયો છે.
ક્વાએટ લક્ઝરીનો પ્રભાવ
ADVERTISEMENT
આ બદલાવ ગ્લોબલ લેવલ પર ચાલી રહેલા ક્વાએટ લક્ઝરી ટ્રેન્ડનો ભાગ છે. કપડાંમાં પણ હવે લોકો ભપકાદાર ડિઝાઇનની જગ્યાએ ક્લાસિક મટીરિયલ અને સાદગી પસંદ કરે છે. બેઅર નેઇલ્સ પણ આ ફિલોસૉફીનું જ બ્યુટી-વર્ઝન છે.
નેઇલ-પૉલિશ ન લગાવવી એ હવે કોઈ આળસ કે સમયનો અભાવ નથી, પરંતુ એક સભાનપણે અપનાવેલી હાઈ-એન્ડ ફૅશન-ચૉઇસ છે. આ ટ્રેન્ડ લોકપ્રિય થવા પાછળનું એક કારણ સ્વાસ્થ્ય પણ છે. વર્ષો સુધી જેલ મૅનિક્યૉર, ઍક્રિલિક એક્સ્ટેન્શન્સ અને કેમિકલયુક્ત પ્રોડક્ટ્સનો સતત ઉપયોગ કરવાને કારણે મહિલાઓના કુદરતી નખ નબળા અને બરડ થઈ જાય છે, પરિણામે નખને થોડો આરામ મળે અને એ કુદરતી રીતે રિકવર થાય એવો તેઓ વિચાર કરે છે. આ માત્ર નાનો મેઇન્ટેનન્સ-બ્રેક હતો, પણ એ જોતજોતામાં એક મોટો ફૅશન-ટ્રેન્ડ બની ગયો. આ ટ્રેન્ડની સૌથી સુંદર બાબત એની સરળતા અને સુલભતા છે. આ માટે કોઈ મોંઘાં પાર્લર કે સૅલોંની મુલાકાત લેવાની જરૂર નથી, તેમ જ કોઈ ખર્ચ પણ થતો નથી.
નખને નૅચરલ છતાં આકર્ષક કેવી રીતે બનાવવા?
જોકે બેઅર નેઇલ્સનો અર્થ એવો બિલકુલ નથી કે નખની કાળજી લેવાનું બંધ કરી દેવું. આ લુકને પરફેક્ટ બનાવવા માટે વધુ મહેનત અને કાળજીની જરૂર પડે છે. નખની આસપાસની ત્વચા જેને ક્યુટિકલ્સ કહેવાય છે એને નિયમિત ટ્રિમ અને સાફ રાખવી જરૂરી છે, જેથી હાથ સુઘડ લાગે.
ફોર-વે બફર બ્લૉકથી અઠવાડિયામાં એક વાર નખને સ્મૂધ કરવાથી એના પર નૅચરલ ગ્લો આવે છે, જેના માટે ટૉપ-કોટની જરૂર પડતી નથી.
બજારમાં હવે તદ્દન આછા ગુલાબી કે દૂધિયા રંગનાં નેઇલ-સ્ટ્રેન્થનર મળે છે, જે નખને મજબૂત રાખવાની સાથે એકસરખો નૅચરલ ટોન આપે છે.
નખનો આકાર ખાસ કરીને રાઉન્ડ કે સ્ક્વોવલ યોગ્ય રીતે ફાઇલ કરેલો હોવો જોઈએ. સાથે જ, નખની આસપાસની ત્વચાને સૉફ્ટ રાખવા ક્યુટિકલ ઑઇલ કે હૅન્ડ-ક્રીમ નિયમિત લગાવવું જોઈએ.
