કઈ પ્રિન્ટ તમને સ્લિમ બતાવશે અને કઈ પ્રિન્ટ તમારી હાઇટને કૉમ્પ્લીમેન્ટ કરશે? તમારા ફિગર અને પર્સનાલિટી મુજબ રાઇટ પ્રિન્ટ પસંદ કરવા માટેની આ રહી એક્સપર્ટ ટિપ્સ
પ્રતીકાત્મક તસવીર
સમર ફૅશનની વાત આવે ત્યારે ફ્લોરલ પ્રિન્ટ હંમેશાં લાઇમલાઇટમાં રહે છે. બદલાતા ટ્રેન્ડ સાથે હવે ફૂલોની ડિઝાઇનમાં પણ ઘણી વિવિધતા જોવા મળી રહી છે. જોકે દરેક પ્રિન્ટ દરેક વ્યક્તિ પર એકસરખી સારી નથી લાગતી. ફ્લોરલ ફૅશનમાં પર્ફેક્ટ લુક મેળવવા માટે તમારી બૉડી-ટાઇપ મુજબ સાચી પ્રિન્ટ અને પૅટર્નની પસંદગી કરવી ખૂબ જ જરૂરી છે. તો ચાલો જાણીએ કે આ સીઝનમાં કયા પ્રકારની ફ્લોરલ પ્રિન્ટ્સ ટ્રેન્ડમાં છે અને તમારા ફિગર મુજબ તમારે કેવાં આઉટફિટ્સ પસંદ કરવાં જોઈએ.
આ સીઝનમાં કેવી ફલોરલ પ્રિન્ટ છે ટ્રેન્ડમાં?
ADVERTISEMENT
ગરમીમાં આંખોને ઠંડક આપે એવા પેસ્ટલ શેડ્સ જેમ કે બેબી પિન્ક, પાઉડર બ્લુ અને મિન્ટ ગ્રીન પર વાઇટ કે ડાર્ક ફૂલોની પ્રિન્ટ ખૂબ જ ક્લાસી લુક આપે છે. માત્ર ફૂલો જ નહીં પણ પાંદડાં અને વેલાઓવાળી લીફી પ્રિન્ટ પણ આ વખતે ટ્રેન્ડમાં છે, જે નૅચરલ અને ફ્રેશ લુક આપે છે. જે યુવતીઓને ટિપિકલ ફૂલો પસંદ નથી તેમના માટે મૉડર્ન આર્ટ જેવી દેખાતી ઍબ્સ્ટ્રૅક્ટ ફ્લોરલ પ્રિન્ટ બેસ્ટ ઑપ્શન છે. ફૅબ્રિકની વાત કરીએ તો લિનન, શિફૉન, જ્યૉર્જેટ અને કૉટનના ફ્લોરલ ડ્રેસ સૉફ્ટ અને ફેમિનાઇન લુક આપશે.
બૉડી-ટાઇપ મુજબ કેવી રીતે કરશો પસંદગી?
સ્લિમ બૉડી-ટાઇપ ધરાવતી યુવતીઓએ માઇક્રો ફ્લોરલ્સ એટલે કે નાની પ્રિન્ટવાળાં આઉટફિટ પસંદ કરવાં જોઈએ. બહુ મોટી પ્રિન્ટ તમારા લુકને દબાવી દેશે. નાનાં અને નાજુક ફૂલોની ડિઝાઇન તમને થોડો ફિલર લુક આપશે અને તમે વધારે ગ્રેસફુલ લાગશો.
પ્લસ સાઇઝ અથવા કર્વી બૉડી ધરાવતી યુવતીઓએ મીડિયમ સાઇઝની પ્રિન્ટ્સ પહેરવી હિતાવહ છે. બહુ મોટી પ્રિન્ટ તમને વધુ હેવી બતાવી શકે છે. ડાર્ક બેઝ જેમ કે નેવી બ્લુ કે બ્લૅક પર મીડિયમ સાઇઝનાં ફૂલો તમારા લુકને સ્લિમિંગ ઇફેક્ટ આપે છે. ખાસ કરીને વર્ટિકલ ફ્લોરલ પૅટર્ન તમારા શરીરને લાંબું બતાવવામાં મદદ કરે છે.
જો તમારી હાઇટ સારી છે તો તમે મોટી અને બોલ્ડ ફ્લોરલ પ્રિન્ટ આરામથી કૅરી કરી શકો છો. હિંમતભેર મોટા ફ્લાવર મોટિફ્સવાળા ડ્રેસ કે સાડી ટ્રાય કરો. આ તમારા લુકમાં વૉલ્યુમ ઉમેરશે અને તમને સ્ટાઇલિશ બતાવશે.
સ્ટાઇલ ટિપ્સ
જો તમે ફ્લોરલ કુરતી કે ટૉપ પહેરતા હો તો એની સાથે બૉટમ પૅન્ટ કે પલાઝો હંમેશાં પ્લેન રાખો. આખા આઉટફિટમાં ઉપર-નીચે પ્રિન્ટ હશે તો લુક બહુ લાઉડ લાગી શકે છે.
ફ્લોરલ ડ્રેસ સાથે હેવી જ્વેલરી ટાળો. એની સાથે ઑક્સિડાઇઝ્ડ ઇઅરરિંગ્સ, સિમ્પલ પેન્ડન્ટ અથવા પર્લ સ્ટડ્સ ખૂબ જ સરસ લાગે છે.
ફ્લોરલ ડ્રેસ સાથે ન્યુડ શેડની હીલ્સ અથવા વાઇટ સ્નીકર્સ બેસ્ટ કૉમ્બિનેશન છે. જો તમે એથ્નિક લુક કરી રહ્યા હો તો કોલ્હાપુરી ચંપલ કે મોજડી પહેરી શકાય.
જો તમે સ્લીવલેસ ફ્લોરલ મૅક્સી ડ્રેસ પહેર્યો હોય તો એની ઉપર ડેનિમ જૅકેટ કે પ્લેન શ્રગ લેયર કરવાથી એકદમ મૉડર્ન અને બોહો લુક મળશે.
