વિધાનસભામાં સ્પીકર રાહુલ નાર્વેકરે દીનાનાથ મંગેશકરને દીનદયાલ મંગેશકર તરીકે સંબોધ્યા એને પગલે રાજ ઠાકરે ઊકળી ઊઠ્યા
વિધાનસભામાં સ્પીકર રાહુલ નાર્વેકર
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરેએ મંગળવારે મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ગૃહમાં લેજન્ડરી સિંગર આશા ભોસલેના શોકપ્રસ્તાવનું વાંચન કરતી વખતે ભૂલ કરવા બદલ એને મરાઠી ભાષાનું અપમાન ગણીને સ્પીકરની આકરી આલોચના કરી હતી.
રાહુલ નાર્વેકરે આશા ભોસલેના પિતા દીનાનાથ મંગેશકરને દીનદયાલ મંગેશકર તરીકે સંબોધ્યા હતા. એમ છતાં ગૃહમાં હાજર એક પણ વિધાનસભ્યને આ બાબતે વાંધો ઉઠાવવાનું યોગ્ય નહોતું લાગ્યું. રાજ ઠાકરેએ સોશ્યલ મીડિયા પર એક આકરી પોસ્ટ શૅર કરતાં લખ્યું કે આ આશા ભોસલે માટે નહીં પરંતુ ‘મરાઠી ભાષા માટેનો શોકસંદેશ’ હતો.
ADVERTISEMENT
રાજ ઠાકરેએ પોસ્ટમાં જણાવ્યું હતું કે ‘પદ્મવિભૂષણ આશા ભોસલેને શ્રદ્ધાંજલિ આપવા માટેનો પ્રસ્તાવ રજૂ કરતી વખતે સ્પીકર રાહુલ નાર્વેકરે જે રીતે મરાઠી ભાષાની ગરિમા હણી છે અને તેઓ લખેલું લખાણ પણ યોગ્ય રીતે વાંચી શક્યા નથી એ જોઈને અત્યંત ગુસ્સો અને વેદના થાય છે. જો રાહુલ નાર્વેકરે આ પ્રસ્તાવ સ્વાહિલી કે હિબ્રૂ ભાષામાં આપ્યો હોત તો પણ કોઈ ફરક ન પડત, કારણ કે તેમની મરાઠી ભાષા કોઈને સમજાઈ જ નહોતી. તે જે કાગળમાંથી વાંચી રહ્યા હતા એમાં શું ભેળ ખાધી હતી કે બરાબર વંચાયું નહીં.’
