ટ્રેડિશનલ લુકને ગ્લૅમરસ અને યુનિક ટચ આપવા માટે પૅચ-ફેશન બેસ્ટ વિકલ્પ છે. આ સીઝનના લેટેસ્ટ પૅચ-ટ્રેન્ડ અને એના મલ્ટિપર્પઝ યુઝ વિશે જાણી લો
ટાઇમલેસ અને એવરગ્રીન પૅચવર્ક તમારા લુકને બનાવશે ગરબા-રેડી
ચણિયાચોળી અને કેડિયામાં દર વર્ષે કંઈક નવું ટ્રાય કરવાનો ક્રેઝ ખેલૈયાઓમાં અકબંધ રહે છે. જો તમે તમારાં જૂનાં પ્લેન ચણિયાચોળીને કમ્પ્લિટલી નવો અને રૉયલ લુક આપવા માગતા હો તો પૅચ એવરગ્રીન અને ટાઇમલેસ ફૅશન-સૉલ્યુશન છે. પૅચ-ફૅશન માત્ર કપડાનું રૂપ નથી બદલતી, તમારા ઓવરઑલ આઉટફિટને રિચ અને હેવી લુક આપે છે. આ વર્ષે નવરાત્રિમાં કેવા પૅચ ટ્રેન્ડ કરી રહ્યા છે અને એનો યુનિક ઉપયોગ કેવી રીતે કરવો એ જાણી લો.
આ વખતે કેવા પૅચ ટ્રેન્ડમાં છે?
મિરરવર્ક અને કચ્છી એમ્બ્રૉઇડરીવાળા રાઉન્ડ અને ચોરસ ટ્રેડિશનલ પૅચ ટાઇમલેસ છે. એ ક્યારેય ટ્રેન્ડમાંથી બહાર જવાના જ નથી. આ ઉપરાંત ખેલૈયાના મોટિફ્સવાળા, કળશ, હાથી, દાંડિયાની જોડી જેવા પૅચ સિમ્પલ આઉટફિટ પર ખૂબ સરસ ઉઠાવ આપે છે. આવા પૅચને કેડિયા, ધોતી, ચણિયાચોળી, જીન્સ, ટૉપ બધાં જ પર લગાવી શકાય. શક્ય હોય ત્યાં સુધી વેલક્રોવાળા અથવા પિનથી અટૅચ કરી શકાય એવા ડીટૅચેબલ પૅચ ખરીદી કરવા જોઈએ, જેથી જરૂર પડ્યે બીજા આઉટફિટ્સમાં પણ અટૅચ કરી શકો. અત્યારે કાપડ અને મોતીના સમન્વયથી બનતા 3D ફ્લોરલ તથા ગૌટાપત્તી પૅચ ગ્લૅમરસ લુક માટે હૉટ ફેવરિટ બની રહ્યા છે. બોહો વાઇબ આપતા કલરફુલ પૅચિસ પણ કોઈ પણ સિમ્પલ આઉટફિટની પળવારમાં કાયાપલટ કરી નાખે છે. નીચેથી કલરફુલ દોરા, કોડી અને ઘૂઘરી લટકતી હોય એવા પૅચ આઉટફિટને વાઇબ્રન્ટ લુક આપે છે.
ઘરે પૅચ કેવી રીતે બનાવશો?
ઘરે પડી રહેલા જૂના વેસ્ટ મટીરિયલમાંથી ઇન્સ્ટન્ટ પૅચ બનાવવા સરળ છે. આ માટે કાંજી કરેલું કડક કાપડ, જેમ કે બક્રમ અથવા જાડું કૅન્વસ લો. એના પર તમને ગમતો શેપ જેમ કે ગોળ, ત્રિકોણ કે પાન આકાર પેન્સિલથી ડ્રૉ કરી લો. પછી ફૅબ્રિક ગ્લુ વડે એના પર મિરર, કોડી, ગોટાપત્તી રંગબેરંગી સીક્વન્સ કે ફૅન્સી લેસ ચીપકાવીને ડેકોરેશન કરો અને સુકાઈ જાય પછી એને આકાર મુજબ કાપી લો. પાછળની તરફ સેફ્ટી પિન લગાવો અથવા સોયદોરાથી આઉટફિટ પર પર્મનન્ટ ટાંકી પણ શકાય. ઘરે પડેલી જૂની સાડીમાં નાના એમ્બ્રૉઇડરીવાળા મોટિફ્સ હોય એમાં પણ નવરાત્રિમાં સૂટ થાય એવું ડેકોરેશન કરીને વેસ્ટમાંથી બેસ્ટ બનાવી શકાય.
આટલું ધ્યાનમાં રાખજો
જો આઉટફિટ ખૂબ હેવી કે પ્રિન્ટેડ હોય તો સિમ્પલ પૅચ પસંદ કરો. પ્લેન કાપડ પર હેવી મિરરવર્ક પૅચ સૌથી વધુ ખીલે છે.
પૅચને કાયમી સીવવાને બદલે પાછળ સેફ્ટી પિન કે વેલક્રો લગાવો, જેથી એક જ પૅચ અલગ-અલગ ડ્રેસમાં વાપરી શકાય.
મિરર અને કોડીવાળા પૅચ ધરાવતા કપડાને ઘરે વૉશ કરવાને બદલે ડ્રાય ક્લીન કરાવવું અથવા પૅચ કાઢીને ધોવું.
ADVERTISEMENT
આઉટફિટ સિવાય પૅચનો વર્સેટાઇલ ઉપયોગ
પૅચ માત્ર ચણિયાચોળી કે કુરતી સુધી સીમિત નથી. એનો સ્માર્ટ ફ્યુઝન ઉપયોગ પણ કરી શકાય છે. પ્લેન ડેનિમ જૅકેટ અથવા કૉટન કોટી પર બૅક સાઇડમાં એક મોટો મોટિફ પૅચ લગાવીને પિંચ ઑફ ફ્યુઝન લુક મેળવો.
પ્લેન પોટલી બૅગ કે હૅન્ડબૅગ પર નાનો કચ્છી પૅચ ચોંટાડીને ઇન્સ્ટન્ટ ટ્રેડિશનલ બૅગ તૈયાર કરી શકાય.
તમારી સાદી મોજડી કે સ્નીકર્સ પર નાના પૅચ લગાવીને એને નવરાત્રિ સ્પેશ્યલ આઇકૅચિંગ ફુટવેઅર બનાવી શકાય.
કાપડના પટ્ટા પર સળંગ નાના પૅચ અને કોડી લગાવીને ટ્રેન્ડી વેસ્ટ બેલ્ટ બનાવી શકાય.
